કોરોનાની મહામારી ઓછી થતાં હવે માત્ર ઓફલાઈન એક્ઝામ જ લેવાશે, ઓનલાઈનનો વિકલ્પ નહીં મળે
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં સેમ-3 અને સેમ-5, પીજી સેમ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઈ છે. આ પરીક્ષામાં અંદાજે 50,000થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં આવેલી કોલેજોમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજથી શરૂ થતી પરીક્ષા 1લી ડિસેમ્બર સુધી ચાલશે.
કોરોનાની મહામારી બાદ હવે પરિસ્થિતિ થાળે પડતા યુનિવર્સિટીએ માત્ર ઓનલાઈન જ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. એટલે કે, આર્ટસ, કોમર્સ, સાયન્સ સહિતની વિવિધ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર ઓફલાઈન એક્ઝામ જ આપવાની રહેશે. આજથી શરૂ થતી પરીક્ષા પૈકી માત્ર બીકોમમાં જ 28,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સીવાયના આર્ટસ, સાયન્સ સહિતની ફેકલ્ટીમાં મળીને કુલ 50,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.
બહારગામ રહેતા વિદ્યાર્થીઓ માટે હજુ સુધી હોસ્ટેલ કે અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવો જોઈએ તેવી માંગણી એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી.
જો કે યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજો અને વિસ્તારમાં આવેલી કોલેજોમાં બેઠક વ્યવસ્થા ગોઠવી હોવાથી કોઈને મુશ્કેલી પડશે નહીં તેવો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પણ વિવિધ સેમેસ્ટરની પરીક્ષા આજથી શરૂ કરી દેવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આવેલી કોલેજોમાં આપવામાં આવેલ પરીક્ષા સેન્ટરમાં અંદાજે 40,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુ પૈકી કોઈપણ યુનિવર્સિટી દ્વારા આ વખતે વિદ્યાર્થીઓને ઓનલાઈન એક્ઝામનો વિક્લ્પ આપવામાં આવ્યો નથી.