સરકારના ડિજિટલ ઈન્ડિયાના ક્નસેપ્ટને વધુ વિસ્તારી અત્યારે માત્ર નામફેરની જાહેરાતના સંદર્ભમાં ગેજેટનું ઈ-પ્રકાશન થાય છે તેવી જ રીતે લોકોની જાણકારી માટે તમામ ગેઝેટસનું વેબસાઈટ પર પ્રકાશન થવું જોઈએ
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં નાગરિક અધિકારો અને ખાસ કરીને માહિતી મેળવવાના અધિકારની સુપેરે અમલવારી થાય અને લોકો સરકાર અને ન્યાયક્ષેત્રની ગતિવિધિઓથી સારી રીતે વાકેફ રહે તે માટે ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકારને નોટિસ પાઠવી સરકારની તમામ સુચનાઓ અને ગેઝેટ સત્તાવાર રીતે પોર્ટલ પર પ્રકાશિત કરવાની જલ્દીથી વ્યવસ્થા ગોઠવવા અંગે સોગંદનામુ દાખલ કરવા હિમાયત કરી છે. હાઈકોર્ટમાં ધારાશાસ્ત્રી બંદીશ સોપરકરે પીઆઈએલ દાખલ કરી તમામ સરકારી ગેઝેટ ઈ-પોર્ટલ પર મુકવાની માંગ કરી છે.અત્યારે નામફેરની પ્રક્રિયામાં જ સરકારી ગેઝેટમાંથી જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવે છે. સરકારની દરેક ગતિવિધિઓ જનતા માટે ઓનલાઈન ઉપલબ્ધ થવી જોઈએ. આ અંગેની જાહેરહિતની અરજીનો કોર્ટે દિશા નિર્દેશ આપ્યો છે.
કેન્દ્ર સરકાર અને દેશના ૨૨ રાજ્યો નિમીતપણે ગેઝેટનું ઈ-પબ્લિકેશન કરે છે અને વેબસાઈટ પર પોસ્ટ કરે છે. આ પરંપરામાં ગુજરાત હજુ અનિયમીત છે. હાઈકોર્ટના પ્રશ્ર્નોના જવાબમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, તમામ સરકારી સુચનાઓનું ઈ-પ્રકાશન થાય જ છે અને અદાલતને ખાતરી આપી હતી કે, કોઈપણ સુચનાઓ બાકી ન રહે તેની વ્યવસ્થા માટે તંત્રને તાકીદ કરી દેવામાં આવશે.
જાહેરહિતની અરજી કરનાર બંદીશ સોપરકરે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, સરકારી છાપકામ અને સ્ટેશનરી ડિરેકટરેટ સરકારી ગેઝેટની વિનામુલ્યે નકલો જાહેર કરવા બંધાયેલા છે. અત્યારે ગેજેટનું ઈ-પ્રકાશન માત્રને માત્ર નામ બદલવા થાય છે અને અન્ય કોઈ પ્રક્રિયામાં ગેઝેટ ઉપલબ્ધ થતું નથી. વિવિધ અધિકારીઓને આ અંગે રજૂઆત કરી હોવા છતાં તંત્રએ કોઈ નિષ્કર્ષ ન આપતા અંતે જાહેરહિતની અરજી કરવાની ફરજ પડી હોવાનું અરજદારે જણાવ્યું હતું. હાઈકોર્ટે સરકારની તાકીદ કરી છે કે તમામ પ્રકારના ગેઝેટ અને સુચનાઓનું નિમીતપણે ઓનલાઈન પોર્ટલ પર પ્રસિધ્ધી થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.