કુપોષણ એક ગંભીર સમસ્યા
વિશ્ર્વમાં બાર વ્યક્તિએ એક વ્યક્તિ કુપોષણનો શિકાર બને છે: ઓછા વજનવાળા બાળકો અને ગર્ભની અંદર વિકાસ મર્યાદાને કારણે દર વર્ષે 2.2 મિલિયન બાળકો મૃત્યું પામે છે
વૈશ્ર્વિકસ્તરે કુપોષણ અને અતિ પોષણથી ઉદ્ભવતી સમસ્યા નિવારવા સતત ચર્ચા ચાલે છે. વિવિધ યોજના થકી ધીમા પણ સકારાત્મક પરિણામો મળ્યા છે પણ હજી આવનારો દશકો સક્રિય કાર્ય કરવું પડશે. આપણાં જેવા વિકાસશીલ દેશો લોકોની સવલતો અને સુખાકારી વધારવા પાયાની સેવા અને માળખાગત સુવિધાઓ વિકસાવવા દર વર્ષે પુષ્કળ ખર્ચ કરે છે, આમ છતાં દર વર્ષે વિશ્ર્વમાં 62 લાખ લોકો કુપોષણને કારણે મૃત્યુ પામે છે. કુપોષણ વૈશ્ર્વિકસ્તરની એક ગંભીર સમસ્યા છે. હાલ વિશ્ર્વમાં બાર વ્યક્તિએ એક વ્યક્તિ કુપોષણનો શિકાર બને છે. ઓછા વજનવાળા અને ગર્ભની અંદર વિકાસ મર્યાદાને કારણે દર વર્ષે 2.2 મિલયન બાળકો મૃત્યું પામે છે.
ખોરાક આપણાં શરીરની તાકાતમાં વધારો કરે છે. જો સારો ખોરાક લઇએ તો સારૂં લોહી અને આજ કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સગર્ભા સ્ત્રીએ ખાસ ખોરાકની તકેદારી તેના આવનારા બાળક માટે રાખવી જરૂરી છે. આહારમાં ક્યાં પોષક તત્વો વધારે કે ઓછા છે તેના પરથી સંખ્યાબધ્ધ પોષણ વિકૃત્તિઓ પેદા થઇ શકે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ કુપોષણને વિશ્ર્વના જાહેર આરોગ્ય માટે સૌથી ગંભીર ચેતવણી આપી છે. વ્યાપક રીતે પોષણમાં સુધારો કરવાને સૌથી અસરકારક પગલું ગણ્યું છે.
વૈશ્ર્વિક રીતે જોઇએ તો 2000 થી 2008ના રાઇટ ટુ ફૂડ અધિકાર અન્વયે મળેલા ચોંકાવનાર આંકડામાં 2006ના એક જ વર્ષના મૃત્યુના આંકમાં 58 ટકા કુપોષણને કારણે મૃત્યુ થયા છે. દર વર્ષે 62 લાખ લોકો કુપોષણને કારણે મોતને ભેટે છે. વિશ્ર્વમાં બાર વ્યક્તિએ એક વ્યક્તિ કુપોષણનો ભોગ બને છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના આંકડા અનુસાર કુપોષણને કારણે બાળ મૃત્યુંનું સૌથી મોટું કારણ છે. ઓછા વજનવાળા બાળકો અને ગર્ભની અંદર વિકાસ મર્યાદાઓના કારણે દર વર્ષે 2.2 મિલિયન બાળકો મૃત્યું પામે છે. નબળા અને સ્તનપાનની ગેરહાજરીથી બીજા 1.4 મિલિયન બાળકો મૃત્યું થાય છે. આ ઉપરાંત અન્ય ખામી સાથે વિટામીનએ અને ઝિંકની ઉણપથી 1 મિલિયન બાળકો મૃત્યું થાય છે.
