ત્રણ માસની ઈન્ટર્નશીપ બાદ જ મેડિકલ ક્ષેત્રનાં વિદ્યાર્થીઓ પીજી કોર્સની ફાઈનલ પરીક્ષામાં બેસી શકશે
મેડિકલ ક્ષેત્રે અનેકવિધ પ્રકારના નવા સંશોધનો અને શોધ કરવામાં આવી રહી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો યોગ્ય મેડિકલ ફેસેલીટી જે મળવી જોઈએ તે મળી શકતી નથી અને અનેકવિધ વખત ડોકટરોનો અભાવ હોવાનું પણ સામે આવે છે. આ તકે કેન્દ્ર સરકારે નવા નિયમો ઘડી મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજયુએશન કરતા વિદ્યાર્થીઓને જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં ફરજીયાત ત્રણ મહિનાની ઈન્ટનશીપ કરવા માટે જણાવ્યું છે અને આ નિયમને ફરજીયાત પણ કરવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓ એમ.ડી. અને એમ.એસના અભ્યાસમાં આગળ વધી રહ્યા હોય તે તમામે ફરજીયાત ગ્રામ્ય વિસ્તારોની જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં ફરજ બજાવવી પડશે અને આ ઈન્ટનશીપ તેમના મેડિકલ કોર્સના કરીકયુલમમાં પણ સ્થાન પ્રાપ્ત કરશે.
એકેડેમિક સેશન વર્ષ ૨૦૨૦-૨૧માં આ અભ્યાસક્રમને ફરજીયાત કરવામાં આવ્યો છે. નવા મેડિકલ અભ્યાસમાં વિદ્યાર્થીઓને ડિસ્ટ્રીકટ રેસીડેન્સી પ્રોગ્રામ હેઠળ ફરજીયાતપણે પસાર થવુ પડશે જે વિદ્યાર્થીઓએ ત્રણ માસનો ઈન્ટનશીપ પીરીયડ જિલ્લા હોસ્પિટલમાં સફળતાપૂર્વક પાર કરશે તેજ પીજી કોર્સની ફાઈનલ પરીક્ષામાં બેસવા માટે યોગ્યતા પ્રાપ્ત કરશે. પીજી મેડિકલનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો હોવાથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેઓને ત્રીજા, ચોથા અને પાંચમાં સેમેસ્ટરમાં જિલ્લા હોસ્પિટલમાં ફરજ બજાવવા જવુ પડશે. તમામ પીજી વિદ્યાર્થીઓ કે જે એમ.ડી અને એમ.એસ.માં સ્પેશિયાલીટી અભ્યાસ કરી રહ્યા હોય કોઈપણ મેડિકલ કોલેજ કે મેડિકલ સંસ્થામાંથી તેઓએ ત્રણ માસનો સમયગાળો જિલ્લાની હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય સિસ્ટમ હેઠળ તેઓએ અભ્યાસ પણ કરવાનો રહેશે તેમ ઈન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬માં જાહેર કરવામાં આવ્યું છે. સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ પગલાથી માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં સ્પેશ્યાલાઈઝ ડોકટર જ નહીં પરંતુ તેની સાથો સાથ ઓન ગ્રાઉન્ડ ટ્રેનીંગ લેનાર ડોકટરોની પણ પ્રેકટીસમાં સુધારો જોવા મળશે. પીજી મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલ ઉપર વધુ કાર્ય કરતા તેમની ટ્રેનીંગ વધુને વધુ સારી અને સુરક્ષાયુકત બની રહેશે. જે મેડિકલ ક્ષેત્રનાં વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાની હોસ્પિટલમાં ફરજ બજાવશે તે તમામને ડિસ્ટ્રીકટ રેસીડેન્ટ તરીકે ઓળખવામાં આવશે.