આજના આ કળિયુગી સમયમાં ઘણાં લોકો ગુમાનમાં ફરતા હોય છે કે હું કંઈક છું… ઘણાં લોકોને આપણે કે’તા પણ સાંભળ્યા હશે કે એયયય… તને ખબર છે હું કોણ છું..? પણ ભાઈ, પે’લા રૂક તું કોણ છે એ તને જ નથી ખબર તો પછી મને કેમ ખબર હોય.?! આપણે ઘણી વખત ગુમાન, અભિમાનમાં એવા એવા વાક્યપ્રયોગ કરી લેતા હોઈએ છીએ કે તેના વિશે તાર્કિક રીતે વિચારીએ તો હાસ્યાસ્પદ બની જવાય..!!

કોઈકને આપણે પૂછીએ કે તમે કોણ છો ? તો તમને સામે પ્રત્યુત્તરમાં ફય બાએ રાખેલું નામ અથવા તો જે વ્યવસાય સાથે સંકળાયેલા હશે તે જ જાણવા મળશે. કોઈ કહેશે હું રામ છું, ગીતા છું…. કોઈ કહેશે હું એક શિક્ષક છું, હું એક ડોકટર છું, હું એક પત્રકાર છું, હું એક વૈજ્ઞાનિક છું… પણ શું આ તમારી જાત છે ? નહીં, આ માત્રને માત્ર તમારી એક ઓળખ છે તમારી જાત નથી.

આજના ભાગદોડ ભર્યા જીવનમાં ક્યાં કોઈને પોતાના માટે ટાઈમ છે..? કરી છે ક્યારેય પોતાની જાત સાથે વાત..? ક્યારેય જાણ્યું છે હું કોણ છું..? શું હું એક પિતા, એક પતિ, એક મિત્ર, એક એંજિનિયર, એક ડોકટર અથવા તો એક મુસાફર છું? હકીકત એ છે કે, પુત્રના આધારે તમે એક પિતા છો. પત્નીના આધારે તમે એક પતિ છો. અને વાહનની સવારીના આધારે તમે એક મુસાફર છો. તો તમારી બધી ઓળખાણ, જે તમે તમારી જાત વિશે માનો છો, તે બધી જ બીજાના આધારે છે. તો પછી તમે પોતે કોણ છો?

આ પ્રશ્નનો જવાબ સરળ ન જ હોઈ શકે..!! કારણ કે પ્રશ્ન જ સરળ નથી, અને પ્રશ્ન સરળ એટલા માટે નહી લાગે કારણ કે ક્યારેય આ ઉપર અભ્યાસ કરેલ નથી.‘હું કોણ છે?’ તે પ્રશ્નનો જવાબ ના મળવાથી, તમે પોતાની નવી ઓળખાણ બનાવતા રહો છો. પરિણામે તમે તમારા સાચા સ્વરૂપથી વધુ દૂર જતા રહો છો. પોતાનું સાચું સ્વરૂપ ન જાણવાથી જ જીદંગીના બધા દુઃખો ઉભા છે.

જ્યાં સુધી તમે તમારા સાચા સ્વરૂપને નથી ઓળખતા ત્યાં સુધી તમે તમારી જાતને એ નામથી ઓળખવો છો જે તમને આપવામાં આવેલું હોય છે. જે બીજા પર જ આધારિત હોય છે. ચાલો આજે આપણે આ વાત પર પ્રકાશ પાડીએ અને જાણીએ કે હું કોણ છું ? એ કેવી રીતે જાણી શકાય..?

કહેવાય છે ને…. સ્વને જાણવા ભીતરને ભણવુ  પડે..!! જો તમને  અટવાયેલા, ફસાયેલા, કંટાળાજનક અથવા અસુરક્ષિત લાગે છે તો આમાંથી મુક્ત થવા સૌ પ્રથમ તમારે તમારી જાતને  શોધવી જોઈએ. તમે ખરેખર અંદર કોણ છો..? તે જાણી લેશો તો જિંદગીનો બેડો પાર થઈ જશે. તમને એ જ લાગશે કે તમારી જિંદગી બ્રાઈટ અને સેક્સી છે. બસ તમારે જરૂર છે તો માત્ર નકારાત્મક અને નિરાશાનું આવરણ હટાવવાની. આપણે ખરેખર કોણ છીએ તે શોધવા માટે આપણે ઉંડાણપૂર્વકનું ચિંતન, પોતાની જાત માટે સમય કાઢવાની અને એવી વસ્તુ કરવાની જરૂર છે જે અનન્ય રીતે આપણી જ છે.