કુપોષણવાળા બાળકો તેના ખરાબ આરોગ્ય અને ઓછા શિક્ષણને કારણે ભયંકર મુશ્કેલી વચ્ચે મોટા થાય છે. બાળકોમાં ઝાડા, અછબડા, ન્યુમોનિયા જેવા વિવિધ રોગો પણ મુશ્કેલી વધારે છે. કુપોષણ જ ઘણાં રોગો પેદા કરી શકે છે જે બધા ગંભીર છે. આ સમસ્યામાં ચેપ અને ચેપી રોગોનું જોખમ વધી જાય છે. ટીબી જેવી જોખમી બિમારી બાળકોમાં જોવા મળે છે. આપણાં દેશમાં આજે પણ એવા કેટલાય સમુદાયો, વિસ્તાર છે જ્યાં ચોખ્ખુ પીવાનું પાણી ઉપલબ્ધ નથી. બાળકોમાં ઓછી તાકાત, મગજનો ઓછો વિકાસને કારણે બાળકો સાથે તેના મા-બાપો પણ યાતના ભોગવે છે. બે ટંકનું પોષ્ટિક ભોજન આજે પણ મળી શકતું નથી. નિરક્ષરતાને કારણે ખોરાક મેળવવા, આવક રળવા સાથે ઘણી મુશ્કેલી પેદા કરે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા હેલ્થ સેન્ટરોમાં માતા-બાળ સંભાળની ઘણી યોજના અમલમાં છે તો શહેરોમાં અર્બન હેલ્થ સેન્ટરોમાં સગર્ભા સ્ત્રી સાથે જન્મનાર બાળકને પોષણ મુક્ત આહાર સાથેની વિવિધ યોજના અમલમાં છે. ગરીબ જરૂરિયાતમંદ, ઝુંપડાપટ્ટીમાં રહેનાર પરિવારો કુપોષણની સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે. આયોડીનની ઉણપને કારણે માનસિક ક્ષણિની ભયંકર મુશ્કેલી નિવારવા આપણ સૌએ આપણી ભાવિ પેઢીના રક્ષણ માટે તાકીદે પગલા લેવાની જરૂર છે. ભાવિ નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવન સાથે તેને પોષણયુક્ત આહાર મળે તે ખૂબ જ જરૂરી છે.
શાળાઓમાં ભણતા બાળકોને મધ્યાહન ભોજનના માધ્યમથી પોષણયુક્ત આહાર અપાય છે. લોકોમાં પોષણ તત્વોવાળા ખોરાકની જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે. આરોગ્યપ્રદ ખોરાકની લાંબાગાળાની ટેવ સ્થાપિત થશે તો જ બાળકોમાં જ્ઞાનાત્મક, યાદશક્તિ જેવી ક્ષમતા પર અસરકારક અસરો જોવા મળશે. કુપોષણ નિવારણ માટે આપણે તાકિદે પગલા ભરવા પડશે.
કુપોષિત બાળકો વારંવાર બિમાર પડે, થાકી જાય જેવી વિવિધ સમસ્યાથી પિડાતા જોવા મળે છે. સ્ત્રીઓને ગર્ભ રહ્યાના સમયથી બે વર્ષની ઉંમર સુધીના બાળકોને કુપોષણના ભયની શક્યતાઓ રહેલી છે. ઘણીવાર નાના બાળકથી લઇને કિશોરાવસ્તા કે ઉંમર લાયક અવસ્થામાં આ સમસ્યા ચાલું રહે છે. કુપોષણના ચિન્હો તેના ભયાનક પરિણામો અંગે સમાજમાં સજાગતા લાવવા તથા કુપોષણને રોકવા માટે સમાજ દ્વારા લઇ શકાતા સરળ પગલાઓની જાણકારી દેશનાં તમામ નાગરિકને હોવી જોઇએ. આના નિવારણ માટે મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય તથા યુનિસેફ જેવી વૈશ્ર્વિક સંસ્થા દિવસ-રાત જહેમત ઉઠાવી રહી છે.
અપર્યાપ્ત વિકાસ, કુપોષણ, બાળકોના જન્મ સમયે ઓછું વજન અને એનિમિયાની સમસ્યા ઘટાડવા સૌના સહિયારો પ્રયાસોથી નક્કર કામગીરીની જરૂર છે. દરેક મા-બાપે તેના બાળકોને કુપોષણથી બચાવવા જરૂરી છે. આ કોઇ બિમારી નથી પણ તેનાથી પણ ખતરનાક છે. લગભગ 50 ટકા બાળકો ઓછું પોષણ લઇ રહ્યા છે અને કુપોષણનો ભોગ બની રહ્યા છે. કુપોષણનો અર્થ છે ખોટો આહાર, આને લીધે જે સર્જાય તે કુપોષણ. આપણાં રોજીંદા જીવનમાં કાર્ય કરવા માટે ઘણા પોષક દ્રવ્યોની જરૂર પડે છે જે આપણને ખોરાકમાંથી મળે છે. માટે આપણે પોષ્ટિક આહાર લેવો જરૂરી છે.
