ઈમારતોની બાંધકામ મંજુરી માટે મનપા કચેરીએ ખાવા પડતા ધકકામાંથી મળશે મુકિત

હાલ, ઈમારતોના બાંધકામની મંજુરી માટે મહાનગરપાલિકાએ ઘણા ધકકા ખાવા પડે છે પરંતુ આ હાડમારીનો હવે થોડા સમયમાં અંત આવે તેવી શકયતા છે. કારણકે બાંધકામની મંજુરી પ્રક્રિયા ફરજીયાતપણે ઓનલાઈન બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની તમામ પાલિકાઓને તાકીદ કરી છે અને આ માટે માર્ચ, ૨૦૧૯ સુધીની ડેડલાઈન નકકી કરી છે.

ઈઝ ઓફ ડુઈંગ બીઝનેશ એટલે કે ધંધો-વેપાર કરવામાં સરળતા લાવવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે બાંધકામ પરવાનગી હવે ઓનલાઈન થશે. શહેરી નવિનીકરણ મીશન અમૃત હેઠળ તાજેતરમાં મળેલી વડાપ્રધાનની મંત્રીઓ સાથેની બેઠકમાં પીએમે જણાવ્યું કે, શહેરી આંતર માળખાકીય સુવિધાઓ પર વધુ ભાર મુકવામાં આવે તે જરૂરી છે.

કેન્દ્ર-રાજયોના મંત્રાલયો અને મુખ્ય સચિવો સાથે વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વર્ષ ૨૦૧૯માં માર્ચ માસ સુધીમાં ઈમારતોના બાંધકામની ઓનલાઈન મંજુરીની પ્રક્રિયા શરૂ થઈ જવી જોઈએ. શહેરી મંત્રાલયના જણાવ્યા મુજબ શહેરો માટેના ૫૦૦ મિશન અંતર્ગત ૩૭૦ મહાનગરપાલિકાઓ બાંધકામ માટે મંજુરીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરશે અને આ પ્રક્રિયાથી લોકોને રાહત મળશે અને મનપા કચેરીએ ખાવા પડતા ધકકામાંથી મુકિત મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.