સૌ પ્રથમ તમારી જાતમાં સમયનું રોકાણ કરતા શીખો. કોઈ એક કામ 100% માત્ર તમારી માટે કરો. જેમ કે, એકાંતમાં સમય પસાર કરો, નવી કુશળતા શીખો, જે તમે લાંબા સમયથી સપનું જોઈ રહ્યા છો તે પર કામ કરો, અથવા સારી જગ્યાએ જઈ તમારો ફોટો લો અને તેને જુઓ. અથવા અરીસા સામે ઊભા રહો પછી તમે જે વ્યક્તિને અરીસામાં જુઓ છો તેની આંખોમાં સીધી નજર કરી એક વચન સાથે તમારી આંતરિક ઇચ્છાઓને ટેપ કરો કે જ્યાં સુધી તમે તમારા સપના અને ઇચ્છાઓ પ્રાપ્ત ન કરો ત્યાં સુધી તમે અટકશો નહીં. આ ઉપરાંત જરૂરિયાતો અને જુસ્સાને સમય સાથે બદલવા દો. કોઈ એક વસ્તુ સાથે બંધાયેલા ન રહો.

નવું શીખો અને બિનજરૂરી જૂનું ડીલીટ મારતા રહો. આમ, કરવાથી તમે તમારી જાત સાથે સમય કાઢી શકશો. પોતાની જાતનું વિશ્લેષણ કરી પોતાની ઈચ્છા, આંકાક્ષા જાણી તેની પર કામ કરી શકશો. આમ બાહ્ય પરિબળો કરતા તમારી માટે આંતરિક પરિબળો વધુ મહત્વના બની જશે અને અંતે તમે અશક્ય અન્ય પરિબળોને શક્ય બનાવી સફળ બની શકશો. આત્મ નિરીક્ષણથી જ જાણી શકશો કે તમે કોણ છો ? તેમ એ છો જે તમારામાં ખૂબી-ખામી છે. તમે એ છો જે ખામીને દૂર કરી અનન્ય ખૂબી વિકસાવી શકો છો.

શું તમે બવ ઉતાવળા છો ?

આજના સમયમાં માણસ બિઝનેસમેન કરતા તો વધુ બિઝીમેન થઈ ગયો છે. ક્યાં કોઈ પાસે સમય છે. બસ, આ તો પેટનો ખાડો પુરવા સમયની સાથે વગર સમયે દોડવું પડે છે. તમારા ઉતાવળ સ્વભાવને કારણે તમે ક્યારેય નહીં જાણી શકો કે તમે કોણ છો ? આત્મનિરીક્ષણ તો શાંતિના સમયમાં જ થઈ શકે. ઉતાવળીયા નિર્ણય હંમેશા ગેરમાર્ગે દોરે છે. આથી ઉતાવળ ન કરી ધીરજ રાખી નિર્ણયો લેવા જોઈએ. આ ટેવ તમને આત્મ નિરીક્ષણમાં મોટી મદદરૂપ સાબિત થશે.

શું તમને તમારું જીવન બોજારૂપ લાગે છે ?

આજના સમયે મોટાભાગના માનવી હારેલો, થાકેલો, કંટાળેલો જ લાગે છે. જીવન બોજો બની ગયું હોય તેમ વર્તન કરે છે. જીવનની આ સૌથી મોટી નકારાત્મકતાને દૂર કરી દેશો તો જિંદગી બોજારૂપ નહીં લાગે અને આ ત્યારે જ સંભવ છે જ્યારે માણસ પોતાની જાતને પારખે, બીજાને આત્મસંતુષ્ટિ અપાવવાને બદલે પોતાની જાતને આત્મસંતુષ્ટિ આપે. જો એક વાર પોતાની જાતને ઓળખી લેશે તો તે નકારાત્મકતાથી કોંસો દૂર થઈ સ્વ પ્રેમ જ કરવા લાગશે.

તમે બદલાતા સમયને ઝડપથી પારખી શકો છો ?

