જાહેર જનતા પરીક્ષાના સીસીટીવી ગમે તે સ્થળ પરથી જોઈ શકશે: સૌથી વધુ બી.કોમના 17859 અને બી.એના 14743 પરીક્ષાર્થીઓ નોંધાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદા જુદા કોર્સની લેવાયેલી પરીક્ષામાં એક કે બે વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવા માટે કાલથી 51955 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.વર્ષ 2016 અને 2019ના વર્ષના રેમિડીયલના વિદ્યાર્થીઓની લેવાનાર પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જાહેર જનતા પણ જોઈ શકાશે તેવી યુનિવર્સિટીએ વ્યવસ્થા કરી છે.કુલ 51955માંથી સૌથી વધુ બી.કોમ સેમેસ્ટર-2ના 17859 અને બીએ સેમેસ્ટર-2ના 14743 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
એક કે બે વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે અને તેઓને પાસ થવા માટે મોકો આપવાના ભાગરૂપે યુનિવર્સિટીએ આ પરીક્ષાનું આયોજન કર્યું છે.રાજકોટ સહીત સૌરાષ્ટ્રના જુદા જુદા સેન્ટર ઉપર પરીક્ષા લેવાશે.યુનિવર્સિટી દ્વારા કાલથી જુદા જુદા 50 કોર્સના વિદ્યાર્થીઓનું પરીક્ષા લેવાનાર છે જેમાં બી.કોમ સેમેસ્ટર-2ના 17859 અને બીએ સેમેસ્ટર-2ના 14743 વિદ્યાર્થીઓ, બીસીએ સેમેસ્ટર-2ના 4416, બીબીએ સેમેસ્ટર-2ના 3454, બીએસસી સેમેસ્ટર-2ના 2597, એલએલબી સેમેસ્ટર-2ના 2076, એમ.કોમ સેમેસ્ટર-2ના 1224 સહીત કુલ 51955 વિદ્યાર્થીઓની રેમિડીયલ પરીક્ષા લેવામાં આવશે. છેલ્લે ઘણા સમયથી એક-બે વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓને તક આપવા માટે માંગણી ઉઠી હતી.
અગાઉ કુલપતિએ જાહેર કર્યા પ્રમાણે કાલથી શરુ થતી પરીક્ષા પારદર્શિત રીતે લેવામાં આવે તે માટે દરેક પરીક્ષા કેન્દ્રના સીસીટીવી ફૂટેજ જાહેર જનતા જોઈ શકશે તેવું આયોજન કરાયું છે.