રાજયભરમાં ગઈકાલે લોકસભાની ચૂંટણીનું મતદાન થયું હતુ મતદારોએ હોંશભેર મત આપીને લોકશાહીના પર્વને ઉજવ્યો હતો. હાલ તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. આ ઈવીએમ મશીનોને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામા આવ્યા છે. બાદમાં ૨૩મી મેના રોજ આ મશીનોનાં વોટ કાઉન્ટ કરીને ઉમેદવારોનો ફેંસલો થવાનો છે. રાજકોટ લોકસભ બેઠકમાં ૨૦૫૦ મતદાન મથકો ઉપર મતદાન થયું હતુ જેમાં કુલ ૨૨૪૦ ઈવીએમ મશીનોનો ઉપયોગ કરાયો હતો.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કણકોટ ખાતે આવેલી એન્જીનીયરીંગ કોલેજમાં સ્ટ્રોગરૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જયા ૨૨૪૦ ઈવીએમને સીલ કરીને સુરક્ષીત રીતે રાખવામાં આવ્યા છે. આ ઈવીએમ મશીનોની સુરક્ષા માટે કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતેનાં સ્ટ્રોંગ રૂમની બહાર સુરક્ષા જવાનોનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તા.૨૩મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ઉમેદવાર સાથે મતદારો પણ ૨૩મેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.રાજકોટ ખાતે જે સ્ટ્રોંગરૂમ ઉભો કરાયો છે. તેની ચકાસણી માટે આજે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને અધિક જિલ્લા કલેકટર પરીમલ પંડયાએ સ્ટ્રોગરૂમની મુલાકાત લીધી હતી.