સત્તાવાર પરિપત્ર પસિધ્ધ કરવા અથવા લેખિતમાં હુકમ કરવા વોર્ડ ઓફિસરોની માગણી: કમિશનરે દડો કલેકટર તરફ ફેંકયો
રાજકોટ મહાનગરપાલિકામાં ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીના કાર્યકાળમાં ચૂંટાયેલા નગરસેવકોની મુદત પૂર્ણ થઈ જવા પામી છે. પૂર્વ કોર્પોરેટરો દ્વારા અપાતા આવક સહિતના દાખલાઓ માન્ય રાખવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત ગઈકાલે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ અંગે સત્તાવાર રીતે કોઈ પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો નથી કે વોર્ડ ઓફિસરોને હુકમ પણ અપાયા નથી. જેના કારણે આજે તમામ વોર્ડના ઓફિસરો કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવ્યા હતા અને પૂર્વ કોર્પોરેટરના દાખલા માન્ય રહેશે તેવો પરિપત્ર પ્રસિધ્ધ કરવાની માંગણી ડીએમસી સમક્ષ કરવામાં આવી હતી.
હાલ કોર્પોરેટરોની મુદત પૂર્ણ થઈ જવા પામી છે. ચૂંટણીની તારીખોનું એલાન પણ થયું નથી. નવી બોડી કયારે કાર્યરત થશે તે નક્કી નથી. આવામાં શહેરીજનોને આવકના દાખલા, આધાર કાર્ડ મેળવવા દાખલા અને મરણના દાંખલા મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જિલ્લા કલેકટર રેમ્યા મોહનનું માર્ગદર્શન મેળવી વચ્ચગાળાનો રસ્તો કાઢ્યો હતો. જેમાં ગત ટર્મના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરના દાખલાઓ માન્ય રહેશે પરંતુ તેમાં જે તે વોર્ડના વોર્ડ ઓફિસરની કાઉન્ટર સહી કરાવવાની રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને સત્તાવાર જાહેરાત પણ ગઈકાલે કરવામાંઆવી હતી. આ અંગે વોર્ડ ઓફિસરને હુકમ કે પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી નથી. દરમિયાન આજે સવારે વોર્ડ ઓફિસરો કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવ્યા હતા અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, ડે.મ્યુનિ.કમિશનર બી.જી.પ્રજાપતિ અને એ.આર.સિંહને રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પૂર્વ કોર્પોરેટરના દાખલા માન્ય રહેશે અને વોર્ડ ઓફિસરને કાઉન્ટર સહી કરાવવી પડશે તે મતલબના પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવે અથવા મ્યુનિ.કમિશનર દ્વારા સત્તાવાર હુકમ કરવામાં આવે. આ નિર્ણય સત્વરે લેવામાં આવે તો લોકોને ઓછી હાલાકી સહન કરવી પડે તેવી રજૂઆત કરવામાં આવી છે.
પૂર્વ કોર્પોરેટરોના દાખલા માન્ય રહેશે તેવી સત્તાવાર જાહેરાત મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગઈકાલે કરાયા બાદ આજે સવારથી અનેક લોકો વોર્ડ ઓફિસ ખાતે નગરસેવકોએ તેઓને આપેલા દાખલાઓમાં કાઉન્ટર સહી કરાવવા માટે વોર્ડ ઓફિસર પાસે ગયા હતા. પરંતુ ઓફિસરોને આ અંગે લેખિતમાં કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી કે પરિપત્ર કે હુકમ પણ કરવામાં આવ્યો ન હોય તેઓએ દાખલામાં કાઉન્ટર સહી કરવાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જેના કારણે મોટાભાગના વોર્ડમાં અરજદારોએ ધરમના ધક્કા ખાવા પડ્યા હતા.આ અંગે ઓફિસરોએ પરિપત્ર પ્રસિદ્ધ કરવા ડીએમસીને રજૂઆત કરી હતી.
ભાજપના સિનિયર નેતા નીતિનભાઈ ભારદ્વાજને આ અંગે જાણ થતા તેઓએ ટેલીફોન પર મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલને પૂર્વ નગરસેવકોના દાખલા માન્ય રહેશે તેવો પરિપત્ર પ્રસિદ્ધ કરવા જણાવ્યું હતું દરમિયાન કમિશ્નરે એવો ખુલાસો કર્યો હતો કે આવકના દાખલા માન્ય રહેશે તે સત્તા ન હોય પોતે પરિપત્ર પ્રસિદ્ધ ન કરી શકે.આ આ સત્તા કલેકટરને છે. ત્યારે નીતિનભાઈ કલેકટર સાથે પણ આ અંગે વાતચીત કરી તાત્કાલિક અસરથી પરિપત્ર પસિધ્ધ કરવા જણાવ્યું હતું. દરમિયાન ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી છે અને અખબારી યાદી આપવામાં આવી છે તેમાં કમિશનર દ્વારા માત્ર એવો જ ઉલ્લેખ કરાયો છે કે આવકના દાખલા માટે પૂર્વ નગરસેવકની સહી માન્ય રહેશે તેમાં વોર્ડ ઓફિસરની કાઉન્ટર સહી કરાવવાની રહેશે જો પરિપત્ર માં મરણના દાખલા માટે ,આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે કે આવકના દાખલા માટે પૂર્વ નગરસેવક કોની સહી માન્ય રહેશે તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરાયો નથી.જો ઉલ્લેખ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ અસમંજસ ઊભી થાય તેવી શક્યતા પણ હાલ નકારી શકાતી નથી.
એવી જાહેરાત ચોક્કસ કરી દેવામાં આવી છે કે પૂર્વ નગરસેવકોને દાખલા માન્ય રહેશે પરંતુ આ અંગે કોઇ સત્તાવાર પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવતા આજે પણ અરજદારોએ ખાતરી હાલાકી ભોગવવી પડી હતી.