ગૃહિણી એટલે ઘરને એક તાંતણે બાંધનાર દોરો. નાનાથી લઈ મોટા સૌની જવાબદારી જેના ઉપર હોય છે તે માઁ અન્નપૂર્ણા, માઁ લક્ષ્મી અને માઁ શક્તિનો સાક્ષાત અવતાર એવી ગૃહિણીઓનો આજે દિવસ છે. પણ આજે એક ચોંકાવનારો અહેવાલ એવો પણ છે કે ગુજરાતમાં દરરોજ 5 ગૃહિણીઓ જાતે દુનિયા છોડે છે. એટલે હવેગૃહિણીઓના જીવન સંઘર્ષ ઉપર હવે ચિંતા અને ચિંતન કરવું જરૂરી બન્યું છે.
3 નવેમ્બરને રાષ્ટ્રીય ગૃહિણી દિવસ અથવા હોમમેકર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જે વ્યક્તિ ઘરને બરાબર રીતે સંભાળીને રાખે છે તેને આજે સન્માનવાનો દિવસ છે. પણ અત્યારની વાસ્તવિકતા એવી છે કે ગુજરાતમાં દરરોજ સરેરાશ પાંચ ગૃહિણી આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે. આજે 3 નવેમ્બરના ગૃહિણી દિવસ છે ત્યારે ગૃહિણીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાનો વિષય છે. ગુજરાતમાં 1 વર્ષમાં 1820 ગૃહિણીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. ગૃહિણીઓની આત્મહત્યામાં ગુજરાત દેશમાં છઠ્ઠા સ્થાને છે.
આજે વિશ્વ ગૃહિણી દિવસ: ગૃહિણીઓના જીવન સંઘર્ષ ઉપર હવે ચિંતા અને ચિંતન કરવું જરૂરી
ગુજરાતમાં એક વર્ષમાં અધધધ 1820 ગૃહિણીઓએ કરી આત્મહત્યા મોટાભાગના કેસોમાં ઘરકંકાશ અને સાસરિયાઓનો ત્રાસ કારણભૂત
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ અનુસાર, ગુજરાતમાંથી 3 વર્ષમાં 5245 ગૃહિણીઓએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. જેમાં વર્ષ 2019માં 1689, 2020માં 1736 અને 2021માં 1820 ગૃહિણીઓની આત્મહત્યાનો સમાવેશ થાય છે. આમ, ગૃહિણીઓમાં આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વર્ષ 2021ની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાંથી કુલ 23178 ગૃહિણીઓએ આત્મહત્યા કરી હતી. જેમાં તામિલનાડુમાં સૌથી વધુ 3221, મધ્ય પ્રદેશમાં 3055, મહારાષ્ટ્રમાં 2860, પશ્ચિમ બંગાળમાં 1998 ગૃહિણીઓની આત્મહત્યાનો સમાવેશ થાય છે.
વર્ષ 2021માં સૌથી વધુ ગૃહિણીઓની આત્મહત્યાને મામલે ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠા સ્થાને છે. ગૃહિણીઓની આત્મહત્યા માટે મુખ્યત્વે સાસરિયા તરફથી દહેજ માગવા ઉપરાંત માનસિક ત્રાસ મુખ્યત્વે જવાબદાર પરિબળ હોય છે. મનોચિકિત્સકો મતે પણ માનસિક આરોગ્યની હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ જે દર્દીઓ આવે છે તેમાંથી 60 ટકા મહિલાઓ હોય છે. ગર્ભાવસ્થા બાદ કે પ્રીમેનોપેઝલ તબક્કો, પરિવાર સાથે તાલમેલ, ઘરની જવાબદારીને કારણે કારકિર્દી નહીં ઘડી શકવા જેવા પરિબળોથી ડિપ્રેશનની સમસ્યા તેમનામાં વધારે જોવા મળે છે.
ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 5245 ગૃહિણીઓની આત્મહત્યા
- વર્ષ 2019માં 1689 આત્મહત્યા
- વર્ષ 2020માં 1736 આત્મહત્યા
- વર્ષ 2021માં 1820 આત્મહત્યા