શ્રીલંકાના ભૂતપૂર્વ અંડર-19 ક્રિકેટર ધમ્મિકા નિરોશનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેઓ 41 વર્ષના હતા. બુધવારે ગાલેના અંબાલાંગોડામાં તેમના ઘરની બહાર અજાણ્યા હુમલાખોરે તેમને ગોળી મારી હતી.
શ્રીલંકાના ભૂતપૂર્વ અંડર-19 કેપ્ટન ધમ્મિકા નિરોશનનું બુધવારે 41 વર્ષની વયે અવસાન થયું. શ્રીલંકાના અંબાલાંગોડામાં નિરોશનને તેમના ઘરની બહાર અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી હતી. શ્રીલંકાની પોલીસે કહ્યું છે કે શૂટરને પકડવા માટે તપાસ ચાલી રહી છે. ઘટના સમયે નિરોશનની પત્ની અને બે બાળકો તેની સાથે ઘરે હતા. સ્થાનિક મીડિયા અનુસાર શૂટરે આ હુમલો કરવા માટે 12 બોરની રાઈફલનો ઉપયોગ કર્યો હતો.
ધમ્મિકા નિરોશને 2004માં રમતના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે તે સમયે તે ઉભરતા ક્રિકેટર તરીકે જાણીતો હતો. નિરોશને 2000માં અંડર-19માં ડેબ્યૂ કર્યું હતું અને 2002માં ટૂંકા ગાળા માટે ટીમનું સુકાન પણ સંભાળ્યું હતું. અંડર-19 સ્તરે સારું પ્રદર્શન કરવા છતાં તે ક્યારેય સિનિયર ટીમ માટે રમી શક્યો નહોતો. તે ઘણા શ્રીલંકાના સ્ટાર્સ, જેમ કે એન્જેલો મેથ્યુઝ, ઉપુલ થરંગા અને ફરવીઝ મહારૂફ સાથે અંડર-19 સ્તરે અને પ્રથમ-વર્ગની સર્કિટમાં રમ્યો હતો.
જમણા હાથના ઝડપી બોલર નિરોશને 2002ના અંડર-19 વર્લ્ડ કપમાં શ્રીલંકાની આગેવાની કરી હતી. નિરોશને ટુર્નામેન્ટમાં પાંચ ઇનિંગ્સમાં 19.28ની એવરેજથી સાત વિકેટ ઝડપી હતી, જેમાં 3/38 તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.