નાગવાળો નવજવાન હતો … તાકાતવાન હતો … એના હૈયામાં જુવાનીનું માધુર્ય છલકતું હતું … પણ તેને જુવાનીની ગાંડાંઈમાં જરાયે રસ નહોતો
નારીનું અભિમાન?
રોંઢાટાણે ચાંપરાજવાળાનો ખાસ માણસ મોટા બાપુની રજા લઈને વિદાય થયો.
પરંતુ નાગવાળાના હૈયામાં ધર્મસંકટ ઊભું થઈ ગયું હતું. પિતાને આ રીતે તાવમાં છોડીને જતાં જીવ ચાલતો નહોતો . કારણકે પાછળથી જો કાળજી રાખવામાં ન આવે અને બાપુ ગમે તે ખોરાક લઈ લે તો ભારે ઉપાધિ થઈ પડે. બીજી તરફ, ચાંપરાજવાળાનું તેડું પણ સાચવવા જેવું હતું. વિચારમાં પડેલો નાગવાળો ભારે વ્યથા અનુભવવા માંડ્યો . બાપુની સંભાળ રાખે એવું કોઈ માણસ મળી જાય તો ચિંતા હળવી થાય … સવલાનો કાંઈ નેઠો નહીં … કામદારકાકા આઠે ય પ્રહર અહીં રહી શકે નહિ …ત્યારે કરવું શું ?
દીવાટાણે ધમ્મરવાળાએ પુત્રને વિચારગ્રસ્ત બનેલો જોઈ પ્રશ્ન કર્યો : કેમ બેટા , ચાંપરાજના સંદેશા પછી તું ગંભીર વિચારમાં પડી ગયો લાગે છે … ! મેં તો ઈ ભરોસે હા પાડી છે કે નાગને પરણેતરની કોઈ વળગણ નડે એમ નથી..જો એમ હોત તો મીંઢળ સોતો તું ખાંભલી પોંચત નઈં . બેટા, તારા મનમાં જે હોય ઈ મને વાત કર્ય.’
નાગવાળાએ પિતાનો એક હાથ પોતાના બંને હાથ વચ્ચે રાખીને કહ્યું : ‘બાપુ , તમને આ રીતે મૂકીને જતાં મારું મન મૂંઝવણ અનુભવે છે.’
ધમ્મરવાળાએ સૂતાં સૂતાં હાસ્ય વેરીને કહ્યું : ‘બેટા , દુનિયામાં કર્તવ્યના સાદ આગળ બધું નકામું છે. હું તો હવે ખર્યું પાન ગણાઉં જો આ તાવલું વળગ્યું ન હોત તો હું જ ચાંપરાજ પાસે પહોંચ્યો હોત..પણ દેહની કઠણાઈ આગળ લાચાર બનવું પડે છે … અને મને કાંઈ થવાનું નથી. થવાનું હશે તો કોઈથી રોકાવાનું નથી. તું તારે મારી બાબતમાં સાવ નચિંત થઈ જજે.’
‘બાપુ , તમારી વાત સાચી છે. પણ તમારી સંભાળ રાખનારું અહીં કોઈ નથી.’
‘મારી સંભાળ તો સુરજોનાથ રાખે છે ! જરાયે ફકર રાખીશ મા . તારી ફઈ મને તારા કરતાંયે સવાયો સાચવશે. અને હું તને એક ખાતરી આપું છું કે તાવ નઈં ઊતરે ત્યાં સુધી અન્નનો દાણો મોઢે નહીં મૂકું.’
‘અને દવા …’
વચ્ચે જ ધમ્મરવાળાએ હસીને કહ્યું : દવાબવા તો જાળાંઝાંખરાં છે … છતાં તને વેણ આપું છું … ટાણાસર દવા લેતો રહીશ.’
બાપની આ વાતથી નાગવાળાના ચહેરા પર કંઈક આનંદ ઊભરાયો. તે બોલ્યો : ‘બસ બાપુ , આટલું જાળવો તો મને નિરાંત રીયે. હું આવતી કાલે જ સાબદો થાઉં …’
‘નહિ બેટા , આવતી કાલે ભેગું થાય નઈં … અઢીસો જણને લઈને જવાનું છે … મેં કામદારને કહી તો દીધું છે … પણ બધાને ભેગા થતાં બેત્રણ દી સેજે વયા જાય . બીજું , તરકડાંઓનો મો2ો સાવજનો છે … આમ તો ખરે શિયાળવાં જ છે ! તરકડાંથી જરાક ગભરાયા એટલે મૂવા પડ્યા માની લેવું … અને એક વાર ઝપટ નાખી એટલે એનું કાંઈ ગજું નથી … ઊભી પૂંછડીએ ભાગવા માંડશે.’
‘બાપુ , ખાંભલીનો અનુભવ મને મળી ગયો છે.’
‘ઈ બરાબર છે..પણ બેગડાની સેના મોટી હોય … એની પાસે સાધનો પણ સારાં હોય ! મને આ અંગે એક વિચાર આવ્યો છે . જેતપુરનો ગઢ તો સારો છે … પણ ઈ લોકો ખાબકશે તો દખણાદા ખાબકશે. ચાંપરાજને કે’જે કે ગઢ સાચવવાની વ્યવસ્થા કરીને બધા જેતપુરથી દખણાદા ગાળીની ઝાડીમાં છુપાઈ જાય. જેવું બેગડાનું કટક આવે કે ઈ ગાળીમાં જ પૂરું કરી નાખવું . આમ એકાએક આક્રમણ કરવાથી તરકડાંઓનો જુસ્સો તૂટી જાશે ને પછી તો પાંચ વરહ સુધી ઈ દશ સામું નઈં જુવે.’
નાગવાળાએ કહ્યું : આપની યોજના સારી છે … હું ચાંપરાજભાઈને વાત કરીશ.’
‘ બીજી એક વાત કહી દઉં. તારી ઘરવાળીના દલને વિશ્વાસમાં લઈ લેજે . બાઈ માણહનો જીવ છે … મોટાં ધિગાણાં કોઈ દી જોયાં નોં હોય એટલે એનું મન રજા આપતાં કોચવાય . ન કરે નારાયણ ને કાંક
જફા થઈ જાય તો ભવની આંટી પડી જાય . નાગ, બે ઘડીનો કજિયો પોસાય, પણ ભવની આંટી ભારે પડે.’
‘ જી … કહીને નાગવાળો ઊભો થયો . પિતાના મંદવાડના કારણે તે પત્ની પાસે જઈ શક્યો નહોતો, મોટે ભાગે રાતે તે બાપુ પાસે જ સૂઈ રહેતો … એક – બે વાર ઓરડે સૂઈ રહેવા ગયેલો … પરંતુ આલણદે ભરનીંદમાં હતી એટલે એને જગાડવી ઉચિત નથી એમ માનીને નાગવાળો ચૂપચાપ સૂઈ જતો … દિવસના ભાગમાં તો વેળું મળતું જ નહોતું . બાપુની ખરબ કાઢવા અનેક માણસો આવે, ડાયરાને પણ સાચવવો પડે અને રાજનાં કામમાં પણ રોકાઈ રહેવું પડે.
નાગવાળાના હૃદયમાં પત્નીને પ્રસન્ન રાખવાની અને પત્નીના હૈયાને હલાવવાની ખૂબ જ ભાવના હતી. પરંતુ માનવીને સમયના દાસ બનવું પડે છે … જો પરિસ્થિતિનો વિચાર કરવામાં ન આવે તો પસ્તાવાનો સમય પણ આવી પડે છે.
નાગવાળો નવજવાન હતો … તાકાતવાન હતો … એના હૈયામાં જુવાનીનું માધુર્ય છલકતું હતું … પણ તેને જુવાનીની ગાંડાઈંમાં જરાયે રસ નહોતો . બાપને અણઉતાર તાવ આવતો હોય અને પોતે બાયડીની સોડમાં પડ્યો રહે એ નાગવાળાને મન ભારે નાનપ લાગતી હતી. તે એમ પણ માનતો હતો કે વકા2 ને જેટલો વશ રાખીએ તેટલો વશ રીયે ને જેટલો છૂટો મૂકીએ તેટલો દોડ્યા કરે ! જુવાનીમાં જો વકા2ને વશ કરતાં નો આવડે તો જીવતરનો પાયો જ ખળભળી ઊઠે ને માણસાઈનાં અમી ઊણાં થઈ જાય.
