શ્રી રામ શર્મા આચાર્યએ લખ્યું છે કે,રૂશની વસતી ભારતની વસતીના ત્રીજા ભાગ જેટલી હોવા છતાં ત્યાંના લોકોની અધ્યયન પ્રવૃતિ એવી તો તીવ્ર છે કે તેઓ એક વર્ષમાં એટલું બધું વાંચી લે છે કે આપણે ત્યાં 10 વર્ષમાં પણ એટલું વંચાતું નથી.આપણે ત્યાં નવા પુસ્તકના વિમોચનને સામાન્ય પ્રસંગ ગણવામાં આવે છે.અમેરિકાના પ્રખ્યાત લેખક હેરી પોટરનું કોઈપણ નવું પુસ્તક પ્રકાશિત થવાનું હોય ત્યારે ત્યાંના લોકો 24 કલાક અગાઉ પુસ્તક ખરીદવા માટે લાઈનમાં ઊભા રહેતા. 24 કલાક બાદ પુસ્તક પ્રાપ્ત થયાનો અનેરો આનંદ અનુભવતા હતા.આ વાત ત્યાંના લોકોના પુસ્તક પ્રેમની છે.સિંગાપુર જેવા નાનકડા રાષ્ટ્રમાં અંદાજે ત્રીસેક લાખ જેટલા લોકો લાયબ્રેરીના સભ્ય છે.સમજો કે રાષ્ટ્રની વસતીના અડધા ભાગ જેટલા સભ્યો છે. એટલું જ પૂરતું નથી.પરંતુ ત્યાંના પુસ્તકાલયો માંથી અંદાજે વર્ષે અઢી કરોડ જેટલા પુસ્તકો ઇસ્યુ થાય છે અને વંચાય છે.વિકસિત રાષ્ટ્રોની સફળતાનું રહસ્ય પુસ્તકો અને વાચન છે.
‘જે પ્રજા વાંચતી હશે તે જ વિકસતી અને વિસ્તરતી હશે’
કોલકત્તામાં પ્રતિવર્ષે વિશ્વનો બીજા નંબરનો પુસ્તક મેળો ભરાય છે.બંગાળી બાબુઓ વાંચવાના અને પુસ્તકો ખરીદવાના એવા તો આગ્રહી છે કે પોતે પોતાના બેલેન્સમાંથી વર્ષ દરમિયાન પુસ્તકો ખરીદવાનો એક અલગ હિસ્સો રાખે છે.આ મેળાનું પ્રસિદ્ધ સૂત્ર હોય છે:’પુસ્તક સાદ પાડે છે.’
ઉપરોક્ત ઘટનાઓ પછી ગુજરાતની સ્થિતિનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે.વ્યાપારી માનસ ધરાવતી ગુજરાતી પ્રજા વાચનમાં જબરો પ્રમાદ સેવે છે.અરે વિદ્યાર્થીઓ સમક્ષ જવું છે, તેવા શિક્ષકો ખુદ વાંચતા નથી.પોતાના સિલેબસ પૂરતું માંડ માંડ વાંચે છે.તેથી જ તો જાણીતા ચિંતક ગુણવંત શાહ કટાક્ષમાં કહે છે,’આજનો શિક્ષક એટલે વિદ્યાર્થી કરતાં એક દિવસ આગળ.’ અર્થાત બીજા દિવસે જે ભણાવવાનું છે,તેટલો જ પાઠ્યક્રમ શિક્ષક તૈયાર કરે છે.
વિચાર શૂન્યતા એ કોઈ પણ સમાજ માટે અભિશાપ છે.જે પ્રજા વાંચતી હશે તે જ વિકસતી અને વિસ્તરતી હશે.રાજા ભોજના શાસનકાળમાં સમાજનો અદનો આદમી પણ ઉત્તમ કાવ્યો રચી જાણતો.સિદ્ધરાજ જયસિંહનો સાહિત્ય પ્રેમ ખૂબ જાણીતો છે.અકબરના પ્રયાસો દાદ માંગી લે છે.વાચન દ્વારા જ આપણે નૂતન જ્ઞાન અને દિશાઓથી અવગત થઈ શકીએ છીએ.વાચન જ વિચારોને જન્મ આપે છે.તેનું પરિમાર્જન કરે છે.
વૈશ્વિકીકરણના યુગમાં વિવિધ માધ્યમો દ્વારા ઢગલાબંધ સાહિત્ય આજે ઉપલબ્ધ બન્યું છે.તેમાંથી પ્રાણવાન,માર્ગદર્શક અને ઉત્તમ સાહિત્ય વાચનનો આગ્રહ રાખવો જોઈએ.મહર્ષિ વ્યાસે તો કહ્યું છે કે ’સ્વાધ્યાય યોગ સંપત્યા પરમાત્મા પ્રકાશતે.’
અર્થાત સ્વાધ્યાય યુક્ત સાધનાથી પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે.બર્નાર્ડ શો એ કહ્યું છે કે,’મેં ઘણાં પુસ્તકો વાંચ્યા છે.દરેક પુસ્તકમાંથી હું અનીતિ વિરુદ્ધ સંઘર્ષ અને માનવ જાત પ્રત્યે પ્રેમના પાઠ શિખ્યો છું.’
