કોંગ્રેસની  ઉગ્ર આંદોલનની ચીમકી બાદ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું,સત્તાવાર હુકમ જારી કરાયો

શહેરી વિસ્તારોમાં ૬૦ વર્ષથી વધુ ઉમરના અને કુદરતી રીતે ઘરે મૃત્યુ પામેલા લોકોની મરણ નોંધ માટે લગત વોર્ડના કોર્પોરેટર દ્વારા દાખલો કાઢી આપવામાં આવે છે. હાલ કોર્પોરેટરોની મુદ્દત પૂર્ણ થઇ ગઇ હોવાથી લોકોને મરણ નોંધ માટે જરૂરી દાખલો આપવાની સુવિધા કામ ચલાઉ ધોરણે સેન્ટ્રલ ઝોન કચેરીના ફાયર બ્રિગેડ શાખા ખાતે વહીવટદાર કમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  વહીવટદાર કમ મ્યુનિ. કમિશનર વધુ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝોન કચેરી ફાયર બ્રિગેડ શાખા ખાતે રાત્રીના ૮ વાગ્યા થી સવાર ૮ વાગ્યા સુધી આ પ્રમાણેની વ્યવસ્થા રાખવામાં આવી છે. જે માટે લોકો ફોન નં. ૧૦૧ અથવા ૦૨૮૧-૨૨૨૭૨૨૨ પર સંપર્ક કરી શકશે. આ વ્યવસ્થા માત્ર અને માત્ર ૬૦ વર્ષથી વધુ ઉમર ધરાવતા અને કુદરતી રીતે ઘરે મૃત્યુ પામેલ મૃતકની મરણ નોંધણી માટે કરવામાં આવી છે. જેમાં આરોગ્ય શાખા દ્વારા મેડીકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મરણ નોંધ માટે લોકોને દાખલા મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની કોંગ્રેસની ચીમકી બાદ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે.કનક રોડ પર આવેલી ફાયર બ્રિગેડની મુખ્ય કચેરી ખાતેથી ૬૦ વર્ષેથી વધુની વયની વ્યક્તિ અવસાન પામે તો તેની મરણ નોંધ માટે સવારે ૮ થી રાત્રિ ના ૮ વાગ્યા સુધી દાખલા મળશે. તેવો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે. મહાપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા એ ગત. ૧૪મીએ મ્યુનિસિપલ કમિશનર ને લેખિત રજુઆત કરી હતી કે શહેરમાં નવા પાંચ ગામોનો વિસ્તાર ભેળવવામાં આવ્યો છે.નગરજનોને આવકના દાખલા, સ્કોલરશીપના દાખલા, આધાર કાર્ડ માટેના સહી સિક્કા, તેમજ મરણના દાખલાઓ  જેવા અનેક દાખલાઓ માટે સ્થાનિક કોર્પોરેટરના સહી સિક્કા તેમજ દાખલાઓની જરૂરિયાત રહેતી હોય છે. કોર્પોરેટરોની મુદ્દત પૂર્ણ થઈ ગયેલ હોય ત્યારે શહેરમાં નાગરિકોને હેરાન પરેશાન  ન થવું પડે અને હાલાકી ના ભોગવવી પડે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને નીતિવિષયક નિર્ણય લેવા કોંગ્રેસે રજુઆત કરેલ હતી.આ અંગે કોઇ નિર્ણય લેવામાં નહિ આવે તો કોંગ્રેસ દ્વારા ગાંધી ચીંધ્યા રહે ઉપવાસ આંદોલન અને ધારણા કરવામાં આવશે તેવું જણાવ્યુ હતું.

આ રજુઆત મળ્યાબાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી. તેમજ જાહેરાતમાં એવું જાહેર કરેલ કે મરણના દાખલા ૨૧ આરોગ્ય કેન્દ્ર ,યુ. એચ.સી.થી ૨૪ કલાક મળશે અને પ્રજાને હેરાન થવું નહીં પડે તેવું જાહેર કર્યું હતું.વોર્ડ .૧૪, ૧૫ અને ૧૩ માં રાત્રે ચેકીંગ કરાવતા તમામ આરોગ્ય કેન્દ્ર પર અલીગઢી તાળા જોવા મળ્યા હતા. આ તપાસમાં કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, નરેશભાઈ પરમાર અને સંકેત રાઠોડ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવેલ હતી. જે પગલે કમિશનરની જાહેરાત બાદ તાળા લગાવી દેવાયા હોય તેની રાતોરાત આરોગ્ય અધિકારીઓ અને નાયબ કમિશનરને રજૂઆત સ્થળ પર થી કરાતા વાસ્તવિકતાનું ભાન કરાવેલું અને આ બાબતે કોઈ જ લેખિત સૂચના નથી તેવું નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યા બાદ  નાયબ કમિશનર પ્રજાપતિને રજુઆત કરી હતી કે આ દાખલાઓ મળી રહે તે માટે એક દિવસમાં નિર્ણય કરજો. જો આમ  નહિ કરાય તો પ્રજાના હિતમાંઉપવાસ આંદોલન કરવું પડશે.અન્ય કાર્યક્રમો આપવા પડશે તેવી ચીમકી પણ આપવામાં આવેલ હતી. આ ચીમકી આપ્યા બાદ તંત્રએ કામગીરી કરી અને નાયબ કમિશનર  દ્વારા કાર્યાલય આદેશ બહાર પાડવામાં આવ્યો છે.આજથી ફાયર બ્રિગેડની મુખ્ય કચેરી પરથી મરણ નોંધના દાખલા મળશે તેવો સત્તાવાર હુકમ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.