પ્રદેશ કોર ટીમ, લોકસભા ચૂંટણી આયોજન સમિતિ, સરકારના જિલ્લા પ્રભારી, મંત્રી, જિલ્લા-મહાનગરના પ્રભારી, જિલ્લા પ્રમુખ અને લોકસભા સીટના ઉપસ્થિત રહેશે
લોકસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો પર ફરી કમળ ખીલવવા માટે સતાધારી પક્ષ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે સાંજે ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં બેઠક બોલાવવામાં આવી છે. જેમાં લોકસભાની ચુંટણીની ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે અને રણનીતિ તૈયાર કરવામાં આવશે.
આજે સાંજે ૭:૦૦ કલાકે ગાંધીનગરના કોબા સર્કલ સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રીકમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપની બેઠક યોજાશે. આ બેઠકમાં પ્રદેશ કોર ટીમ, લોકસભા ચુંટણી આયોજન સમિતિ, રાજય સરકારના પ્રભારી મંત્રીઓ, જિલ્લા અને મહાનગરના પ્રભારી, જિલ્લા પ્રમુખ, લોકસભા સીટના પ્રભારી, ઈન્ચાર્જ તથા સહઈન્ચાર્જ ભાગ લેશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચુંટણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે લોકસભાની ચુંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર ફરી ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા માટે અગાઉ જ તમામ બેઠક માટે પ્રભારી, ઈન્ચાર્જ તથા સહ ઈન્ચાર્જની નિમણુક કરી દીધી છે. ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક ગુજરાતની તમામ લોકસભા બેઠક પર જીત હાંસલ કરી હતી. ફરી આવું પરીણામ લાવવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે સાંજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે યોજાનારી પ્રદેશ બેઠકમાં લોકસભાની ચુંટણી અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે.