તાલીબાનની હવે પરીક્ષા શરૂ થઈ છે. ચીન હવે તેને પૈસા દેખાડી લલચાવવાના પૂરતા પ્રયાસ કરી રહ્યું છે. જો તાલિબાન તેની વાતમાં આવી જાય તો નિશ્ચિત છે કે ભારત અને અમેરિકા બન્નેનો વિશ્વાસ તાલીબાનીઓ ખોઈ બેસશે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ હવે ચીને ખુલ્લેઆમ રમત રમવાનું શરૂ કર્યું છે. ચીન તેના સીપીઇસી પ્રોજેક્ટને અફઘાનિસ્તાનમાં લઈ જવા માંગે છે. અફઘાનિસ્તાનમાં મળેલી અબજો ડોલરની કુદરતી સંપત્તિ પર ચીનની નજર છે. તેમાં લિથિયમ, સોનું, આયર્ન જેવી મૂલ્યવાન ધાતુઓ મળી આવે છે. હવે ચીને તેના પર ’કબજો’ કરવાની ચાલ શરૂ કરી છે. ચીને તાલિબાનને લિથિયમનો ભંડાર મેળવવા માટે 10 અબજ ડોલરની ઓફર કરી છે. ચીનની આ ઓફર એવા સમયે આવી છે જ્યારે હજુ સુધી કોઈ દેશે તાલિબાન સરકારને માન્યતા આપી નથી.
ચીનની કંપની ગોચિને તાલિબાનના ખાણ મંત્રાલયને આ ઓફર કરી છે. ગોચિને કહ્યું કે તે અફઘાનિસ્તાનમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવા તૈયાર છે. તાલિબાનના ખાણ અને પેટ્રોલિયમ મંત્રી શહાબુદ્દીન ડેલાવર કાબુલમાં ગોચીનના પ્રતિનિધિઓને મળ્યા છે. તાલિબાન મંત્રાલયે કહ્યું કે ચીનના રોકાણને કારણે 1 લાખ 20 હજાર લોકોને સીધી અને 10 લાખ પરોક્ષ નોકરીઓ મળશે. ગોચિને કહ્યું કે રોકાણના ભાગરૂપે તે 7 મહિનામાં સલંગ પાસનું સમારકામ કરશે.
ગોચિને કહ્યું કે તે બીજી ટનલ ખોદશે. આ સિવાય અફઘાનિસ્તાનની અંદરથી કાઢવામાં આવતા લિથિયમ પર પ્રક્રિયા કરવામાં આવશે. તાલિબાન સત્તામાં આવ્યા બાદ ચીને આતંકવાદી જૂથ સાથે તેના આર્થિક સંબંધો વિસ્તાર્યા છે. ચીનની કંપનીઓ હવે અફઘાનિસ્તાનમાં રોકાણ કરવાની દરખાસ્ત કરી રહી છે.જાન્યુઆરી 2023માં, શિનજિયાંગ સેન્ટ્રલ એશિયા પેટ્રોલિયમ ગેસ કંપનીએ ઉત્તર અફઘાનિસ્તાનની અબુ દર્યા ખીણમાંથી તેલ કાઢવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સમગ્ર ડીલ 540 ડોલર મિલિયનમાં કરવામાં આવી હતી.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં અંદાજિત 1 ટ્રિલિયન ડોલર લિથિયમનો ભંડાર છે. અફઘાનિસ્તાનના આ વ્હાઇટ ગોલ્ડનો કબજો મેળવવા માટે ચીનની કંપનીઓ ઘણા સમયથી પ્રયાસ કરી રહી છે. તાલિબાન સરકારને ચીન સહિત વિશ્વના કોઈપણ દેશ દ્વારા માન્યતા આપવામાં આવી નથી. ચીન અમેરિકા દ્વારા છોડવામાં આવેલી જગ્યા ભરવા માંગે છે. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીન અફઘાનિસ્તાનમાં ખાલી પડેલા અમેરિકન બેઝ પર પણ નજર રાખી રહ્યું છે. ચીન અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સીપીઇસી પ્રોજેક્ટને વધારવા માંગે છે. આ સાથે તે ઈરાન સુધી પોતાની પકડ વધુ મજબૂત કરશે.