જૂનાગઢમાં ૧૮, અમરેલીમાં ૯, સુરન્દ્રનગરમાં ૩, રાજકોટમાં ર અને પોરબંદર ર વિઘાર્થી ચોરી કરતા પકડાયા
સૌરાષ્ટ્ર સહીત રાજયભરમાં ધો.૧૦ અને ધો.૧રની પરીક્ષાનો ધમધમાટ શરુ થતાની સાથે પરીક્ષા ચોરો પણ બેફામ બન્યા છે. ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષામાં બેફાર્મ ચોરી થતી હોવાની ફરીયાદના પગલે જુદા જુદા જીલ્લાઓમાં ૧૦૬ જેટલી ફલાયિંગ સ્કોવર્ડ દોડાવવામાં આવી હતી. જેને પગલે ગઇકાલે સૌરાષ્ટ્રભરમાં જુનાગઢમાં ૧૮, અમરેલીમાં ૯, સુરેન્દ્રનગરમાં ૩, રાજકોટમાં ર, પોરબંદર ર વિઘાર્થીઓ પરીક્ષામાં ચોરી કરતા રંગે હાથે ઝડપાયા હતા.
રાજકોટમાં ધો. ૧૦ અને ધો.૧રની પરીક્ષામાં બે વિઘાર્થીઓ સામે કોપી કેસ નોંધાયા હતા જેમાં ધો.૧૦માં ભાયાવદરની ન્યુ હાઇસ્કુલ તેમજ ધો.૧૨ માં ગોંડલમાં ઓકર્સ્ફડ હાઇસ્કુલમાં રસાયણ વિજ્ઞાનમાં પેપરમાં મુકેશભાઇ પિત્રોડા નામનો શખ્સ ચોરી કરતા ઝડપાતા કોપી કેસ કરાયો હતો. અમરેલીમાં પણ બેફામ પરીક્ષા ચોરીની ફરીયાદના પગલે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં સી.વી ગજેરા સ્કુલમાંથી પ અને પાઠક હાઇસ્કુલમાંથી ૪ વિઘાર્થી સામે કોપીકેસ નોંધાયા હતા. પોરબંદરમાં ધો.૧ર માં આંકડાશાસ્ત્રના પેપરમાં ૧ જયારે મોરબીમાં ધો.૧૦ ની પરીક્ષામાં ગર્લ્સ હાઇસ્કુલ ખાતે એક જયારે ધ્રાંગધ્રામાં શિશુકુંજ વિઘાલયમાં ધો.૧૦ માં ૩ વિઘાર્થીઓ સામે કોપી કેસ નોંધવામાં આવ્યા હતા.
ધો. ૧૦ અને ધો.૧૨ની પરીક્ષામા પ્રથમ બે પરીક્ષા દરમ્યાન કોપી કેસના બનાવો બહાર આવ્યા ન હતા. પરંતુ ગઈકાલે એકી સાથે ધો.૧૦ અને ધો. ૧૨ માં ૩૪ કોપીકેસના બનાવો નોંધાતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જૂનાગઢમાં એકી સાથે ૧૮ કોપીકેસ નોંધાતા વંથલી પંથકના સ્વામીનારાયણ ગુરૂકુળ સંચાલીત વિવેકાનંદ હાઈસ્કુલના સ્થળ સંચાલકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આવા ગેરરીતિના બનાવને પગલે આગામી દિવસોમાં હજુ વધુને વધુ ફલાઈગસ્કોડ અને વીજીલન્સ સ્કોર્ટ દોવવામાં આવશે. અને જરૂર પડયે સ્થાનીક સ્કોર્ડને પણ દોડાવવાની તૈયારી શિક્ષણ બોર્ડ દ્વારા દેખાડવામાં આવી રહી છે. ગઈકાલના ૩૪ કોપી કેસ નોંધાતા તંત્ર સફાળુ જાગ્યુ છે.
જૂનાગઢમાં ૧૮ કોપી કેસ સ્થળ સંચાલક સસ્પેન્ડ
ગઇકાલે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં જુનાગઢ અને વંથલીમાં કેન્દ્ર ફાળવાતા ગેરરીતીની ફરીયાદ ઉઠતા ઓચીતુ ચેકીંગ હાથ ધરાતા અઢાર જેટલા કોપીકેસ નોંધાયા હતા. વંથલીમાં સ્વામીનારાયણ ગુરુકુળ સંચાલીત વિવેકાનંદ વિઘાલયમાં વિજ્ઞાન કેન્દ્ર ફાળવાયું છે. બુધવારે ડી.ઇ.ઓ. બી.એસ. કૈલા દ્વારા ચેકીંગ હાથ ધરાતા દેવ પ્રકાશ દાસજી શૈક્ષણિક સંકુલમાં ૧ર સામાન્ય પ્રવાહમાં ૩, સ્વામી વિવેકાનંદ વિઘાલયમાં ૧૦ અને દેવપ્રકાશ દાસ વિજ્ઞાન પ્રવાહમાં પ મળીને કુલ ૧૮ કોપી કેસ નોંધાયા હતા. પરીક્ષાર્થીઓ પાસેથી પુષ્કળ પ્રમાણમાં સાહિત્ય મળી આવ્યું હતું. આ ઘટનાને પગલે સ્વામીનારાયણ ગુરુકુળ સંચાલીત સ્થળ સંચાલકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ભૂગોળનું પેપર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આજે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ પ્રવાહમાં એક પણ પેપર નથી જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ભૂગોળ અને આર્ટસમાં સેક્રેટીયલ પ્રેકટીસ અને વાણીજય વ્યવહારનું પેપર લેવાનાર છે. આવતીકાલે ધો.૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં ગણીત જયારે ધો.૧૦માં સામાજીક વિજ્ઞાનનું પેપર વિદ્યાર્થીઓ આપશે.