શહેર- જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 67ના મોત : બપોર સુધીમાં 294 કેસ
કોરોનાના કેસનો દરરોજ સર્જતો વિક્રમ તંત્ર ઊંધા માથે, સ્થિતિ કાબુ બહાર
રાજકોટ શહેર જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. દરરોજ નવા કેસોનો વિક્રમ સર્જાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે શહેર અને જિલ્લામાં 67 લોકોના ભોગ લેવાયા છે. જ્યારે બીજી તરફ શહેરમાં બપોર સુધીમાં 294 લોકો પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેર- જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. કોરોનાના કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકોના મોત નિપજી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં કેસો પણ સામે આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલો હાઉસફુલ બની છે. સરકારી સુવિધાઓમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. વારો આવ્યે દર્દી જ જતો રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. આમ શહેરની હાલત દિન પ્રતિદિન બદતર બની રહી છે. ઑક્સિજનની તીવ્ર અછતને પગલે પણ અનેક દર્દીઓના ભોગ લેવાયા છે. જિલ્લામાં ઓક્સિજન વાળા બેડ તેમજ વેન્ટિલેટરની પણ અછત વર્તાઈ રહી છે. આ દરમિયાન કોરોના મોતનું તાંડવ કરી રહ્યો છે. દરરોજ વિક્રમજનક આંકડા સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 67 દર્દીઓના મોત નિપજ્યા છે. ઉપરાંત પોઝિટિવ કેસોની સંખ્યા પણ બેફામ રીતે વધી રહી છે. આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં જ કોરોનાના નવા 294 કેસ સામે આવી ગયા છે. જો કે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે આ કેસો માત્ર ચોપડે દર્શાવેલ જ છે. તંત્ર પુરા કેસો ચોપડે દર્શાવતું નથી.