મોટા બાપુનો તાવ વૈદના કહેવા પ્રમાણે અણઉતાર જ રહેતો હતો. ગોળનું પાણી લીંબુનો રસ નાખીને બે ત્રણ વાર અપાતું . સૂંઠ, મરી, પીપરીમૂળ, તજ, તુલસીપત્ર , એલચી અને બોડીયા કલારના પાનનો દૂધપાણીવાળો ઉકાળો બે ત્રણ વાર અપાતો . આ સિવાય બીજું કશું અપાતું નહોતું.
આમ, પથ્યપાલનના કારણે અણઉતાર તાવ રહેતો હોવા છતાં મોટા બાપુના ચહેરા પર નરવાઈ દેખાતી.
નાગવાળો બાપુ પાસેથી બહાર ડાયરે આવ્યો. ડાયરામાં લગભગ વીસેક માણસો બેઠા હતા. સહુને રામરામ કરીને નાગવાળો ગાદીએ બેઠો.
બહારગામથી બેત્રણ પટલિયા આવ્યા હતા. તેમણે બાપુની તબિયતના સમાચાર પૂછ્યા . નાગવાળાએ કહ્યું : આમ તો મોટા બાપુને બીજું કાંઈ નથી … ગણતિયો તાવ છે ! પથારીમાં સૂઈ રહેવું પડે ..’
‘તમે રજા આપો તો અમે અમારા અન્નદાતાનાં દર્શન કરી આવીએ.’
‘જાઓ …. અંદરના ઓરડે છે … અલ્યા જેરામ, પાંચવીરાના પટલિયાઓને મોટા બાપુ પાસે લઈ જા … ‘નાગવાળાએ એક જુવાનને કહ્યું.
નાગવાળાના કહેવાથી બહારગામના પટલિયાઓ ઊભા થયા અને જેરામની સાથે મોટા બાપુને મળવા ઓરડે ગયા.
નાગવાળાના મનમાં પત્નીને ચાંપરાજવાળાના સંદેશાની અને ધિંગાણામાં જવા અંગેની વાત કરવાની ભાવના તો હતી … પરંતુ આટલા દિવસના સહવાસથી તે જે કંઈ જાણી શક્યો હતો તે 52 થી તેના મનમાં વાત કરવાનો ઉમળકો આવતો નહોતો.
હજી બે ત્રણ દિવસ પછી ઊપડવાનું હતું એટલે પત્નીના ચિત્તને પ્રસન્ન કરીને પછી વાત કરવાનું નાગવાળાએ મનથી નક્કી કર્યું.
પોઢણ આરતી થઈ ગયા પછી નાગવાળો પિતાની પથારીએથી ઊઠીને પોતાના ઓરડે આવ્યો.
ઓરડે આવીને જોયું તો આલણદે હજી આવી નહોતી. જેઠી એકલી બેઠી બેઠી દીવાનાં તેજે ચાકળો ભરી રહી હતી . દરબારને આવેલ જોતાં જ તે એકદમ ઊભી થઈ ગઈ . નાગવાળાએ કહ્યું : ‘તારાં બા નથી આવ્યાં ? ’
‘ઈ ફઈબા પાસે જ બેઠાં છે. વાળુ પણ ત્યાં જ કરે છે. આપ બેસો . હું હમણાં જ બોલાવી આવું છું …’ કહીને જેઠી ઉત્તરની અપેક્ષા રાખ્યા વગર સડસડાટ ઓરડા બહાર નીકળી ગઈ.
જેઠીના મનમાં દરબારને જોઈને ઉત્સાહ ઊછળી આવ્યો હતો.
છેલ્લા અઠવાડિયાથી દરબાર આ રીતે વહેલા કદી આવ્યા નહોતા …. વહેલા શું , રાતે પણ આવતા નહોતા . મોટા બાપુ પાસે જ સૂઈ રહેતા હતા. આજ આવ્યા છે ને મળ્યા વગર ચાલ્યા જાય તો બાના મનને ભારે દખ થાય. આમ વિચારીને તે તરત તેડવા ચાલી ગઈ હતી.
નાગવાળો ઓરડાની એક બારી પાસે ગયો … પત્નીને કેવી રીતે વાત કરવી અને 2જા મેળવવી એ પ્રશ્ન તેના મન માટે ભારે વસો બની ગયો હતો.
