એક રીતે જોઈએ તો આ બન્નેમાં ઘણું બધું સામ્ય છે તથા જે ભેદ છે તે નહીંવત છે. ધર્મ બન્નેના કેન્દ્રમાં છે અને વર્તુળાકારે સમૂહ નૃત્ય પણ સમાન તત્ત્વરૂપે છે.સ્ત્રીઓ અને પુરુષો કે એકલી સ્ત્રીઓ કે એકલા પુરુષો દાંડિયા સાથે ગાતાં રમે તે રાસ.તાળી સાથે, ઘૂમતાં-ઘૂમતાં સ્ત્રીઓ ગાય તે ગરબો અને પુરુષો ઘૂમતાં ઘૂમતાં ગાય તે ગરબી.ગરબો ગુજરાતમાં આવ્યો અને સ્થિર થયો એની પાછળ એક રસિક ઈતિહાસ છે.
ગરબો એ અનિવાર્યપણે સૌપ્રથમ ગીત છે.
ગેયતા એ એનું પ્રથમ પગથિયું છે. ગરબો ફૅમિનિન ફોર્મ તરીકે સ્વાભાવિક રીતે જ સ્વીકારાયો હોવાને કારણે એના માટેની પૂર્વશરત એ છે કે એ સ્ત્રીની ઉક્તિ હોય એવી પ્રતીતિ થવી જોઈએ.
પ્રત્યેક ગરબો સૌપ્રથમ ગીત હોય છે, પણ પ્રત્યેક ગીત એ ગરબો નથી હોતું, તો પછી ગીતને ગરબો બનાવનારાં નિર્ણાયક તત્ત્વો ક્યાં?
જેમાં નારીના ભાવ તથા ભાવનાનું સ્વની ભૂમિકાથી સર્વની ભૂમિકાએ પહોંચતું સંવેદન હોય એનું શબ્દલય, ભાવલય ને સંગીતની છટા અને છાકને અંકિત કરે એવું કાવ્યમય નિરુપણ હોય તથા તાળી અને ઠેક સાથે ગરબે ઘૂમવાનો પૂરતો અવકાશ હોય એવું ગીત તે ગરબો.