એકપણ બાળકનું બાળપણ આનંદરહિત ન રહે તે માટે સમાજે વ્યવસ્થા કરવી જોઇએ
ઝૂંપડપટ્ટી વિસ્તારનાં બાળકોને સ્વ. પુજીતના જન્મ દિવસે બાળસંગમ કાર્યક્રમ અન્વયે ફનવર્લ્ડમાં કિલ્લોલ કરાવાયા: ‘બાલવીર રિટર્ન્સ’નો બાળ નાયક દેવ જોષી બાલ સંગમ કાર્યક્રમમાં સહભાગી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મારા પુત્ર સ્વ.પુજીતના જન્મ દિવસે ટ્રસ્ટ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારમાં કચરો વીણતા બાળકો એક દિવસ કિલ્લોલ કરે, આનંદ માણે તે માટે છેલ્લા ૨૫ વર્ષથી એક દિવસ બાળ સંગમ દિવસ તરીકે ઉજવીએ છીએ. અમે આ દરેક બાળકોમાં પુજીતના દર્શન કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષ પણ સ્વ. પુજીતના જન્મદિને બાળ સંગમ વંચિત બાળકો માટે કર્યો છે. દરેક બાળકનું બાળપણ આનંદથી વીતવુ જોઇએ અને તે માટે વ્યવસ્થા કરવાની સમાજની ફરજ છે કે બાળકોનું બાળપણ આનંદ વિહોણુ, અભાવવાળું ન રહેવું જોઇએ. આનંદીત બાળકોનો ભવિષ્યમાં ખૂબ સારો વિકાસ થઇ શકે. બાળ સંગમના કાર્યક્રમ થકી જ્ઞાન સાથે ગમ્મત મળે બાળકો આનંદિત થઇ જાય તેવો હેતુ રહેલો છે. દરેક બાળક ખુશ રહેવુ જોઇએ. જેથી ભવિષ્યમાં આવનારી પેઢી રચનાત્મક કામ કરનારી બનશે. દરેક બાળકમાં પ્રભુનો વાસ છે તેવું આપણે સૌએ માનવું જોઇએ તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આજે વિજયદશમીના દિને અસુરી શક્તિનો નાશ થાય અને દૈવી શક્તિનો વ્યાપ વધે. તેવી શુભકાના મુખ્યમંત્રીશ્રીએ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ વિશેષમાં કહયું હતુ કે, શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટની સ્થાપના ૧૯૯૫ના કચરો વીણતા બાળકો માટેના રેગપીકર્સ પ્રોજેકટ દ્વારા કરવામાં આવી હતી. બાળકો ઉપરાંત મહિલાઓના ઉત્કર્ષ માટે પણ અનેક પ્રવૃતિ ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે. જેમાં ગરીબ પરંતુ તેજસ્વી બાળકો માટેનો જ્ઞાનપ્રબોધીનીનો પણ સમાવેશ થાય છે.
રાજકોટ શહેરની ઝૂપડપટ્ટી વિસ્તારનાં બાળકોને સ્વ. પુજીતના જન્મ દિવસ તા.૮મી ઓકટોબરના રોજ એક દિવસ પૂરતું પણ કિલ્લોલ કરતું બાળપણ મળી રહે એવા શુભ હેતુથી બાળસંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજકોટના ફનવર્લ્ડ ખાતે રાજયના મુખ્યમંત્રી અને શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે અને મુખ્યમંત્રીના ધર્મ પત્ની અને ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું.
ટીવી ચેનલ ઉપર ચાલી રહેલી બાળકોની હિન્દી સિરિયલ બાલવીર રિટન્સના બાળનાયક દેવ જોષી બાળ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી અને અમદાવાદના દેવ જોષીએ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. બાળકોમાં નેશનલ એવોર્ડ વિજેતા દેવ જોષી અનોખુ આકર્ષણ ઉભુ કર્યુ હતું. આ પ્રસંગે દેવ જોષીએ કહ્યું હતું કે,રોજીંદા જીવન કરતાં આજનો દશેરાનો દિવસ આપણા સૌ માટે ખાસ-વિશેષ દિવસ છે. આજે સ્વ. પુજીતના જન્મ દિનની સાથે સાથે આજથી ૧૨ વર્ષ પહેલા અમારો બાલવીરનો પ્રથમ શો પ્રસિધ્ધ થયો હતો. બાલવીર સિરિયલ અનેક સારા સંદેશ બાળકોને આપે છે. અહીં ઉપસ્થિત બાળકોના આનંદ-ખુશીએ સ્વ પુજિતભાઇને ખરા અર્થમાં સ્મરણાજંલી છે.
આ પ્રસંગે મ્યુ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારિયા મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય ધારા સભ્ય અરવિંદભાઇ રૈયાણી કમેશભાઇ મિરાણી, રાજુભાઇ ધ્રુવ, નિતીનભાઇ ભારાદ્વાજ, પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, કલેક્ટર રૈમ્યા મોહન સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. બાળકો માટે યોજાયેલ રંગારંગ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી સહભાગી બન્યા હતા. બાળકોએ રાઇડસની મજા માણી હતી. મુખ્યમંત્રીનું સ્વાગત રાસગરબા, ઢોલનગારા સાથે કરવામાં આવ્યું હતું.