તેને એક ભય તો એ હતો કે બાપુના મંદવાડના કારણે પોતે પત્ની સાથે વાતો કરી શક્યો નથી, આ અંગેનું એને ખોટું લાગ્યું હોય તે બનવાજોગ છે અને એના મનની આવી સ્થિતિમાં જેતપુર જવાની વાત કરવી કેવી રીતે ?
વિચારમાં ને વિચારમાં અર્ધ ઘટિકા વીતી ગઈ … નાગવાળો બારી વાટે દેખાતા આકાશના તારાઓ તરફ જોઈ રહ્યો હતો. કેવા હસે છે , કેવા ચમકે છે ને કેવા રમે છે ! ભગવાનના ઘરની આ લીલાનો પાર કોણ પામી શક્યું છે ? અનંત આકાશમાં ભગવાનની લીલા કેટલી મનોરમ લાગે છે ?
અને તેના કાન પર આલણદેનો સ્વર અથડાયો : ‘આજ ઘરવાળી હૈયે ચડી કે પછી …’
તરત નાગવાળાએ આલણદે સામે જોઈ આછા હાસ્ય સહિત કહ્યું : ‘ઘરવાળી તો હૈયામાં જ છે … પળ માટેય ભૂલ્યો નથી … પણ તું જ કહે, મોટા બાપુની માંદગી કેવી છે ? જો એકાદ જણ કાળજી ન રાખે તો આ તાવ ભારે વસમો થઈ પડે.’
આલણદે એક ચાકળા પર શાંતિથી બેસી ગઈ … કશું બોલી નહિ..નાગવાળો પણ બાપુના એક ચાકળા પર બેઠો … ઓરડાનું દ્વાર ખુલ્લું હતું . દીવાનો પ્રકાશ અતિ મીઠો લાગતો હતો . આ મધુર પ્રકાશમાં આલણદેના વદન પરનું નારી સુલભ અભિમાન અછતું રહી શકતું નહોતું . નાગવાળાએ પ્રેમળ સ્વરે કહ્યું : ‘આલણ, મનમાં કશું ન લાવીશ
‘દરબાર , ઘરમાં કોઈને મંદવાડ આવે ને કાં’ક આફત પણ આવે … એથી કોઈ ઘરવાળીને વીસરી નોં જાય … આ દરબારગઢમાં દાસીઓ ઘણી છે . પણ મારે બેઘડી વાતું કોની સાથે કરવી ? ફઈબા ઉંમરે મોટાં . એમની પાસે શી વાત થાય ? હજી તો પરણીને હાલી આવું છું … અહીંનાં માનવીથી પણ સાવ અજાણ કહેવાઉં વળી લાડકોડ
બીજી પાસે થઈ શકે નઈં , જીવતર તમારી હાર્યે બંધાણું ને જો આ રીતે જીવવું પડે તો સમો જાય શી રીતે ? તમે તો પુરુષ છો … પુરુષને પણ હૈયું હોય છે … હું યે અસ્ત્રી છું..હૈયાની હૂંફ વન્યા હૈયું ભારે દખ ભોગવતું હોય છે.’
‘તારી વાતનો જરાય ઇન્કાર નથી કરતો … પત્ની પ્રત્યેની ફરજ હું સમજું છું … પણ મારી સામે એકના એક દીકરાની યે ફરજ પડી છે. બાપુની ચાકરીમાં સમય ન આપું તો લોકો શું કીયે ઈ જાણે છે ?
‘લોકો તો બે મોઢે વાતું કરે. લોકો તો એમ પણ કીયે કે દરબારને ઘરવાળી ગમતી નથી એટલે બાપ પાસે પડ્યા રીયે છે.’
