સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી કમિશનની ભલામણો માન્ય કેબિનેટમાં માન્ય રાખવામાં આવી જોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં વસ્તી આધારે ઓબીસી અનામત લાગુ કરવા ભલામણ થઈ હતી. સરકાર 20 ટકાથી વધુ અનામત જાહેર કરે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે.
લોકસભા ચૂંટણી પહેલાં ઓબીસી સમાજને ભાજપ તરફી રાખવા આ મોટો દાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 11 જિલ્લાઓમાં અને 500 ગ્રામ પંચાયતોમાં ઓબીસી સમુદાયનું પ્રભુત્વ રહે તેવો સૂત્રોનો દાવો છે. રાજ્યની 49 ટકા અનામત વધે નહિ તે મુજબ ઓબીસી સમુદાયને અનામતનો લાભ આપવામાં આવશે. ઝવેરી કમિશનના રિપોર્ટના કારણે 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત પંચાયત અને 72 નગરપાલિકાની ચૂંટણી અટકી છે. તમામ સંસ્થાઓમાં હાલ વહીવટદાર નીમવામાં આવ્યા છે.
કેબિનેટમાં ઝવેરી કમિશનનો રિપોર્ટ રજૂ કરાયો, રિપોર્ટને મંજૂરીની મહોર લાગી ગયાની ચર્ચા: લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ ઓબીસી સમુદાયને બેઠકોમાં 20 ટકાથી વધુ અનામત અપાઈ તેવી શકયતા
ગાંધીનગરમાં દર બુધવારે યોજાતી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક આજે મળી છે. આવતીકાલે બુધવારે રક્ષાબંધનની રજા હોવાથી કેબિનેટની બેઠક આજે મળી છે. આજની બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ઘણા સમયથી ચર્ચામાં રહેતા ઝવેરી પંચના રીપોર્ટ પર વિચારણા હાથ ધરાઈ હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ બાદ પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે આજે જાહેરાત થવાની શક્યતાઓ છે. કેબિનેટની બેઠકમાં ઝવેરી પંચના રિપોર્ટને સ્વીકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં ઓબીસી અનામતને લઈને સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરે તકેવી શક્યતાઓ છે. રાજ્યમાં એક વર્ષ કરતાં વધુ સમયથી અનેક પંચાયતોમાં ઓબીસી બેઠકો ખાલી પડી છે. આ પંચાયતોમાં કોંગ્રેસે 27 ટકા ઓબીસી અનામતની માંગ કરી છે. ત્યારે હવે સરકાર રીપોર્ટ જાહેર કરે ત્યાર બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ શક્યતાઓ છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે નવરાત્રિ સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ શકે છે.
અનામતના પેન્ડિંગ નિર્ણયને લઈને બે જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત પંચાયત અને 72 નગરપાલિકાની ચૂંટણી અટકી હતી, નવરાત્રિ સુધીમાં આ ચૂંટણી જાહેર થાય તેવી સંભાવના
સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022ના રોજ ઝવેરી પંચની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ માટે રાજ્ય સરકારે સૂચના આપી હતી. સમયાંતરે ઝવેરી પંચની મુદત વધતી ગઈ અને અંતે 13 એપ્રિલ 2023ના રોજ પંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો. જેમાં આજ દિન સુધી કોઈ નિર્ણય ન થતા કોંગ્રેસે ઓબીસી બચાવો આંદોલન શરૂ કર્યુ હતું.
મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની સાંજે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
આજે સાંજે 5:00 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામતને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે કોંગ્રેસ દ્વારા આંદોલન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ઓબીસી અનામત અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આજે સવારે મુખ્યમંત્રીને ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના મંત્રી મંડળની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ઓબીસી અનામત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન બપોરે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતેથી એવી ઘોષણા કરવામાં આવી છે કે સાંજે 5:00 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કર્મલમ ખાતે એક અગત્યની પત્રકાર પરિષદને સંબોધવામાં આવશે આ જાહેરાતને લઈને ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી છે સરકાર અને સંગઠન સાથે મળીને ગુજરાતની જનતા માટે કોઈ મોટી જાહેરાત કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.