વૈશ્વિક કક્ષાએ એન્જીનીયરીંગ ઉત્પાદનોની નિકાસમાં આવેલા વધારાથી રાજકોટના ઉદ્યોગો માટે સોનાનો સુરજ ઉગશે: સિરામીક ગ્લાસ, હેન્ડીક્રાફ્ટ અને લેધર સહિતની વસ્તુઓમાં માંગ વધતા નિકાસ 3 ગણી વધી

કોરોના મહામારી દરમિયાન દેશમાં આર્થિક ગતિવિધિઓ ઉપર કેટલાંક નિયંત્રણો લાગી ગયા હતા. અલબત ફાર્મા અને કૃષિ સેકટરના સહારે અર્થતંત્ર ધીમીગતિએ આગળ વધી રહ્યું હતું પરંતુ હવે અર્થતંત્ર પુરપાટ ગતિએ દોડે તેવી આશાઓ છે. અમેરિકા, યુરોપ સહિતના પશ્ર્ચિમી દેશોમાં ખુબ ઝડપથી આર્થિક રીકવરી આવી રહી છે. જેના પરિણામે દેશના નિકાસ ક્ષેત્રને બુસ્ટર ડોઝ મળશે. અત્યારે હાલના આંકડા મુજબ એપ્રીલ મહિનામાં નિકાસમાં તોતીંગ ઉછાળો આવ્યો છે.કાર્પેટ, હેન્ડીક્રાફટ, સીરામીક પ્રોડકટ અને ગ્લાસવેર સહિતની વસ્તુઓમાં નિકાસમાં ફુલ ગુલાબી ચિત્ર જોવા મળ્યું છે. તાજેતરમાં ટ્રેડ પ્રમોશન કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા નિકાસમાં આવેલા ઉછાળાને લઈ આંકડા જાહેર કરાયા હતા. જે મુજબ એપ્રીલ મહિનામાં નિકાસ 3 ગણી વધી છે. આ નિકાસ 30.21 બીલીયન ડોલર એટલે કે, 2 લાખ કરોડ રૂપિયા જેટલી રહેવા પામી છે. ખાસ કરીને એન્જીનીયરીંગ, જેમ્સ એન્ડ જવેલરી તથા પેટ્રોલ પ્રોડકટ નિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે.ટ્રેડ પ્રમોશન કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ફાઉન્ડર ચેરમેન મોહિત શિંગળાના મત મુજબ એપ્રીલમાં નિકાસમાં આવેલા ઉછાળાના કારણે તંદુરસ્ત અર્થતંત્ર તરફના સંકેતો મળી રહ્યાં છે. તમામ સેકટરમાં બેલેન્સ ગ્રોથ જોવા મળી શકે છે. માત્ર કૃષિ કે ફાર્મા જ નહીં પરંતુ તમામ સેકટર ફરીથી હરણફાળ ભરી શકે છે.

એન્જીનીયરીંગ સેકટરમાં નિકાસમાં આવેલી તેજી રાજકોટ માટે ખુબ સારા સમાચાર છે. રાજકોટને એન્જીનીયરીંગનું હબ ગણવામાં આવે છે. ફોર્જીંગ ફાઉન્ડરી, કાસ્ટીંગ અને ઓટો મોબાઈલ સેકટરમાં માંગ વધશે તેવી અપેક્ષા છે. સપ્લાય ચેઈન ફરીથી પાટે ચડી જશે તો નજીકના ભવિષ્યમાં રાજકોટના એન્જીનીયરીંગ સેકટર માટે સોનાનો સુરજ ઉગશે. હાલ અમેરિકા અને યુરોપની બજારોમાં રીકવરીનો માહોલ જોવા મળે છે. જેના પરિણામે આ દેશોમાં ભારતીય વસ્તુઓની માંગ વધી છે. હાલ યુએસ અને યુરોપ નિકાસકારો માટે મહત્વના ડેસ્ટીનેશન બની ચૂક્યા છે. આવી સ્થિતિમાં 2021 દરમિયાન એકલા એન્જીનીયરીંગ ગુડ્ઝમાં પણ 234 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ મામલે ઈઈપીસીના ચેરમેન મહેશ દેસાઈનું કહેવું છે કે, તાજેતરમાં કોરોનાના કેસમાં આવેલા વધારાના કારણે વૃદ્ધી ઉપર જોખમ તોળાયું હતું પરંતુ વર્ષ દરમિયાન રિકવરીના દર અંગે અમને આશાવાદ હતો.

વૈશ્વિક વેપારનું વોલ્યુમ 8 ટકા સુધી 2021માં વધ્યું છે. ખાસ કરીને એન્જીનીયરીંગ ગુડ્ઝમાં છેલ્લા કેટલાંક મહિનામાં વધારો જોવા મળ્યાની બાબત પણ તેમણે તાકી હતી.આંકડા મુજબ એપ્રીલ 2021માં મર્ચેન્ડાઈઝ એક્ષપોર્ટ 30.21 બીલીયન ડોલર હતું. ગત વર્ષે આ સમયગાળામાં નિકાસ 10.17 ડોલર જેટલી હતી. એકંદરે 2021માં નિકાસ વધવા પામી છે. અહીં મહત્વની વાત એ પણ છે કે, 2019ના એપ્રીલ મહિનાની સરખામણીએ પણ 2021ની નિકાસ 16 ટકા વધુ છે. મહામારી સમયે તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર કેટલાંક નિયંત્રણ હતા પરંતુ અત્યારે આવેલ ઉછાળો અર્થતંત્રની તંદુરસ્તરી તરફ ઈશારો કરી રહ્યાં છે.  દેશના કેટલાંક ભાગોમાં નાઈટ કફર્યું છે. કેટલાંકમાં સંપૂર્ણ અથવા તો આંશિક લોકડાઉન મુકી દેવાયું છે. આવી સ્થિતિમાં શ્રમિકોની અછત અને લોજિસ્ટીકના ઈસ્યુ પણ છે. જો કે આ તકલીફ માત્ર ટૂંકાગાળા માટે જ રહેશે તેવી ધારણા છે. વર્તમાન સંજોગો અત્યારે અર્થતંત્રની ગાડી પાટે ચડે તે તરફ ઈશારો કરી રહી છે. તાજેતરમાં જીએસટી કલેકશનના આંકડાએ પણ રેકોર્ડ તોડ્યા છે. તમામ સેકટરોમાં આઉટપુટ 6.8 ટકા જેટલું વધે તેવી શકયતા છે. દરમિયાન હવે રસીકરણ કાર્યક્રમ પણ વધુ વેગવંતો બની જતાં નજીકના ભવિષ્યમાં નિયંત્રણો હટી જશે તેવી અપેક્ષા પણ છે. જેના પરિણામે સ્થાનિક સ્તરે માંગ અને ઉત્પાદન વધવા પામશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.