પ્રાંસલા ખાતે સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 23મી રાષ્ટ્રકથા શિબીરમાં નિવૃત્ત ડેપ્યુટી કમિશનર હરેશકુમાર, નિવૃત્ત કમાન્ડર લેફટનન્ટ જનરલ જયંસિંહ નૈન સહિતના મહાનુભાવોના પ્રવચન યોજાયા
પ્રાંસલા મુકામે રાષ્ટ્રકથા શિબીરના સાતમા દિવસના પ્રવચન સત્રને સ્વામી ધર્મબંધુજી ઉપરાંત ઉત્તરપ્રદેશના નાણામંત્રી સુરેશકુમાર ખન્ના, નિવૃત ડેપ્યુટી કમિશ્નર હરેશકુમાર, દક્ષિણ પ્રાંતના નિવૃત કમાન્ડર લેફટનન્ટ જનરલ જયસિંહ નૈન, બ્રિગેડીયર શમશેરસિંહ વિર્ક એ સંબોધન કર્યુ હતું.
આ તકે સ્વામી ધર્મબંધુજીએ શિબીરાર્થીઓને સંબોધતા જણાવેલ કે, રાષ્ટ્રના પ્રત્યેક નાગરિક સાથે ભેદભાવવિહિન સમાન વ્યવહાર રાખો. જયારે કોઇની સાથે ભેદભાવ રાખવામાં આવે છે તેનાથી ભય, ભયથી ધૃણા, ધુણાથી ધાર્મિક કટ્ટરતા અને ધાર્મિક કટ્ટરતાથી અસહિષ્ણુતા અને હિંસા જન્મે છે જે રાષ્ટ્રની એકતા, પ્રગતિમાં અવરોધક બને છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. આ પ્રસંગે સ્વામી ધર્મબંધુજીએ ઋગ્વેદથી શરૂ કરીને બાઇબલ, ઇસ્લામ, જૈન, બૌધ્ધ, પારસી વિગેરેના સુત્રો ટાંકીને સહુ સાથે મિત્રવત વ્યવહાર રાખવા અનુરોધ કર્યો હતો,
વધુમાં તેમણે શિબીરાર્થીઓને જણાવેલ કે, જીવનમાં નિયમનું પાલન કરવું એ જ ધર્મ છે. નિયમ ત્રણ પ્રકારના હોય છે. શારિરીક, સામાજિક અને પ્રાકૃતિક. શરીરના નિયમોનું પાલન કરતાં આહાર- વિહાર કરે છે તેનું સ્વાસ્થય જળવાઇ રહે છે. ઉત્તરપ્રદેશના નાણામંત્રી સુરેશકુમાર ખન્ના: મુળ પંજાબના વતની છતાં ઉત્તરપ્રદેશના શાહજહાંપુરથી અવિરત 9 વખત ધારાસભ્ય પદે ચુંટાવાનો રેર્કોર્ડ ધરાવતા અને વર્તમાન રાજય સરકારમાં નાણા મંત્રી સુરેશકુમાર ખન્નાએ શિબીરાર્થીઓને સંબોધતા જણાવેલ કે, પ્રત્યેક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો સ્વયં નિર્માતા છે. જીવનમાંં તમને જે યોગ્ય લાગે તે બનો પરંતુ સારા માનવી જરૂર બનો. કયારેય પોતાની નજરોમાં જ ઉતરી જાવ એવા હીન કૃત્યો ના કરતાં.હંમેશા બીજાને ઉપયોગી થવા પ્રયાસ કરજો.મંત્રી ખન્નાએ એનસીઇઆરટીના અભ્યાસ અનુસાર 80% બાળકો પરિક્ષા બાબતે તણાવ અનુભવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડના આંકડા અનુસાર ગયા વર્ષે પરિક્ષાના ભય અને પરિણામથી વિચલિત થઇને રાષ્ટ્રમાં 13089 વિદ્યાર્થીઓ એ આત્મહત્યા કરી જીવન સંકેલી લીધું માહિતી આપી વિદ્યાર્થીઓને શિખામણ આપી કે, વર્ગમાં એકાગ્રતાથી અભ્યાસ કરો, સમય પાલન કરો.ભાગ્યના ભરોસે બેસી ના રહેતા સમર્પિતભાવથી પુરૂષાર્થ કરજો તો જ ઇશ્ર્વર મદદ કરશે.
ભૌતિક સંપત્તિની મર્યાદા પરંતુ જ્ઞાનની સંપતિ અસિમીત: હરેશકુમાર
નવી દિલ્હીથી આવેલ આયકર વિભાગના નિવૃત ડેપ્યુટી કમિશ્નર હરેશકુમારએ શિબીરાર્થીઓને પ્રેરક સંબોધતા જણાવેલ કે, તમામ ભૌતિક સંપતિની એક મર્યાદા છે. પરંતુ જ્ઞાનની સંપતિ અસિમીત છે. તમામ પ્રકારની સામાજિક- આર્થિક વિષમતાઓને પહોંચી વળવાની ક્ષમતા જ્ઞાન શક્તિમાં છે. માટે ખુબ જ્ઞાન પ્રાપ્ત કરો. હંમેશા જ્ઞાનનો સકારાત્મક ઉપયોગ કરો.
