રામકથા વિશ્વાસથી વિશ્રામ સુધીની યાત્રા છે
મેવાડી કથાનું સમાપન થયું આગામી 907મી કથા માનસ ગીતા 19 નવેમ્બરથી કુરૂક્ષેત્રથી આરંભાશે
આ બીજમંત્રનાં માધ્યમથી વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા-વિશ્વાસસ્વરૂપમ્ ના વિશ્વાર્પણ માટે શરૂ થયેલી રામકથાનાં નવમા-પૂર્ણાહૂતિના દિવસે કથા પૂર્વે શ્રીધામ વૃંદાવન રમણરેતીધામથી મહામંડલેશ્વર શરણાનંદજી મહારાજ,રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરારાજે સિંધિયા,વિધાનસભા અધ્યક્ષ સી.પી.જોશી,ગજેન્દ્રસિંહ શેખાવત,મહેશ શર્મા,પૂર્વ મંત્રી કૃપલાણીજી વગેરેએ આશીર્વચન-ભાવ વ્યક્ત કર્યા.નિમિત્તમાત્ર યજમાન મદનલાલ પાલિવાલનો અહીં રામકથા લાવવા બદલ આભાર વ્યક્ત કર્યો.
કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે રાજમાતા સિંધિયાએ પણ કથા કરાવેલી દીદી-વસુંધરાજી પણ વ્યાસપીઠ તરફ હંમેશ સદભાવ રાખે છે.આજે પૂર્ણાહુતિ દિવસે પ્રારંભે બાપુએ બધાનો ધન્યવાદ કરતા જણાવ્યું કે આપણી આ વસુધા બધા જ સાથે મળીને,સાથે ચાલીને,સાથે બોલીને રામકથાના માધ્યમ દ્વારા સેતુ બનાવે.આ રામકથાની યાત્રા વિશ્વાસથી ચાલુ થઈ અને વિશ્રામમાં પૂરી થાય છે.વચ્ચે સમાસ,પ્રયાસ,વિકાસ વિલાસ બધું જ આવે એ પણ જરૂરી છે. તુલસીદાસજી વિરામ વખતે લખે છે:પાયો પરમ વિશ્રામ.બધા જ પ્રકારના ભેદ અને વિગ્રહો મટે. બાપુએ કહ્યું કે શિવે જ પોતાના સ્વરૂપને પોતાની રીતે આપણને અર્પણ કર્યું છે.14 વર્ષના રામ વનવાસમાં વિશ્વરૂપ રામ ક્યાં-ક્યાં વાસ કરે છે?બાલકાંડમાં અવધવાસ તો છે જ કારણ કે ત્યાં જન્મ થયો છે. જનકપુરમાં સદનવાસ.અયોધ્યા કાંડમાં કનક ભવનમાં ભવનવાસ,અરણ્યકાંડમાં વનવાસ, કિષ્કિંધા કાંડમાં ગિરી અને ગુહાવાસ,સુંદરકાંડમાં સાગરના તટ ઉપર વાસ,લંકાકાંડમાં સુબેર પર્વત પર વાસ,ઉત્તરકાંડમાં રામરાજ્યની સ્થાપનામાં અયોધ્યામાં વાસ તેમજ લીલાના સમાપન પર સરયુવાસ.
મહાદેવ પણ વિશ્વવાસ છે.પ્રત્યેક સુખનું પરિણામ દુ:ખ છે અને પ્રત્યેક દુ:ખનું પરિણામ ધૈર્ય રાખીએ તો સુખ છે.શ્રીમદ મહાપ્રભુજીએ વિવેક ધૈર્ય અને દૃઢ આશ્રયથી પ્રત્યેક દુ:ખનું પરિણામ સુખ આવે છે એવું કહેલું છે.
સંક્ષિપ્ત રીતે વિવિધ પ્રસંગોનું સંવાદી ગાન કરતા ભરત મિલાપમાં એક પાદૂકા રામ અને બીજી પાદૂકા સીતા છે એમ કહી જણાવ્યુ કે પાદુકા પ્રતીક છે, સ્વયં સિતારામજી ભરત સાથે પાદૂકાનાં રૂપમાં અયોધ્યામાં આવે છે.જ્યાં પાદુકા છે ત્યાં ક્યારેક ને ક્યારેક ચરણ પણ આવશે જ.અનસુયાજી પાસે સિતાજીનો સંવાદ અરણ્યકાંડની સમાપ્તિ બાદમાં કિષ્કિંધા કાંડમાં સુગ્રીવ સાથે મુલાકાત,ચાતુર્માસ, સુગ્રીવ ભોગવિલાસમાં ડૂબેલો છે,સિતાનું કાર્ય ભૂલી જાય છે.સુંદરકાંડમાં લક્ષ્મણજી દ્વારા થયો થોડો ભય દેખાડીને સિતાખોજનું અભિયાન શરૂ થાય છે.દક્ષિણ બાજુની ટૂકડી જામવંતની આગેવાનીમાં જાય છે.ત્યાં સ્વયંપ્રભા નામની સાધ્વીને મળે છે. સુંદરકાંડનો વિરામ થાય છે એ વખતે સેતુબંધની સ્થાપના અને રાવણ નિર્વાણ બાદ લંકાકાંડ પછી ઉત્તરકાંડમાં પુષ્પક આરુઢ થઈ અયોધ્યાના સિંહાસન પર બેસી અને રામરાજ્યના વર્ણન સુધીની કથાનું ગાન થયું.ગોસ્વામિજી રામકથાને વિરામ આપે છે એ વખતે ઉપસંહારક વાત કરતા બાપુએ કહ્યું ભગવાન શિવ પંચમુખી છે.બિકટ બેશ મુખ પંચ પુરારી… આ પાંચ મુખ ક્યાં છે? એક-સન્મુખ: શિવ કોઈની વિમુખ નથી,વિશ્વાસ ક્યારે વિમુખ નથી હોતો.બે-ગુરુમુખ:ગુરુશંકર રૂપિણૌ છે.ત્રણ-વેદમુખ. ચાર-ગૌમુખ:જ્યાંથી ગંગાની ધારા નીકળી છે અને ગાય ભોળી હોય છે તો પાંચમું ભોળાનાથનું ગૌમુખ ગાય જેવું મુખ.
રામકથાનું સુફળ-સુકૃત વિશ્વાસસ્વરૂપમનાં ચરણોમાં અર્પણ કરી અને રામકથાની આજે પૂર્ણાહુતિ થઈ.આગામી-907મી રામકથા માનસ ગીતા 19થી 27 નવેમ્બર દરમિયાન કુરુક્ષેત્ર(હરિયાણા)ખાતે યોજાશે.જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ પરથી નિયમિત સમય મુજબ થશે.