એક સમયે દિકરીને દુધપીતી કરવાના ‘કાળા’ રીવાજનું નામ નિશાન સાવ મટયું: એક દીકરી હોવી જ જોઈએ- માતા-પિતાનો અભિપ્રાય અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, મુસ્લિમ અને આર્થિક રીતે પછાત ગામડાઓના મહિલા-પુરુષો દિકરીને પ્રાધન્ય આપે છે: સર્વે
દિકરી વ્હાલનો દરીયો… આજે પણ ૭૯ ટકા મહિલાઓ અને ૭૮ પુરુષો લક્ષ્મીજી એટલે કે દિકરી ઈચ્છે છે. આ વાત નેશનલ ફેમીલી હેલ્થ સર્વે -એનએફએચએસ પરથી જાણવા મળી છે. તેમાં પણ રસપ્રદ બાબત તો એ જાણવા મળી છે કે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, મુસ્લિમ અને આર્થિક રીતે પછાત ગામડાઓના મહિલા-પુરુષો દિકરી હોવા પ્રત્યે આતુર છે અને એક દિકરી તો હોવી જ જોઈએ તેવું માને છે.
એક સમયે દિકરી પ્રત્યે ભારે અણગમો હતો. દિકરી જન્મે તો તેને દુધ પીતી કરી દેવાનો કાળો રીવાજ હતો. આજના સમયે આવી કુપ્રથાના કોઈ નામ નિશાન તો નથી જ પરંતુ આ સાથે લોકો જાગૃત થયા છે અને દિકરીનું મહત્વ સમજતા થયા છે. એટલે જ એનએફએચના સર્વેમાં ‘દિકરી વ્હાલનો દરીયો’ સુવાકય ચરિતાર્થ થયું છે. તેમજ વર્ષ ૨૦૦૫-૦૬માં કરવામાં આવેલા સર્વેની સરખામણીએ દીકરી ઈચ્છતા પુરુષોમાં ૬૫ ટકાનો અને મહિલાઓમાં ૭૪ ટકાનો વધારો થયો છે. હાલ, ભલે દિકરી ઈચ્છતા મા-બાપની સંખ્યામાં વધારો થયો હોય પણ હજુ પ્રાધાન્યતા તો પુત્રને જ અપાય છે.
સર્વે અનુસાર, શહેરી વિસ્તારમાં ૭૫% મહિલાઓ જયારે ગ્રામ્ય વિસ્તામાં ૮૧% મહિલાઓ એક દિકરી હોવી જોઈએ તેમ માને છે. દિકરી ઈચ્છતી માતાઓનું પ્રમાણ ગામડાઓમાં વધુ જોવા મળ્યું છે કે જેઓ બાર ધોરણ સુધી પણ ભણેલી નથી તેમ છતાં આ જાગૃતતા ગ્રામ્ય મહિલાઓમાં વધુ છે. પુરુષોની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં ૭૫% પુરુષો એવા છે કે જેઓ દિકરી ઈચ્છે છે જયારે ગામડાઓમાં ૮૦ ટકા પુરુષો જોવા મળ્યા છે.
ધર્મની આધારે જોવા જઈએ તો, ૮૧% મુસ્લિમો, ૭૯% બૌઘ્ધિસ અને ૭૯% હિન્દુ મહિલાઓ એક દિકરી હોવી જોઇએ તેમ ઈચ્છે છે. તેમાં પણ દિકરી ઈચ્છતી મહિલાઓનું પ્રમાણ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિમાં વધુ છે. જયારે ૮૨% સ્ત્રીઓ અને ૮૩% પુરુષો માને છે કે એક પુત્ર હોવો જ જોઈએ. ૧૯% પુરુષ મહિલાઓ એવું ઈચછે છે કે દિકરી કરતા દીકરા વધુ હોવા જોઈએ જયારે માત્ર ૩.૫% લોકો એ જ કહ્યું કે, કુટુંબમાં દિકરા કરતા દીકરી વધુ હોવી જોઈએ.