સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતા તમામ સ્ટાફ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ બન્ને ડોઝ લીધા હશે તો જ પ્રવેશ મળશે: કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવું પડશે

સેમ-1ની પરીક્ષાના તમામ વિદ્યાર્થીઓએ વેકસીનનો એક ડોઝ લેવો ફરજીયાત રહેશે

 

અબતક, રાજકોટ

રાજ્ય સહિત દેશભરમાં હાલ કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જાય છે. ત્યારે આજે જ રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ રદ કરવામાં આવતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ, પદવીદાન સમારોહ સહિતના મોટા તમામ કાર્યક્રમો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ નાના મોટા લોકાર્પણના કાર્યક્રમો પણ હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં વેકસીન ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હવે જ્યારે પણ પ્રથમ સેમના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાય તે પહેલાં તમામ વિદ્યાર્થીઓએ પહેલો વેકસીનનો ડોઝ લેવો ફરજીયાત રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે યોજાયો ન હતો

જો કે આ વર્ષે યુવક મહોત્સવ માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું જો કે હવે કોરોનાએ ફરી હાહાકાર મચાવતા આ વર્ષે જો કે હજુ યુવક મહોત્સવ રદ નથી કરાયો પણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, કોરોનાના કેસો વધતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતા તમામ સ્ટાફ અને કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ બન્ને ડોઝ લીધા હશે તો જ પ્રવેશ મળશે અને તમામે કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

પદવીદાન સમારોહ ઓનલાઇન યોજાઈ તેવી શકયતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આ વર્ષે પણ ઓનલાઇન યોજાય તેવા વાતો અત્યારથી જ થઈ રહી છે. કેમ કે જે રીતે કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે ત્યારે હવે પદવીદાન સમારોહ ઓનલાઇન કે ઓફલાઇન યોજવો તે મુસીબત છે. જો કે યુનિવર્સિટી દ્વારા છેલ્લા ઘણા દિવસોથી પદવીદાન સમારોહની ત્યારી ચાલુ થઈ ગઇ છે અને એ માટે યુનિવર્સિટીએ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પણ બુક કરાવી લીધું છે.

સેમ-1ની તમામ પરીક્ષા લેવાશે જ: રજિસ્ટાર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટાર ડો.નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, હાલમાં બાકી રહેલી પરિક્ષાઓના ફોર્મ ભરવાની પ્રકિયા ચાલુ છે. હજુ પરીક્ષા ક્યારે લેવી તેનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી પરંતુ જો કોરોના વકરશે તો પરીક્ષા રદ નહીં થાય પરીક્ષા લેવાશે જ.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.