નાગવાળાએ આજ મનમાં નિશ્ચય કર્યો હતો કે જરાયે ઉગ્ર થવું નહિ, કે ઉતાવળે કંઈ કહેવું નહિ …. તે હસીને બોલ્યો : તારી વાત સાચી છે … લોકોનાં મોઢે ગયણું બાંધી શકાય નઈં પણ આવી નાની નાની બાબતમાં મારે કે તારે મન સાંકડું ન રાખવું જોઈએ. જો આલણ, જીવતર કાંઈ ઘડી બે ઘડીનું નથી … એનો છેડો ક્યારે આવે ઈ કઈ શકાય નઈં. જીવતરનો પંથ ઘણો લાંબો છે … ધણીધણિયાણી એકબીજાના ઓથે ચાલ્યાં જતાં હોય છે..મારગમાં ખાડા ય આવે … ટેકરા ય આવે ને સુંવાળી કેડી પણ આવે ! જો બેય જણાનાં મન એકબીજાના મનને કે દખને પી જાય એવાં ઉદાર હોય તો જીવતરનો મારગ જરાય કાંટાળો લાગતો નથી . હું કબૂલ કરું છું કે પુરુષ સ્વભાવથી જ ઉતાવળો ને અધીરો છે … પણ અસ્ત્રી તો એક ઠંડી તાકાત છે … એની ધીરજ આગળ તો ભગવાનને ય નમવું પડ્યું છે … અસ્ત્રી જો પોતાનું ગૌરવ ગુમાવે ને પુરુષની સમોવડી થવા દોડવા માંડે તો ક્યાંક ગબડી પડવું પડે છે … હાથ ભાગે એનો વાંધો નઈં … હૈયું ભાગે તો જીવતરનો સવાદ ચાલ્યો જાય ! આલણ , મને તો પૂરો વિશ્વાસ છે કે તું કાંઈ સામાન્ય નારી નથી … એક અડાભીડ બાપની મોટા ઘરની દીકરી છો. તારા લોહીમાં તો મન મોટપ સિવાય બીજું કાંઈ ન હોય ! મારો આ વિશ્વાસ ખોટો ન પડે એ તારે જોવાનું છે … !’
પતિના આ શબ્દો આગળ આલણદેનું અભિમાન ઓગળી ગયું … તે બોલી : તમારો વિશ્વાસ ખોટો નઈ પડે ઈ વાતની ખાતરી રાખજો … પણ મારી સ્થિતિ કેવી છે ઈ વાત ભૂલશો નઈં.
નાગવાળાએ પત્નીનો હાથ પકડી લેતાં કહ્યું : ‘જો આલણ, હું તો પુરુષ છું … કો’ક દી બે ડગલાં આગળ ચાલ્યો જાઉં … પણ તું આ રીતે ટકોર કરતી રે’જે . મને એમાં આનંદ પડશે.’
આલણદેએ પોતાનો હાથ ખેંચી લેતાં કહ્યું : ‘જરા જુઓ તો ખરા … !’
‘ કેમ, શું થયું ? મેં કંઈ તારો કૂણો હાથ દબાવ્યો નહોતો …’
‘ હાથ કૂણો છે, છતાં કઠણ છે … એનો કોઈ ભો નથી . પણ ઓરડાનું બારણું ઉઘાડું છે … કોઈ જોઈ જાય તો …’
‘ઓહ ! કહીને નાગવાળો ઊભો થઈ ગયો અને બોલ્યો : તેં વાળું કર્યું .’
‘ ના..હું વાળું કરવા જતી હતી ત્યાં જેઠીએ આવીને મને કહ્યું ..’
‘તો એમ કર્ય … મેં પણ વાળુ કર્યું નથી . .અહીં ઓ2ડે જ બે થાળિયું મંગાવ્ય … હું જરા બાપુ પાસે જઈને આવું છું.’
‘ જોજો હોં .પાછા ભૂલી નોં જતા …’
‘કકડીને ભૂખ લાગી છે . આજ આપણે બેય એક થાળીમાં જમશું … કહી નાગવાળો પત્નીને એક હળવી ટાપલી મારીને ચાલતો થયો.
આલણદેવીએ મીઠીને બૂમ મારી …
વળતી જ પળે મીઠી ને જેઠી બંને ઓરડામાં આવ્યાં.
આલણદેએ કહ્યું : ‘દરબારની ને મારી થાળિયું અહીં લઈ આવ … દૂધનું બોઘરણું પણ લાવજે … આજ શું રાંધ્યું છે, ઈ ખબર છે ?’
‘ હા બા ! ખીચડી, કઢી, બાજરાનો રોટલો ને રીંગણાંનો ઓળો !’
‘સારું … જા ઝટ કર્ય … દરબાર હમણાં જ આવશે.’
મીઠીએ કહ્યું : ‘ મોટા બાપુને આજ કાંક સારું લાગે છે … નઈંતો દરબાર આ રીતે આવે નઈં …’
‘ હવે વેવલી થા મા , ને વાળુની ઝટ તૈયારી કર.’ આલણે કૃત્રિમ રોષથી કહ્યું.
મીઠી ને જેઠી મરકતે મોઢે ચાલતાં થયાં.