અબતક-અમદાવાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં લેવાનારી ધો.10ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હોવાની સામે આવ્યું છે. બોર્ડ દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ બીજા જ દિવસે એટલે કે 22 નવેમ્બરથી ધો.10ની પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થી રેગ્યુલર ફી સાથે 21 ડિસેમ્બર સુધી ફી ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ધો.10ના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થયા બાદ ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સના ફોર્મ ભરવાની કામગરી શરૂ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાને લઇને દિવાળી વેકેશનમાં કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં 9 નવેમ્બરથી સ્કૂલ રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવ્યા બાદ 10 નવેમ્બરથી શિક્ષકોના રજીસ્ટ્રેશન કાર્યવાહી હાથ પર લીધી હતી. આ કાર્યવાહી શરૂ કરાયાં બાદ પરીક્ષા માટેના વિદ્યાર્થીઓના ફોર્મ દિવાળી વેકેશન બાદ ભરાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવશે.
ધો.10 બાદ ધો.12ના ફોર્મ ભરવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે:
ધો.10ની બોર્ડની પરીક્ષા માટે રૂપિયા 355 ફી ભરવી પડશે
આ દરમિયાન શિક્ષણ બોર્ડ દ્વારા હવે ધો.10ના ફોર્મ ભરાવવાની કાર્યવાહી અંગે સત્તાવાર રીતે જાહેરાત કરાઇ છે. જે મુજબ ધો.10ની પરીક્ષા માટે ફોર્મ 22 નવેમ્બરથી ભરવામાં આવશે. રાજ્યમાં 21 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને 22 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનું પ્રારંભ થવાનો છે ત્યારે બીજા સત્રના પ્રારંભ સાથે જ ધો.10ની પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરાશે. આ કામગીરી એક માસ જેટલો સમય ચાલશે. વિદ્યાર્થીઓ 21 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે બોર્ડની ફીની પરીક્ષા માટેના ફોર્મ ભરી શકશે.
ધો.10ના ફોર્મ ભરાવવાની કાર્યવાહી બાદ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સના ફોર્મ ભરાવવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. જેમાં નવેમ્બરના અંતમાં આ બંને ધોરણના ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે જો કે બોર્ડ દ્વારા હાલમાં તો માત્ર ધો.10ના ફોર્મ ભરવાની સત્તાવાર જાહેરાત કરાઇ છે પરંતુ આગામી દિવસોમાં અન્ય ધોરણના ફોર્મ માટેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.