વાયુ પ્રદુષણની સમસ્યા બની રહી છે જીવલેણ !
વિશ્વમાં અત્યારે વાયુ પ્રદુષણની સમસ્યા અતિશય જીવલેણ તબકકામાં પહોંચી ગઈ છે ત્યારે રણ, વન, પહાડ અને સમુદ્રની ભવ્ય કુદરતી વિરાસત ધરાવતાં ગુજરાતમાં પણ વાયુ પ્રદુષણ હવે જીવલેણ અને દૈત્ય બની ગયું છે તેમ રાજયમાં દર વર્ષે વાયુ પ્રદુષણની ૫૦ હજાર લોકોનાં મોત નિપજે છે.
ગુજરાતમાં ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજય સરકારે સાબરમતી સ્વચ્છતા અભિયાન અને હરીયાળી વધારવાનાં પ્રોજેકટનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં ચેરમેન આદર્શ ગોહેલે એક અહેવાલનાં આધારે ગુજરાતની વાયુ પ્રદુષણની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાયુ પ્રદુષણથી આશરે વર્ષમાં ૫૦ હજાર લોકોનાં મોત નિપજે છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે રાજય સરકારે યોજેલા ‘બીટ એર પોલ્યુશન’ કાર્યક્રમનાં મુખ્ય અતિથી આદર્શકુમાર ગોહેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દર વર્ષે ૫૦ હજાર લોકો વાયુ પ્રદુષણનાં કહેરમાં હોમાય જાય છે.
જેમાં દેશનાં ૧૦૨ શહેરોને સૌથી વધુ પ્રદુષીત શહેરો જાહેર કરવામાં આવ્યા છે. જયાં છેલ્લા પાંચ વર્ષથી હવામાનનું પ્રદુષણ કયારેય નિયંત્રણમાં આવ્યું નથી. કચરાનાં નિકાલની અપુરતી વ્યવસ્થા અને નબળા કાયદાઓને લઈ વાયુ પ્રદુષણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. એનજીપીનાં ચેરમેન આદર્શ ગોહિલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, દેશમાં એવું એક પણ રાજય નથી. કચરાનાં નિકાલ માટે નિયમ મુજબની વ્યવસ્થા હોય. કચરાનાં નિકાલની વ્યવસ્થા માટે કયાંય પણ પુરતા નાણાનું ભંડોળ નથી. અમદાવાદ સહિતનાં તમામ શહેરોમાં ઠેર-ઠેર કચરાનાં પહાડો ઉભા થઈ ગયા છે.
તમામ જગ્યાએ કચરાનાં નિકાલની વ્યવસ્થાનાં નિયમો જળવાતા પણ નથી ત્યારે પ્રદુષણથી વાતાવરણ બગાડનારા કચરાનાં નિકાલની અવ્યવસ્થાનાં કારણે રાજયનું પર્યાવરણ દુષિત થઈ રહ્યું છે જેને લઈ ગુજરાતમાં દર વર્ષે મૃત્યુઆંકમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રદુષણની સમસ્યા ખુબ જ પડકારરૂપ બની ગઈ છે. પ્રદુષણથી થતાં મૃત્યુને હત્યા સમાન ગણવામાં આવે છે ત્યારે ગુજરાતમાં વાયુ પ્રદુષણની સમસ્યા ખુબ જ ગંભીર પડકાર સ્વરૂપ સામે આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે, આવનારા સમયમાં વાયુ પ્રદુષણને કઈ રીતે નિયંત્રિત કરી શકાશે. સરકારે આ મુદ્દે ખુબ જ ગંભીરતાથી વિચારવું પડશે.
જો આ સળગતા પ્રશ્ર્નનું નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં વાયુ પ્રદુષણનું પરીણામ ગુજરાત રાજયને ખુબ જ ભોગવવું પડશે. વાત કરવામાં આવે તો જે રીતે રોપા વિતરણનાં કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે તે જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે, જો વૃક્ષોનું વાવેતર નિયમિત અંતરાળે અને ગુજરાત રાજયની જનતા ગંભીરતાથી આ અંગે વિચાર કરે તો વાયુ પ્રદુષણમાં પૂર્ણત: ઘટાડો પણ જોવા મળશે અને ગ્લોબલ વોર્મિંગની સળગતી સમસ્યાનો પણ અંત આવી જશે અને હરીયાળું ગુજરાત થતાની સાથે જ તમામ ઋતુઓથી મળતાં લાભો પણ નિયમિત થઈ જશે તેમાં સહેજ પણ મીનમેક નથી.