- આ દિવસ મેલી વિદ્યાના સાધકો માટે ખાસ દિવસ ગણાય છે: અંધશ્રઘ્ધા નિવારણ સાથે જન માનસમાં બદલાવ લાવવો જરૂરી: માતા દુર્ગાના બે સ્વરૂપો છે,
- એક સૌમ્ય, ધીર અને ગંભીર, જયારે બીજું રોદ્ર: મહાકાળીનું સ્વરૂપ એ રોદ્ર સ્વરૂપ છે, આ દિવસને નરક ચતુર્દશી પણ કહેવાય છે
આપણા દેશમાં કોઈપણ તહેવાર કે દિવસને અશુભ માન્યતાઓ સાથે જોડવામાં આવે છે, તો તે દિવસ એટલે કાળી ચૌદશ. ચતુરદર્શી તરીકે ઓળખાતી કાળી ચૌદશના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને ત્રાસમાંથી મુક્ત કર્યા હતા. આ દિવસ મેલી વિદ્યાના સાધકો માટે ખાસ દિવસ મનાય છે
આ દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે. કાળી ચૌદસને ચોટી દિવાળી પણ કહે છે. આ દિવસે લોકો સાંજે ઘરમાં દીવો પ્રગટાવીને યમરાજની પૂજા કરે છે આ દરમિયાન અકળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરાય છે નર્કાસોટના મૃત્યુ પછી લોકો કારતક મહિનાની અમાવસ્યા ના દિવસે નરક ચતુરદર્શી ઉજવવાનું શરૂ કરેલ હતું.
દિપોત્સવી પર્વની કાળી ચૌદશ સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. આ દિવસે રાત્રે ઉ5ાસનાનું અનેરૂ મહત્વ છે. આ દિવસે સાંજે સંઘ્યાકાળ પછી મૃત્યુ દેવતા યમરાજનો દિવો કરવામાં આવે છે. કાળી ચૌદશમાં પ્રથમ બે અક્ષર કાળો કલર સુચવે છે, સાથે કાળી રાત્રી પુનમ પહેલાનો દિવસ અંધારી રાત્રી બાદ જ પ્રકાશ પર્વ દિવાળી આવે છે. આજની ર1મી સદીના વિજ્ઞાન અને ઇન્ફરમેશન ટેકનોલોજી યુગમાં પણ દેશની પ્રજામાં કાળી ચૌદશની અશુભ-અંધશ્રઘ્ધાની માન્યતાઓ યથાવત છે. તેના નિવારણ કાર્યો સાથે જનમાનસમાં બદલાવ લાવવાની જરૂર છે.
સમગ્ર દેશમાં આ પરત્વે સૌ પ્રથમ ઝુંબેશ જાણીતા વૈજ્ઞાનિક પ્રો. યશપાલે શરૂ કરી હતી. તેમણે જણાવેલ કે બાળકોને પાયાના શિક્ષણ સાથે વૈજ્ઞાનિક અભિગમ કેળવો, જયાં સુધી આ બાબતે સક્રિય કાર્ય નહી થાય ત્યાં સુધી લોકોમાં અંધશ્રઘ્ધા ચાલુ રહેશે. ભાવી નાગરીકોને જનજાગૃતિમાં જોડીને જયાં સુધી કાર્ય નહી થાય ત્યાં સુધી વિકાસ શકય નથી, બાળથી મોટેરામાં ખોટી માન્યતાઓ આંધળી શ્રઘ્ધા ચાલુ રહેશે , ત્યાં સુધી ધતિંગ કરનારાઓની સંખ્યા વધતી જ રહેશે.
કાળી ચૌદશની ભયાનકતા, ગેરમાન્યતાઓ, ક્રિયા કાંડો, કુરિવાજો જેવી વિવિધ માન્યતાઓ દૂર કરવાનો સમય આવી ગયો છે. આજે સમગ્ર વિશ્ર્વ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ને આકાશમાં ફરતા વિવિધ ગ્રહો ઉપર પણ માનવી પહોંચી ગયો છે, ત્યારે પણ હજી ‘બિલાડી’ આડી ઉતરી જેવી વાતો આપણે કરીએ તેમાં કેટલે અંશે તથ્ય છે.