આમ પુસ્તકોનો પ્રભાવ અજ્ઞાત મન પર ગાઢ રીતે થતો હોવાથી આદર્શ વાચન થાય તે જરૂરી છે.
આપણે શરીર,વસ્ત્ર,મકાન વગેરેની દરરોજ સફાઈ કરીએ છીએ,કારણ કે તેના ઉપર દરરોજ મેલ જામતો રહે છે.એવી જ રીતે સંસાર વ્યવહારના સારા નરસા પ્રભાવો મન પર પડ્યા કરે છે.જે અંતે વ્યક્તિત્વ પર અસર કરતા હોય છે.એ બાબતે આપણે બે ધ્યાન રહીએ છીએ.આથી જ તો ગાંધીજીએ કહ્યું છે,’મનને ધોવા માટે ઉત્તમ પુસ્તકો સાબુનું કાર્ય કરે છે.’
ઘણાં લોકોની માનસિકતા એવી છે કે શા માટે વાંચવું જોઈએ ? એવી નવરાશ ક્યાં મળે છે ? તો વળી,કેટલાક એવો બચાવ કરે છે કે વાચન,લેખન,ધ્યાન- ધર્મ,પૂજા – પાઠ,યાત્રા, દાન – ધર્માદા,આ બધું ઘરડા થાય ત્યારે કરાય. જુવાનીમાં કમાવું,ખાવું ને મોજ મસ્તી કરવી.એમાં કાંઈ થોથા લઈને થોડું બેસાય? ગુણવંત શાહ કહે છે તેમ,’એવા ઘરે દીકરી ન અપાય કે ન લેવાય જેના ઘરમાં પાંચ સારા પુસ્તક ન હોય.’
90 ટકા વાળા વિદ્યાર્થીને 12મું પાસ કર્યા પછી મેઘાણી કે કલાપી અથવા નરસિંહ કે નર્મદ વિશે કે એના સાહિત્ય વિશે પણ ખબર ન હોય,તો બીજું ઘણું બધું જાણતો હોવા છતાં તે અધૂરું લાગશે.વિદ્યાર્થીઓના ઈતર વાચનથી અભ્યાસ ઘનિષ્ઠ અને ચિરંજીવી બને છે.તેઓની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે.વિષયની અર્થગ્રહણ ક્ષમતા વધે છે. આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે.સ્પર્ધા અને દોડના માહોલમાં ટકા અને મેરિટના જમાનામાં ’જાગ્યા ત્યાંથી સવાર’ ગણીને ડગ ભરીએ તો કેવું !
સાંપ્રત સમયમાં સેંકડો પુસ્તકો લખાય છે, છપાય છે અને વેચાય છે.પરંતુ અફસોસ કે ખરેખર પુસ્તકો વંચાય છે ખરા? શાળામાં શાળાઓના પુસ્તકાલય,સરકારી અને સરકારી સહાયથી ચાલતા પુસ્તકાલયો, સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારી ધોરણે ચલાવવામાં આવતા પુસ્તકાલયમાં મનગમતા પુસ્તકો વાંચવા માટે મળી શકે છે.નવસારીનું શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય આ અર્થમાં પુસ્તકોના વાચન માટે પુસ્તક યાત્રા, વાચન સ્પર્ધાઓ, ગોષ્ઠિ, વાર્તાલાપો દ્વારા ખૂબ જ સરાહનીય પ્રયત્ન કરે છે.ગુજરાતી સહાયક પુસ્તકાલય વડોદરા તો ’પુસ્તકાલય’ નામે એક સામયિક બહાર પાડે છે.સ્પર્ધાઓ ગોઠવે છે. સાહિત્ય ગોષ્ઠિ કરે છે.સાહિત્ય સભાઓ યોજે છે.આમ પુસ્તકોના વાચન માટે સઘન પ્રયાસ કરે છે.
રાજકોટમાં સાહિત્ય સેતુ નામે એક સંસ્થા પુસ્તક પરબ ચલાવે છે.દર મહિનાના પ્રથમ રવિવારે કોઈપણ જાતના રજિસ્ટ્રેશન કે ફી વગર વાચકોને પુસ્તકો વાંચવા આપે છે.એટલું જ નહીં બલકે જ્યાં લોકોની વધુ અવરજવર હોય તેવા વિસ્તારના ચોકમાં,ધાર્મિક કે ફરવાના સ્થળો ઉપર જઈ પુસ્તકો પાથરીને સ્વયંસેવક ભાઈઓ પુસ્તકની આપ લે કરે છે.જુદી જુદી શાળાઓમાં વાચન શિબિરનું આયોજન કરે છે.વાચન પ્રવૃત્તિને વેગ આપવા સાહિત્ય સેતુના સંયોજક અનુપમભાઈ દોશી તો ત્યાં સુધી કહે છે કે ભવિષ્યમાં અમો ડોક્ટર,ઉદ્યોગપતિ કે વ્યવસાયી લોકોના સ્થળ ઉપર જઈને રૂબરૂ પુસ્તકો આપવા અને લેવા જવાની વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છીએ.આ બહાને સૌને વાંચતા કરવાનો આશય છે.વાચન પ્રવૃત્તિને વેગ આપવાની કેવી બર્નિંગ ડિઝાયર…! વંદન અનુપમભાઈ…!!