પરીક્ષા દેવા વિદ્યાર્થીઓ સજજ: બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ: રાજકોટ જિલ્લામાં ધો.૧૦ના ૨૪ કેદી અને ધો.૧૨ના ૧૩ કેદીઓ પરીક્ષા આપશે, ૫૦ દિવ્યાંગો પણ ધો.૧૦-૧૨ની પરીક્ષા આપશે

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા આગામી તા.૭ માર્ચ એટલે કે ગુરુવારના રોજ શરૂ થતી હોવાથી રાજકોટ જિલ્લામાં પરીક્ષાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધો.૧૦ અને ધો.૧૨ના પ્રશ્નપેપરો આવી પહોંચતા જ પ્રશ્નપેપરોનો સ્ટ્રોંગરૂમ સીલ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે ધો.૧૦-૧૨ની પરીક્ષાનો એકશન પ્લાન રજુ કર્યો હતો. રાજકોટ શહેર-જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૯૫,૭૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને તેમના માટે ૩૫૭ બિલ્ડીંગના ૩૩૬૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ધો.૧૦માં ૫૭,૦૬૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને તેમના માટે ૧૯૯ બિલ્ડીંગમાં ૧૯૦૪ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૦,૩૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને તેમના માટે ૪૯ બિલ્ડીંગમાં ૫૧૭ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.14

તેવી જ રીતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૮,૪૧૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને તેમાં ૧૦૯ બિલ્ડીંગમાં ૯૪૭ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ધો.૧૦માં ૨૪ કેદીઓ તેમજ ધો.૧૨માં ૧૩ કેદીઓ પરીક્ષા આપનાર છે અને ૫૦ જેટલા દિવ્યાંગો પણ પરીક્ષા આપશે તેના માટે અલગ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ૩૮૭ જેટલા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ન હતી પરંતુ આ વર્ષે ૩૦૦ જેટલા પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા મુકી દેવામાં આવ્યા છે. તેમજ બાકીના અન્ય ૮૭ બ્લોકમાં ટેબલેટ દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે અને આ ટેબલેટ પણ આજે તંત્ર સુધી પહોંચી ગયા છે.

આગામી તા.૭ થી ૧૯ માર્ચ સુધી યોજાનાર બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને જે પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજયામાં અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી નહીં શકાય. પરીક્ષા કેન્દ્રમાં વાહન જઈ શકશે નહીં, ૪ કે તેથી વધુ વ્યકિત ભેગા થઈ શકશે નહીં. આ ઉપરાંત છાત્રો પ્રશ્ર્નપત્રોને લગતું સાહિત્ય કે મોબાઈલ ફોન કે ઈલેકટ્રોનિક સાધનો પરીક્ષા સ્થળ કે પરીક્ષાખંડમાં લઈ નહીં જઈ શકે. સુપર વાઈઝરોને પણ મોબાઈલ લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.vlcsnap 2019 03 05 13h18m39s121

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લા બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ના પાંચ ઝોન કાર્યરત થયા છે. રાજકોટમાં ધો.૧૦ અને ધો.૧૨ના પ્રશ્નપેપરો જી.ટી.ગર્લ્સ હાઈસ્કુલ, બાઈસાહેબા હાઈસ્કુલ અને કરણસિંહજી હાઈસ્કુલના સ્ટ્રોંગ ‚મમાં સીલ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન પણ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે. સ્કુલોમાં પરીક્ષા દરમિયાન લાઈટ ન જાય તે માટે પીજીવીસીએલને ખાસ તાકીદ કરી દેવામાં આવી છે.

તેમજ શાળાઓનો લેન્ડલાઈન ટેલીફોન ચાલુ રહે તે માટે વ્યવસ્થા કરવા, પરીક્ષા કેન્દ્રમાં મેડિકલ પ્રાથમિક સુવિધા રાખવા અને બાળકોને આકસ્મિક બિમારી સર્જાય તો બિસ્કીટ, ચા, કોફી તથા લીંબુ-પાણીની વ્યવસ્થા કરવા માટે જણાવાયું છે. આ ઉપરાંત બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે પણ એસ.ટી.નિગમને પણ સુચના આપી દેવાઈ છે. જરૂર પડયે વધારાની એસ.ટી.બસ વિદ્યાર્થીઓને લઈ જઈ શકે તે માટેનું સુચારું આયોજન થાય તે માટે જાણ કરી દેવામાં આવી છે.

આજથી રાજકોટ જિલ્લાની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા માટે કરણસિંહજી હાઈસ્કુલમાં કંટ્રોલ‚મ ધમધમતો થયો છે અને અબતકના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે, વિદ્યાર્થી શાંતીથી ગભરાયા વિના જ પરીક્ષા આપે અને વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપે. ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં લેવાય તે માટે તમામ આયોજન થઈ ચુકયા છે.

પરીક્ષાને આખરીઓપ આપતા ઝોનલ ઓફિસર એ.એસ.સેતા અને સિઘ્ધરાજસિંહ ઝાલાIMG 20190305 WA0067

રાજકોટ જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના ૯૫,૭૯૦ વિદ્યાર્થીઓ ગુરુવારથી પરીક્ષા આપનાર છે. ત્યારે બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુકયું છે. પરીક્ષાને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે રાજકોટની કરણસિંહજી હાઈસ્કુલ ખાતે ઝોનલ ઓફિસર એ.એસ.સેતા અને સિઘ્ધરાજસિંહ ઝાલા દ્વારા પરીક્ષાના સુચારું આયોજન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાના હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. કોઈપણ વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતી કોઈપણ મુશ્કેલી પડે તે માટે ૯૮૭૯૬ ૭૫૦૯૦ તેમજ ૯૪૨૮૨ ૭૫૦૯૦ પર સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.