કાળી ચૌદશના દિવસે ઘરમાંથી કકડાટ કાઢવા માટે ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા, વડા મુકવાની પ્રથા છે. તેને કાયમી દફનાવી અનાજ, પાણીનો બગાડ બંધ કરવો જોઇએ, વર્ષોથી આપણે કકડાટ કાઢીએ છીએ ખરેખર નીકળ્યો છે? ના આવી ખોટી પ્રથા વિજ્ઞાનયુગમાં બંધ કરવી જોઇએ . એજ પ્રકાશ પર્વ 2024 નો સંકલ્પ હોવો જોઇએ. કાળીચૌદશની કાલ્પનિક કથાઓ અવૈજ્ઞાનિક છે, બોગસ સાબિત થઇ છે. આજનો યુવાન હવે જાગૃત થતા આ દિવસે સ્મશાનમાં વડા ખાવાનો કાર્યક્રમ કરે છે. કશું જ થતું નથી લોકો એ આ બાબતે જાગૃત થવાની જરૂર છે.
કાળી ચૌદશને મેલી વિદ્યા સાથે જોડાયેલી વર્ષોથી ઘણી માન્યતાઓ લોકોમાં વ્યાપેલી છે, જે વૈજ્ઞાનિક અભિગમ વગર દૂર કરવી અશકય છે. એઇડસ અને કોરોના વાયરસને આપણે જનજાગૃતિથી જ નાથી શકયા છીએ, ત્યારે અંધશ્રઘ્ધા બાબતે પણ લોકોએ વિચાર સરણીમાં બદલાવ લાવવો પડશે, જન જન જાગે અંધશ્રઘ્ધા ભાગે.
વિજ્ઞાને પણ સાબિત કર્યુ છે કે માનવીય મનની ત્રુટીમાંથી નિકળેલા ભ્રામક વિચારોને કારણે જ લોકો ભૂત-પ્રેત કે ડાકણથી ડરે છે. વાસ્તવમાં જોઇએ તો આવું કશું છેજ નહીં, ગુજરાત સરકારશ્રી શહેરી વિકાસ વિભાગે પણ પરિપત્ર બહાર પાડીને કાળી ચૌદશની ગેર માન્યતાના કારણે ચોકમાં પડેલી ખાદ્ય સામગ્રી એકઠી કરવા તથા કુંડાળાની પ્રદક્ષિણામાં પાણીનો બગાડ અટકાવવા સંબંધી પગલા ભરવા જણાવેલ છે. આપણાં દેશમાં સદીઓથી કાળી ચૌદશની માથા ઘડ વગરની ડરામણી વાતો લોકમુખે સંભળાય છે. આ બધું બંધ કરીને કુરિવાજોને તિલાંજલી આપવા સમાજના દરેક વર્ગે કટિબઘ્ધ થવાની જરૂર છે. સરકારે પણ કાલા જાદુના વિરોધમાં અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાઈ તેવા કાર્યો પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કર્યો છે.
કાળી ચૌદશની અશુભ માન્યતાઓ
આ દિવસને વર્ષનો અશુભ દિવસ મનાય છે , એટલું જ નહીં આ દિવસે કોઇપણ શુભ કાર્ય પણ થતું નથી. અશુભ શકિતઓ કાઢવા માટે અનેક વિધિ વિધાન પણ કરાય છે. તાંત્રીક વિધી કાલા જાદુ માટે ઉત્તમ દિવસ મનાય છે. લોકોમાં એક માન્યતા મુજબ ભૂત-પ્રેતનો આત્મા શકિતશાળી બને છે. વાસ્તવમાં આવું કશું જ હોતું નથી. કેટલાય લોકોએ આ દિવસે પોતાના વ્યવસાય પણ શરૂ કર્યા છે. જે આજે સુંદર રીતે ચાલે છે. આ બધી અંધશ્રઘ્ધા છે. આજના વિજ્ઞાન યુગે આપણને ઘણું બધુ શિખવ્યું છે, ત્યારે વિચારોમાં બદલાવ લાવીને ઢોંગી ધૂતારાઓથી સાવચેત રહેવું જોઇએ.
1990 થી લોકોમાં વ્યાપેલી અંધશ્રઘ્ધા નિવારણ માટે જન વિજ્ઞાન જાથાનાં જયંત પંડયા વનમેન આર્મીની જેમ સક્રિય કાર્ય કરે છે.