અભયદયાણ-આત્મકલ્યાણ દીક્ષા મહોત્સવ અંતરધરા પર સભ્યના અજવાળા પાથરતો ઉત્સવ બની ગયો
આવતીકાલે ગુરૂતત્વના ઉપકારો પ્રત્યે અહોભાવની અર્પણતા સ્વરૂપ ગુરૂ ઋણ અદા કેમ કરીએ? ગુરૂતત્વની અનુભુતિ
વેદનાને વૈભવ અને તકલીફને આત્મ ઉત્થાનની તકદીર બનાવવાના અતુલ્ય બોધ સાથેરાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે નેમનાથ પ્રભુના સિધ્ધત્વની ગૌરવગાથા ગજાવી રહેલાં ગિરનારના ઊંચા શિખરોની છત્રછાયામાં ગિરનાર જૈન દીક્ષા મહોત્સવના ઉપક્રમે આયોજિતનવ-નવ આત્માઓના દીક્ષા મહોત્સવનો આજનો અવસરઅનેકોની અંતરધરા પર સત્યના અજવાળા પાથરતો ઉત્સવ બની ગયો હતો.
અંતરના ઉલ્લસિત ભાવે સંયમધર્મની અનુમોદના કરતાંસમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ લાભાર્થી નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગે(મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ નિધિબેન મડીયા, મુમુક્ષુ મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ દીયાબેન કામદારના) દીક્ષા મહોત્સવના સાત સાત દિવસોથી ઉજવાઈ રહેલાં દરેકે દરેક અવસરોમાં વી જૈન-વન જૈન સાથે જોડાએલાં સમગ્ર ભારતના ૧૦૮ થી વધુ સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત પૂજ્ય સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને જીવનને ધન્યાતિધન્ય બનાવી રહ્યાં છે. નેમ દરબારના સુંદર શામિયાણામાં સહુના હૃદયની અહોભાવનાને ઝીલતાં ઝીલતાં દીક્ષાર્થીઓના મંગલ આગમન અને ઉપસ્થિત સહુના હૃદયના તાર તારને ઝંકૃત કરી દેતી પિયુષભાઈ શાહના મધુર કંઠે ભકિતના સૂરો સાથે આ અવસરે, પરમ ગુરુદેવેઅત્યંત હૃદયસ્પર્શી શૈલીમાં સંઘર્ષમાંથી સફળતાની કેડી કંડારવાની સમજ આપતાં કહ્યું હતું કે, વેદનાઓ અંતરમાંથી સમજનું પ્રાગટ્ય કરાવવા અને તકલીફો,તકદીર બનાવવા માટેની તક બનવા માટે આવતી હોય છે. જીવનની દરેક આપત્તિઓ, સમજણની સંપત્તિ અને સંઘર્ષો સફળતાની ટ્યુશન ફી બની જતી હોય છે. જેણે જીવનમાં સંઘર્ષ જોયાં છે, એણેખરા અર્થમાં જીવનને માણ્યું છે. વેદનાઓ જીવનને તોડવા માટે નહીં પરંતુ સત્ય સાથે જોડવા માટે આવતી હોય છે. જે સુખ કે દુ:ખ બંનેમાં હસતાં રહેવાની તૈયારી રાખે છે એના માટે સંયમના દ્વાર ખૂલી જતાં હોય છે. સંસાર હોય કે સંયમી, દુ:ખના ફરિયાદી ક્યારેય પરમાત્માની યાદિમાં નથી આવતાં. પ્રતિકાર વિના સ્વીકારની સમજ જયાં ખીલવા લાગે છે તે હોય છે સંયમ જીવન. હે પ્રભુ, આજ તારા ચરણમાં એક જ પ્રાર્થના કરું, જ્યાં સુધી હું ભગવાન ન બનું ત્યાં સુધી તારી પાસે કદી સુખની માંગણી ન કરું બસ, એવી સમજ આપી દે.
આ અવસરે આયોજિત ધી ફાઇનલ ફુલ સ્ટોપ કાર્યક્રમ અંતર્ગત મુમુક્ષુ એકતાબેનના સંઘર્ષમય જીવનથી સંયમ ગ્રહણ સુધીના દૃશ્યાંકનની પ્રસ્તુતિ સહુને અહોભાવિત કરી ગઈ હતી.એ સાથે જ, આ અવસરે એકતાબેને સંયમલક્ષી ભાવોની અભિવ્યક્તિ કરતાં સહુને પ્રેરિત કર્યા હતાં.
ભવોભવની ભ્રમણાના તિમિરોને ભેદી નાખતાં દીક્ષા મહોત્સવના એક પછી એક ઉજવાઈ રહેલાં અવસરો અંતર્ગતઆવતીકાલ તા. ૦૪.૦૨.૨૦૨૧ ગુરુવાર સવારના ૦૮.૩૦ કલાકે ગુરુતત્વના ઉપકારો પ્રત્યે અહોભાવની અર્પણતા સ્વરુપ ગુરુ ઋણ અદા કેમ કરીએ? ના વિશેષ અવસરે ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી દરેક ભક્તિપ્રેમી ભાવિકોને લાઈવના માધ્યમે જોડાઈને ગુરુતત્વની અનુભૂતિ કરવા આમંત્રિત કરવામાં આવ્યાં છે.