હિન્દુ-ઈસ્લામ-ખ્રિસ્તી તમામ ધર્મમાં લગ્નને ભવોભવનો નાતો ગણાવ્યો છે; યોગ્ય ઉંમરે લગ્ન તેમજ એકપણ ધર્મમાં દહેજની પરંપરા નથી; પરિવારના સભ્યોની સહમતીથી દરેક ધર્મ અલગ અલગ ધર્મના પાત્રોને લગ્નની મંજુરી આપે છે
હિન્દુ ધર્મમાં લગ્નને 16 સંસ્કારમાંથી એક સંસ્કાર ગણાવ્યો છે હિન્દુ શાસ્ત્રોમાં લગ્નનું જે રીતે વિશેષ મહત્વ સમજાવ્યું છે.તેવી જ રીતે દરેક ધર્મ લગ્નને એક પવિત્ર બંધન માને છે. દરેક ધર્મમાં વિધિ વિધાનથી લગ્ન થાય તેને જ માન્ય ગણવામાં આવ્યા છે.
પરંતુ આજના યુગમાં યુવક-યુવતીઓ નાત,જાત, ધર્મ ભુલી લવમેરેજ કરવા લાગ્યા છે તો શું દરેક ધર્મ લવમેરેજ અપનાવે છે? દરેક ધર્મમાં કઈ રીતે લગ્ન થાય છે?, શું હોય છે વિધિવિધાન ? તે સમગ્ર માહિતી જાણીએ નઅબતકથના લોકપ્રિય કાર્યક્રમ નચાય પે ચર્ચાથના અહેવાલ પરથી…
પ્રશ્ન: : (ગુરૂજી) વર્ષોથી જે પરંપરાથી લગ્ન થાય છે ? તો કયા વિધિ વિધાનથી, કેવી રીતે થાય છે?
જવાબ: 25 થી 51 વયનો જે સમયગાળો છે તે ગૃહસ્થાશ્રમ ગણાય આપણા ઋષિમુનિઓએ સંસાર જીવનના ચાર ભાગ પાડેલા જેમાં ગૃહસ્થાશ્રમનો સમયગાળો લગ્ન, દામ્પત્ય જીવન અને સંસાર ચલાવવા માટેનો ગણાતો.
પ્રશ્ન: : (ફાધર) ખ્રિસ્તી ધર્મમાં લગ્ન કરવા માટે કયા પ્રકારની વ્યવસ્થા છે?
જવાબ: લગ્નને એક સંસ્કારના રૂપમા જોવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં માતા-પિતા અથવા તો યુવક-યુવતી સ્વતંત્ર રીતે ચર્ચમાં આવે છે અને ત્યાં તેઓને લગ્ન જીવન વિશે સમજણ આપવામાં આવે છે. જેથી તેઓ સરળતાથી તેમનું લગ્ન જીવન વિતાવી શકે.
પ્રશ્ન: : (મૌલાના સાહેબ) મુસ્લિમ ધર્મમાં કયા પ્રકારની લગ્ન વ્યવસ્થા છે?
જવાબ: મુસ્લિમ ધર્મમાં લગ્ન એટલે નિકાહ. દિકરા-દિકરી એકબીજાને પસંદ કરે ત્યારબાદ તેના માતા-પિતાની મંજૂરી મળે ત્યાર પછી નિકાહ પઢવામાં આવે છે. લગ્નની અંદર દિકરી તરફથી એક વકીલ અને દિકરા તરફથી બે સાક્ષી (ગવાહ) હોય છે. અને એક લગ્ન કરાવનાર હોય છે. ઈસ્લામ ધર્મમાં દિકરીને 34 ગ્રામ ચાંદી (જેને મહેર કહેવાય) આપવામાં આવે એટલે લગ્નની વિધિ પુરી.
પ્રશ્ન: : (ગુરૂજી) હિન્દુ ધર્મમાં લગ્નનું વિધિ વિધાન શું છે?
જવાબ: હિન્દુ શાસ્ત્રમાં આઠ પ્રકારે લગ્ન દર્શાવવામાં આવ્યા છે. જેમાં સર્વશ્રેષ્ઠ બ્રહ્મ વિવાહ. બ્રહ્મવિવાહ એટલે અગ્નિની સાક્ષીએ માતા-પિતા, પરિવારજનોની હાજરીમાં થતા લગ્ન આ ઉપરાંત વૈદિક લગ્ન જે ગૌધુલિક સમયે કરવામાં આવે છે. સંધ્યા ટાણુ જેને ગૌધુલિક સમય કહેવાય છે.
પ્રશ્ન: :(ફાધર) ખ્રિસ્તી ધર્મમાં શું વિધિ વિધાનદ કયો ચોકકસ સમય લગ્ન માટેનો હોય છે?
જવાબ: ખ્રિસ્તી ધર્મમાં લગ્ન એ કરાર છે જેને કયારેય તોડી ન શકાય. અમારા ધર્મમાં કોઈ સમય નિશ્ર્ચિત હોતો નથી. અને ઘરે પણ લગ્ન થઈ શકે પરંતુ લગ્નને મંજુરી આપનાર માતા-પિતાની હાજરી જરૂરી છે.
પ્રશ્ન: : (મૌલાના) ઈસ્લામ ધર્મમાં નિકાહ કોઈ ચોકકસ ધાર્મિક સ્થાને થાય છે?, અને વિધિ વિધાન શું હોય છે?
જવાબ: અમે ગમે ત્યાં મસ્જિદ કે અન્ય કોઈ સ્થળે નિકાહ કરાવી શકીએ છીએ. દિકરી તરફથી વકીલ અને દિકરા તરફથી સાક્ષીની હાજરી નિકાહ પઢાઈ જાય એટલે લગ્નવિધિ પુરી
પ્રશ્ન: : (ગુરૂજી) લવ મેરેજ હિન્દુ ધર્મમાં માન્ય છે? આ અંગે શાસ્ત્રો શું કહે છે?
જવાબ: ઈતિહાસમાં પણ આંતરધર્મ લગ્ન થયેલા જ છે. એટલે બંને પક્ષ પોતાની ઈચ્છા મુજબ લગ્ન કરવા સહમતી ધરાવે તો શાસ્ત્રો પણ લવમેરેજ માટે સહમત છે.
પ્રશ્ન: : (ફાધર) એક પાત્ર ખ્રિસ્તી ધર્મનું અને બીજુ અન્ય ધર્મનું છે તો ખ્રિસ્તી ધર્મ આને મંજુરી આપે છે?
જવાબ: ખ્રિસ્તી ધર્મ આ માટે મંજુરી આપે છે પરંતુ સામેના પાત્રને ધર્મ પાલન માટે શિક્ષણ આપવામાં આવે છે.
પ્રશ્ન: : (મૌલાના) મુસ્લિમ ધર્મમાં અલગ અલગ ધર્મના પાત્રને લગ્ન કરવાની મંજુરી છે?
જવાબ: ઈસ્લામ ધર્મમાં બંને પક્ષના માતા પિતાની મંજુર હોય તો અલગ અલગ ધર્મના પાત્રો લગ્ન કરી શકે છે.