વધુમાં તેમણે ભૌતિક સંપતિ સારા રસ્તે મેળવો અને વધારાની સંપતિ અન્યને મદદ કરવા માટે ઉપયોગ કરવો એ આપણી સભ્યતા છે. જેમકે, હંમેશા ભારત વિરોધી રહેલ તુર્કીને ભુકંપથી તહસનહસ થઇ ગયું ત્યારે સૌથી પહેલા મદદ કરવા ભારત પહોંચી જઇને આપણી સભ્યતા, માનવતોનો વિશ્ર્વને પરિચય આપ્યો છે.
કરચોરી અને ભષ્ટ્રાચાર આપણા રાષ્ટ્રને અંદરથી ખોખલો કરી રહેલ છે. ભષ્ટ્રાચાર એ અત્યાચારનું બીજું સ્વરૂપ છે. જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં અનેક સ્વરૂપે ભષ્ટ્રાચાર થાય છે. તેનાથી સરકારની આવક ઘટવાથી સરંક્ષણથી માંડીને શિક્ષણ સુધીના અનેક ક્ષેત્રોમાં તેની દુરગામી અસર સમગ્ર રાષ્ટ્રે ભોગવવી પડે છે. સરકાર દ્વારા તેને અટકાવવા માટે અનેક કદમ ઉઠાવાયા છે જેમકે, છેવાડાના લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી મદદ પહોંચાડવી, ઘણી બધી સરકારી અરજી ઓનલાઇન શરૂ કરેલ છે, કોરોના વેળા 200 કરોડ વેકસીન, લાખો ટન અનાજ પહોંચાડયું વિગેરે. આનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે દરેક નાગરિક સત્યના રાહે ચાલવા કટિબધ્ધ થાય.
વ્યકિતગત સાથે દેશની પ્રગતિ થાય તો જ તેની યથાર્થતા છે: બિગ્રેડીયર શમશેરસિંંહ વિર્કે
બ્રિગેડીયર શમશેરસિંહ વિર્ક એ શિબીરાર્થીઓને જણાવ્યું હતું કે, વ્યક્તિની પ્રગતિ સાથે જો દેશની પ્રગતિમાં વૃધ્ધિ થાય તો જ તેની યથાર્થતા છે. જીવનમાં પ્રગતિ કરવી હોય તો પુરૂષાર્થ, શિસ્ત, પ્રમાણિકતા અને સહુની સાથે મિત્રભાવ ભર્યો વ્યવહાર રાખો. લશ્કરની દ્રષ્ટિએ રાષ્ટ્રના તમામ નાગરિકોને જાતિ, ધર્મ, પ્રદેશથી પર રહીને એકસમાન સમજે છે. જે દેશ હિતમાં કામ કરે છે તેને દેશપ્રેમી ગણવામાં આવે છે.
ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ જેવી વિશ્ર્વમાં સૌથી વધુ વિવિધતા ભારતમાં હોવા છતાં રાજકીય સ્થિરતા, આર્થિક વિકાસની તેજ રફતાર, આંતરિક અને બ્રાહયપણે સુરક્ષિત અને સંગઠીત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે એ આપણા માટે ગૌરવની વાત છે. હવે તેને વિકસિત રાષ્ટ્ર તરફ દોરી જવાનું આપના શિરે છે.
હંમેશા નામ, નમક, અને નિશાનને ઉપર રાખવું જોઈએ: જયસિંંહ નૈન
દક્ષિણ પ્રાંતના નિવૃત કમાન્ડર લેફટનન્ટ જનરલ જયસિંહ નૈન એ શિબીરાર્થીઓને હંમેશા નામ, નમક અને નિશાનને ઉપર રાખવા અનુરોધ કર્યો હતો. નામ એટલે સ્વનું, કુળનું, ગામનું, સમાજનું, શાળાનું, દેશનું. આવી જ રીતે આપણા સહુ પર રાષ્ટ્રનું નમકનું ઋણ ચઢેલું છે તે ઋણ અદાયગી માટે હંમેશા પ્રયાસ કરવા જોઇએ. નિશાન એટલે પ્રત્યેક એકમનું નિશાન હોય છે જેને ધ્વજ પણ કહી શકીએ એ હંમેશા ઉંચુ રહે એવા પ્રયાસ કરવા જોઇએ. હંમેશા સ્વ સાથે હરિફાઇ કરો. પોતાની જાતને નવી ચેલેન્જ આપી વધુ ઉત્કૃષ્ટતા પામવાની કોશિષ કરવી જોઇએ. આ રીતે જેમ આગળ વધો તેમ તમારાથી પાછળ રહી ગયેલાઓને પણ આગળ આવવા માટે મદદગાર બનો એજ જીવનની સાચી ખુશી આપશે. કોઇ કામને નાનું સમજવું ના જોઇએ. હંમેશા માતા પિતાને આદર આપો. પરિવાર માટે સમર્પણભાવથી સહુનો ખ્યાલ રાખતી પરિવારની નારી એ સૌથી મહાન વીર નારી છે તેનું હંમેશા સમ્માન જાળવો.