અંગ્રેજ શાસનની ગુલામીમાંથી આઝાદ થયા ત્યારે ભારતે લોકશાહી અપનાવી અને દેશમાં લોકશાસન પ્રસ્થાપિત થયું. લોકોને વિવિધ પ્રકારના હક આપવામાં આવ્યાં અને અત્યાર સુધી થયેલા શોષણને ડામવાના પ્રયત્નો શરૂ થયાં.
લોકો હવે આઝાદીથી પોતાનું જીવન જીવી શકતા હતા અને અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવી શકતા હતાં. સમય જતાં હકોની સાથે સાથે દેશ પ્રત્યે લોકોની ફરજો અને કર્તવ્યો વિશે ચર્ચાએ જોર પકડ્યું. દેશના નાગરિકોને હકો તો આપવામાં આવ્યા પરંતુ દેશ પ્રત્યેની એમની ફરજો નક્કી ન થઈ શકી.
દેશની સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રિમ કોર્ટે સૌપ્રથમ વખત નાગરિકોની ફરજોની જરૂરિયાત દર્શાવી અને ત્યારબાદ 1976માં ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બંધારણીય સુધારા દ્વારા આપણા દેશના સંવિધાનમાં મૂળભૂત ફરજોને સામેલ કરી.
છેલ્લે 2002માં આ ફરજોમાં નવી ફરજ તરીકે બાળકના માતા-પિતા અથવા વાલીને 6 થી 14 વર્ષની વયના બાળકને ભણાવવા માટે કર્તવ્યબદ્ધ કરાયા. ભારતના એક જાગૃત નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે કે આપણે સૌ આપણી આ ફરજોને સન્માન આપીએ અને તે પ્રમાણે દેશ પ્રત્યેનું આપણું કર્તવ્ય અને દેશ પ્રત્યેની જવાબદારી નિભાવીએ.
ભારત દેશના દરેક નાગરિકની ફરજ નીચે મુજબ છે :
1. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની.
2. આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની.
3. ભારતનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની.
4. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની.
5. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃધ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની.
6. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વરસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની.
7. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની.
8. વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની.
9. જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની.
10. રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતુ રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃતિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
11. નાગરિકોમાં જેઓ માતા-પિતા અથવા વાલી છે તેઓ પોતાના 6 વર્ષથી 14 વર્ષના બાળકોને શિક્ષણ માટેની તમામ તક પૂરી પાડશે