પેટ્રોલના ભાવમાં આજે 34 પૈસા અને ડીઝલના ભાવમાં 10 પૈસાનો વધારો ઝીંકાયો
રોજ સુરજ ઉગે ને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો ઝીંકવામાં આવે છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં પણ હવે પેટ્રોલના ભાવ 100 રૂપીયા તરફ આગેકૂચ કરી રહ્યા છે. પેટ્રોલીયમ પેદાશોમાં ભાવ વધારાના કારણે મોંઘવારીના રાક્ષસે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ બેરલોનાં ભાવોમાં થઈ રહેલા સતત વધારાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દિવસ ઉગે અને વધારો થાય છે. દેશના અનેક રાજયનો અનેક જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપીયાને પાર થઈ ગયા છે. આજે રાજકોટમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિલીટર 34 પૈસાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. અને પ્રતિ લીટર પેટ્રોલની કિમંત 96.85 રૂપીયા પહોચી જવા પામી હતી. જયારે ડીઝલની કિંમતમાં 10 પૈસાનો વધારો થતા પ્રતિ લીટર ડીઝલની કિંમત રૂ. 96.24 થવા પામી છે.
નજીકના દિવસોમાં જ રાજકોટમાં પણ પેટ્રોલના ભાવ 100 રૂપીયાને પાર થઈ જાય તેવી દહેશત જણાય રહી છે. સતત વધી રહેલા ભાવના કારણે વાહન ચાલકોની રાડ બોલી જવા પામી છે.
ડીઝલની કિંમતો વધતા તમામ ખાદ્ય ચીજોનાં ભાવોમાં પણ વધારો આવ્યો છે.જેના કારણે ગૃહીણીઓનાં બજેટ વેરવિખેર થઇ ગયા છે. પેટ્રોલીયમ પેદાશોમાં ભાવ વધારાના કારણે કેન્દ્ર સરકાર સામે લોકોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે.