આશુતોષ કોઠી આઈસ્ક્રીમમાંથી ગુલકંદ આઈસ્ક્રીમનું સેમ્પલ લેવાયું: ૧૨ આસામીઓને નોટિસ
ઉનાળાની સિઝનમાં ખોરાકજન્ય રોગચાળાને વકરતો અટકાવવા માટે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી ૧૯ ડેરીઓમાંથી દુધનાં નમુનાં જયારે એક સ્થળેથી આઈસ્ક્રીમનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખા દ્વારા આજે મીલપરામાં વૃંદાવન ડેરીમાંથી લુઝ ગાયનું દુધ, ભકિતનગર સર્કલ પાસે ધારેશ્ર્વર ડેરીફાર્મમાંથી મિકસ દુધ, હસનવાડીમાં શિવમ ડેરીમાંથી મિકસ દુધ, તિપતી ડેરીમાંથી મિકસ દુધ, પુષ્કરધામ મેઈન રોડ જશોદા ડેરીમાંથી મિકસ દુધ, રાણીટાવર પાસે ગોકુલ ડેરીમાંથી ગાયનું લુઝ દુધ, વૃંદાવન ડેરીમાંથી લુઝ મિકસ દુધ, યુનિવર્સિટી રોડ પર ગીરીરાજ ડેરીફાર્મમાંથી લુઝ ગાયનું દુધ, નારાયણનગરમાં તુલસી ડેરી ફાર્મમાંથી મિકસ દુધ, ગોકુલ ડેરીમાંથી ગાયનું દુધ, નંદુબાગ સોસાયટીમાં માટેલ ડેરીમાંથી મિકસ દુધ, ભગીરથ સોસાયટીમાં મોમાઈ ડેરીફાર્મમાંથી મિકસ દુધ, રાધેશ્યામ ડેરી ફાર્મમાંથી ગાયનું દુધ, શકિત ડેરી ફાર્મમાંથી મિકસ દુધ, હાથીખાના મેઈન રોડ પર ખીમાણી દુગ્ધાલયમાંથી ભેંસનું દુધ, લક્ષ્મીનગરમાં પટેલ ડેરી ફાર્મમાંથી ભેંસનું દુધ, સુર્યમુખી હનુમાન, નાનામવા મેઈન રોડ પર સુખસાગર ડેરીમાંથી મિકસ દુધ, પંચવટી મેઈન રોડ પર ચામુંડા ડેરીમાંથી મિકસ દુધ, રેસકોર્સ પાર્કમાં નિલકંઠ ડેરીમાંથી મિકસ દુધનો નમુનો જયારે એરપોર્ટ રોડ પર આશુતોષ કોઠી આઈસ્ક્રીમમાં ગુલકંદ કાજુ આઈસ્ક્રીમનો નમુનો લઈ પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આજે વર્લ્ડ ફુડ સેફટી ડેની મહાપાલિકા દ્વારા ઉજવણી પણ કરવામાં આવી હતી. આરોગ્ય શાખા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ૫૫ ખાણી-પીણીની રેકડીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત મળી આવેલો ૪૭ કિલો બિનઆરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો નાસ કરી ૧૨ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.