- રાષ્ટ્રીય સહકાર સપ્તાહ
- 1.71 કરોડ સભાસદો સાથે 89 હજાર કરતાં વધુ સહકારી, સંસ્થાઓ કાર્યરત: છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને સહકાર દ્વારા કુલ 3056 કરોડની વ્યાજ સહાય ચુકવાઇ
દેશભરમાં તા.14 થી 20 નવેમ્બર દરમિયાન ’રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે ત્યારે સહકારી પ્રવૃત્તિઓનો દેશના અને રાજ્યના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. તેમાં પણ ગુજરાતનાં સહકાર મોડલની સમગ્ર દેશમાં આગવી નોંધ લેવામાં આવે છે. ગુજરાતની સહકારી સંસ્થા “અમૂલ” એ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વમાં સહકારી ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે. દેશમાં સૌથી પહેલાં સહકારી મંડળીની રચના વર્ષ 1889માં વડોદરા મુકામે અન્યોન્ય સહાયક સહકારી મંડળીના રૂપમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષ 1904ના સહકારી કાયદા પ્રમાણે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાની વિસલપુર સહકારી મંડળી ગુજરાતની શરૂઆતમાં નોંધાયેલી મંડળી છે. ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં સહકારી મંડળીઓની કુલ સંખ્યા 13,959 જેટલી હતી, જ્યારે આજે કુલ 89,221 જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં અંદાજે 1.71 કરોડ સભાસદો જોડાયેલા છે. આમ, લગભગ 6 કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ છે. ગુજરાતના તમામ 33 જિલ્લા મથકોએ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વર્ષ 2021માં દેશમાં પ્રથમવાર અલગ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. ગુજરાતનાં પનોતા પુત્ર અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દેશના સહકારિતા મંત્રાલયના પ્રથમ મંત્રી બન્યા પછી સહકારી ક્ષેત્રે આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે, સાથે સાથે સહકારી મંડળીના સભાસદો માટે ઘણા હિતલક્ષી નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અને સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માના માર્ગદર્શનમાં રાજ્યના સહકારી મંડળીઓના વિભાગ દ્વારા સભાસદોને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2021-22 થી વર્ષ 2023-24 દરમિયાન વિવિધ લાભો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્યમાં ખેત-કૃષિ ઉત્પાદન વધે તે માટે ખેડૂતોને ખેતી માટેની જરૂરીયાતો સંતોષવા વિવિધ બેંકો દ્વારા ખેડૂતોને પાક ધિરાણ આપવામાં આવે છે. પાક ધિરાણ યોજના અંતર્ગત ખેડૂતોને વગર વ્યાજે એટલે કે 0 ટકા વ્યાજે ધિરાણ મળે છે. જેમાં ભારત સરકાર દ્વારા 3 ટકા અને ગુજરાત સરકાર દ્વારા 4 ટકા રકમનો ફાળો આપવામાં આવે છે. જે અન્વયે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા 48 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. 3,056.48 કરોડની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.
તેવી જ રીતે પશુપાલકો અને માછીમારોની પ્રવૃત્તિઓ પણ વધારે સુદ્દઢ રીતે પરીપૂર્ણ થાય તે હેતુસર ધિરાણ પર પશુપાલકોને રૂ. 19.31 કરોડ અને માછીમારોને રૂ. 78 લાખની વ્યાજ સહાય આપવામાં આવી છે. રાજ્યમાં નાગરિકોને પૂરતું સમયસર અનાજ મળી રહે અને પાક સંગ્રહ ક્ષમતામાં વધારો થાય તે માટે ખેડૂતોને ગોડાઉન બનાવવા 25 ટકા મૂડી સહાય રૂ.5 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષ 2021 થી 2024માં 559 ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રૂ.15 કરોડની સહાય પણ આપવામાં આવી છે.
આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત રાજ્યની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિના સભ્યો અને સભાસદોને સહકારી કાયદો, નિયમો અને વિવિધ કામગીરીની માહિતી મળી રહે અને સહકારી મંડળીઓનો વહીવટ સુવ્યવસ્થિત થાય તે માટે સરકાર દ્વારા રાજ્ય સહકારી સંઘને દર વર્ષે રૂ.2.5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે, જેના થકી છેલ્લા ત્રણ વર્ષમાં 3.57 લાખથી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. એગ્રીકલ્ચર માર્કેટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાજ્યમાં ખેડૂતોના પાકને યોગ્ય ભાવ મળી રહે તે માટે 224 બજાર સમિતિઓ કાર્યરત છે. “કિસાન કલ્પવૃક્ષ યોજના” અંતર્ગત આ બજાર સમિતિઓમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા કે ઓક્શન શેડ, વે-બ્રિજ, ખેડૂત પ્રદર્શન કેન્દ્ર, સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, શોપ કમ ગોડાઉન વગેરે માટે સહાય આપવામાં આવે છે. આ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 72 બજાર સમિતિઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રૂ. 54.55 કરોડની સહાય આપવામાં આવી છે. વધુમાં, બોર્ડ ઓફ નોમિનિઝમાં મંડળીઓના વિવિધ કેસો ચાલતા હોય છે, જેની વિગતો પણ ઓનલાઈન ઈ-કોઓપરેટીવ પોર્ટલ પર મળી રહે તે માટે સેવા શરૂ કરવામાં આવી છે. ગઈઉ ડેટાબેઝ પર વિવિધ પ્રકારની 80 હજાર મંડળીઓની માહિતી તૈયાર કરવામાં આવી છે, જે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. કાનૂની સુધારા અંતર્ગત સહકારી મંડળીઓ જેવી કે રાજ્યની ટોચની સંસ્થાઓ, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ, નાગરિક સહકારી બેંકો, ખાંડ મંડળીઓ વગેરે રૂ.5 લાખથી વધુ ખરીદી કરે ત્યારે ઈ-ટેન્ડરની પ્રથા ફરજિયાત અમલમાં મૂકવામાં આવી છે.
સહકારી મંડળીઓમાં નફામાંથી સભાસદોને ડિવિડન્ડ આપવામાં આવે છે. આ ડિવિડન્ડ વર્ષોથી 15 ટકા સુધી આપવામાં આવતુ હતુ, જે હવેથી મંડળીઓ દ્વારા 20 ટકા સુધી આપવામાં આવશે, જેનો લાભ મંડળીઓના લાખો સભાસદોને મળી શકશે. રાજ્યની બજાર સમિતિઓની ચૂંટણી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે બજાર ધારામાં સુધારા કરવામાં આવ્યા છે,
તે સાથે હાઉસિંગ મંડળીઓના ટ્રાન્સફર ફીના પ્રશ્નના નિરાકરણ માટે સહકારી મંડળીના કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે, તેમ રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની યાદીમાં જણાવ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં 2138 નવા ઓનલાઈન રજીસ્ટ્રેશન
ડિજિટાઇઝેશન અને ડેટા મેનેજમેન્ટ અંતર્ગત રાજ્યમાં નાણા ધિરધાર કરનારાઓની સુવ્યવસ્થિત માહિતી મળી રહે તથા તેઓ જરૂરી રજિસ્ટ્રેશન કરાવી કામગીરી કરે તે માટે ઈ-કોઓપરેટીવ પોર્ટલ પર રજિસ્ટ્રેશનની શરૂઆત વર્ષ 2022માં કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ઓનલાઈન રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ આપવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષ 2021 થી 2024માં 2,138 નવા ઓનલાઈન રજિસ્ટ્રેશન તથા 682 જેટલા ઓનલાઈન રજિસ્ટ્રેશન રિન્યૂ કરવામાં આવ્યા છે.
સહકારી મંડળીઓમાં નફામાંથી સભાસદોને મળતું ડિવિન્ડ 15 ટકાથી વધારી 20 ટકા કરાયું: કિસાન કલ્પવૃક્ષ યોજના થકી એકશન શેડ, વે-બ્રીજ, ખેડુત પ્રદર્શન કેન્દ્ર સહિતની અપાય છે સહાય