પેપર ચેકરોને સેન્ટર સુધી લાવવા-જવાની વ્યવસ્થા કાલે નક્કી કરાશે
રાજ્યમાં કોઈપણ સ્કૂલ આ વર્ષે ફી વધારો નહીં કરી શકે: માર્ચ, એપ્રિલ, મે માસની ફી નવેમ્બર સુધી માસિક હપ્તે ભરી શકાશે
ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તેની સામે લડવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. કોરોનાને કારણે સમગ્ર દેશમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવે છે. જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે. જેને લઈ તમામ સ્કૂલોએ તાત્કાલીક પરીક્ષા બંધ કરીને સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. કોરોનાને કારણે સર્જાયેલા સંકટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. નિર્ણય મુજબ આગામી ૧૬મી એપ્રીલથી બોર્ડની ઉત્તરવહી ચકાસણીનો પ્રારંભ થશે. જો કે, હાલ પેપર ચેકરોમાં અસમંજસની સ્થિતિ હોય. આવતીકાલે જિલ્લાના તમામ ડીઈઓ સાથે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વિડિયો કોન્ફરન્સ કરી પેપર ચેકરોને કઈ રીતે લાવવા-જવા તેમજ જિલ્લામાં કેટલાક સેન્ટરો ચાલુ રાખવા અને પેપર ચેકિંગ વખતે સોશ્યલ ડિસ્ટન્સનો ખાસ અમલ કરવો તે અંગેની માહિતી આપશે. આ ઉપરાંત ગુજરાતની કોઈપણ સ્કૂલ આ વર્ષે ફીમાં વધારો કરી શકશે નહીં આ નિર્ણય ખાનગી સ્કૂલોને પણ લાગુ પડશે. પછી એ ગુજરાત બોર્ડની હોય કે અન્ય બોર્ડની. આ ઉપરાંત એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, માર્ચ, એપ્રીલ અને મે માસની ફી નવેમ્બર માસ સુધી જમા કરાવી શકાશે. કોઈ વાલી આ ફી માસીક હપ્તે ભરવા માંગતા હોય તો એ સવલત પણ મળી રહેશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્ર્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, માર્ચ, એપ્રીલ અને મે મહિનાની ફી ભરવા માટે વાલીઓને આગામી ૬ મહિનાની મુદત મળશે. લોકડાઉન પૂરું થયા પછી શાળાની ફી વસુલી માટે કોઈ ઉતાવળ નહીં કરે, ત્રિમાસીકના બદલે માસીક ફી ભરવાની પણ સંમતી અપાશે.
બીજી જાહેરાતમાં અશ્ર્વિનીકુમારે જણાવ્યું કે, આવતા શૈક્ષણિક વર્ષમાં ગુજરાતની કોઈપણ સ્કૂલ ફી વધારો કરી શકશે નહીં. વાલીની આર્થિક સ્થિતિ અને અનુકુળતા સગવડ મુજબ જરૂર જણાય છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે. ગુજરાતની એક પણ સ્કૂલો વાલીઓને ફી ભરવા દબાણ કરી શકશે નહી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા સંચાલકો સાથે આ સંદર્ભે એક બેઠક યોજી હતી જેના ફળસ્વરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ લીધેલા નિર્ણય મુજબ રાજ્યની કોઈપણ સ્કૂલ ૧લી જૂન પહેલા નહીં જ ખુલે, જ્યારે કોલેજ અને યુનિવર્સિટીમાં ૧૫મી મે સુધી વેકેશન રહેશે. ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના પેપર ચેકિંગનું કામ ૧૬મી એપ્રીલથી શરૂ કરવામાં આવશે. કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિમાં વાલીઓને આર્થિક સંકળામણ ન થાય તે માટે આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.