આપણાં દેશમાં 30 થી 40 ટકા બાળકો કુપોષણનો શિકાર છે. આપણે સૌ એમ માનતા હોય કે કુપોષણ ફક્ત ગરીબોનો રોગ છે પણ એ સાચુ નથી. આ સમસ્યા બાળકોનો વિકાસ રૂંધે છે. તેમનામાં વિવિધ રોગોનું આગમન થાય છે સરકાર તેના પ્રયત્નો કરે છે પણ આપણે સૌએ પણ ચેતતા રહેવું જરૂરી છે. સરકારી શાળામાં ભણતા ચાર બાળકોમાંથી એક કુપોષણનો શિકાર હોવાનું જણાવાયું છે. છોકરા કરતાં છોકરીમાં આ સમસ્યાનું પ્રમાણ થોડું વધારે જોવા મળે છે. બાળકને પુરતો પોષ્ટિક આહાર મળે તો તેની પ્રતિકારકશક્તિ મજબૂત થાય છે જેનાથી તે રોગ સામે લડવાની શક્તિ મેળવે છે.
બાળકની ઉંમર પ્રમાણે વજન હોવું જોઇએ. જો વજન ઓછું હોય તો બાળક કુપોષણનો શિકાર છે તેમ કહી શકાય. આપણાં ગુજરાતમાં દર ત્રીજુ બાળક કુપોષિત છે, દર બીજી કિશોરી ઓછું વજન ધરાવે છે અને દર ત્રીજી સ્ત્રી પણ કુપોષિત છે. આપણાં આદિવાસી જીલ્લાઓમાં આ એક ભયંકર સમસ્યા છે. કુપોષિત બાળકોને શોધીને 800 કેલરી સાથે 20 થી 25 ગ્રામ પ્રોટીન આપવાનું ફરજીયાત છે. આપણાં દેશમાં દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી કરાય છે.
દેશમાં 14.5% વસ્તી કુપોષણથી પીડાય છે
કુપોષણએ વિશ્ર્વવ્યાપી બહુ આયામી સમસ્યા છે. આપણા દેશમાં પણ 14.5 ટકા વસ્તી કુપોષણથી પીડાય છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ-2020ના આંકડામાં ભૂખમરા વિશેના સર્વેમાં 107 દેશોમાં ભારતનો ક્રમ 94 છે. કુટુંબીજનોની સંખ્યા વધુ, શિક્ષણનો અભાવ, અસ્વચ્છતા, અંધશ્રધ્ધા, વ્યસન, ગરીબી વિગેરે જેવા પરિબળો કુટુંબની દરેક વ્યક્તિને ઓછે વત્તે અંશે કુપોષિત અવસ્થામાં રાખે છે. સાંપ્રત સમસ્યાના નિવારણ માટે સમાજના દરેક વર્ગે સક્રિય કાર્ય કરવું પડશે. કુપોષણ નિવારણ 2030 ના લક્ષ્યને પાર પાડવા સમગ્ર દુનિયા સક્રિય કાર્યરત છે ત્યારે આપણાં દેશે પણ નક્કર પગલા લેવા જરૂરી છે. અંડર વેઇટ બાળકોની સમસ્યા નાબૂદ કરવી એક ચેલેન્જ છે. વૈશ્ર્વિકસ્તરે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-2030 સિધ્ધ કરવાના છે. આપણે પણ 2015માં આ ગોલ હાંસલ કરવા સંકલ્પ કર્યો છે. ગરીબી દૂર કરવી, આર્થિક વિકાસ અને ખાદ્ય સુરક્ષામાં પ્રગતિ થઇ છતાં કુપોષણ નાબૂદ કરવા ઝડપ કરવી પડશે.