આજનો ટેક્નોલોજીનો જમાનો સતત બદલાતો એટલે કે ઈનોવેશનનો જમાનો છે. સમય કાયમ એક સમાન રહેતો નથી એ સનાતન સત્ય છે. અને આ સનાતન સત્યને જાણી તેને પારખી શકશો ત્યારે જ જિંદગીનો અસલી આનંદ માણી શકશો. બદલાતા સમયને પારખી કામ કરશો તો જ સમયની સાથે નહીં પણ સમયની પહેલા કામ કરી શકશો. પણ આ માટે સ્વકાર્યક્ષમતા વિકસાવી જરૂરી છે અને તે ત્યારે જ સંભવ છે જ્યારે તમને સ્વજાગરૂકતા હોય.

શું તમે તમારામાં ઘર કરેલી માન્યતાઓને ત્યજી શકો છો ?

આત્મનિરીક્ષણ અને મૂલ્યાંકન માટે સતત અપડેટ રહેવું જરૂરી છે. સમયની સાથે ચાલી જૂની પુરાણી જડ માન્યતાઓને ત્યજવી ખૂબ જરૂરી છે. નવું નવું શીખવું અને જૂનું જે બિનજરૂરી છે તેને ડીલીટ કરવું આવશ્યક છે. હું કોણ છું ? એ જાણવા માટે આ કરવું અનિવાર્ય છે. જૂની માન્યતાઓ કાઢશું તો જ નવી વિચારસરણીઓ અને સ્વીકાર શક્તિને સ્થાન મળશે. જ્યાં સુધી એક્સેપ્ટન્સ નહીં આવે ત્યાં સુધી જાત નિરીક્ષણ શક્ય નહીં બને.

તમારી પ્રગતિમાં તમને સતત કોઈ અવરોધરૂપ લાગે છે ?

કોઈ પણ ક્ષેત્ર હોય હરિફાઈ તો રેવાની જ..!! કામના કે અન્ય કોઈ વ્યવસાયિક સ્થળે અદેખાઈ, કડવાશપણું જેવા નકારાત્મક તત્વો હોય જ છે પણ આ તત્વો છોડી આંતરિક હરિફાઈ પર ધ્યાન આપવું જ સાચા સ્વની ઓળખ છે. અહીં બીજા માટે નહીં પણ પોતાના માટે ઈગોઈસ્ટિક બનવું જરૂરી છે. તમને પણ તમારી પ્રગતિમાં સતત કોઈ અવરોધરૂપ લાગતું હોય તો તેને અવરોધી સતત આગળ ધપવું જ વિકાસની નિશાની છે. જે લોકો આમાંથી બહાર નથી નીકળી શકતા એ લોકો પોતાની જાતને નથી ઓળખતા એમ જરૂર કહી શકાય.

તમને ખબર છે તમે બીજી મિનિટે મરી જવાના છો ?

સર્જન છે તો વિસર્જન નક્કી છે તેમ જીવન છે તો મોત પણ નિશ્ચિત છે. કોણ કેટલું જીવશે એ થોડી કોઈ કહી શકે છે ? જીવન હંમેશા એ રીતે જીવવું જોઈએ કે તમે બીજી મિનિટે જ મરી જવાના છો અને જિંદગીમાં એવી રીતે શીખવુ જોઈએ કે તમે હમેંશા જીવવાના હોય. આગળની એક ક્ષણ વિશે પણ ધારણા બાંધી શકાતી નથી આથી આવતીકાલે મૃત્યુ નિશ્ચિત છે તેમ વિચારી આજને મોકળા મને જીવી લેવી જોઈએ. ખુલ્લાં મને જીવનારા જ પોતાની જાતને સમય આપી ભીતરને ભણી શકે છે.

આત્મઘાતી પગલું એ જાત સાથેની નફરત ?

આજના સમયમાં ખાસ કરી યુવાઓ જરીક અમથી વાતમાં પણ મોતને વ્હાલું કરી લે છે. આપઘાતએ પાંગળા માનવની નિશાની છે. આત્મહત્યા એટલે આત્માની હત્યા કરી નાખવી, શું આ પગલું જાત સાથેની નફરત ? આત્મહત્યા કરવા પ્રેરાવું મતલબ પોતાની જાતથી અજાણ હોવું. જે લોકો પોતાની જાતને ઓળખી લે, હું કોણ છું એ જાણી લે તો તેઓને આવા આત્મઘાતી વિચાર નહીં આવે. કારણ કે જે લોકો સ્વને પારખી લે છે મતલબ પોતાની ખામી-ખૂબી સ્વીકારી લે છે તેઓ સ્વંપ્રેમ અને સ્વ કાળજી પ્રત્યે સજાગ થઈ જાય છે. તેઓ નકારાત્મકતાથી પર થઈ આગળ વધે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.