મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ સુરેશ ધનોરકરેનો નાણામંત્રી સમક્ષ દાવો:લોકસભા અને રાજ્ય સભાના 4,796 પૂર્વ સાંસદોને હાલ પેન્શન ચાલુ, સધ્ધર જોય તેનું પેન્શન બંધ કરવાની માંગ
દેશમાં 300 સાંસદો એવા જે ઉપર ચાલ્યા ગયા છતાં પેન્શન ચાલુ છે. એવો દાવો મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ સુરેશ ધનોરકરેએ નાણામંત્રી સમક્ષ કર્યો છે.
તેઓએ લોકસભા અને રાજ્યસભાના 4,796 પૂર્વ સાંસદોનું પેન્શન ચાલુ હોવાનું જણાવીને જે સાંસદો સધ્ધર હોય તેમનું પેન્શન બંધ કરવાની માંગ પણ કરી છે.
મહારાષ્ટ્રના કોંગ્રેસના સાંસદ સુરેશ ઉર્ફે બાલુ ધનોરકરે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે નાણામંત્રીને એવા પૂર્વ સાંસદોની પેન્શન બંધ કરવા માગ કરી હતી જે આર્થિકરૂપે મજબૂત છે. નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં ધનોરકરે કહ્યું કે લોકસભા અને રાજ્યસભાના 4,796 પૂર્વ સાંસદો પેન્શન લઈ રહ્યા છે અને તેમને પેન્શન ચૂકવવા માટે સરકાર દર વર્ષે 70 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. આ ઉપરાંત 300 પૂર્વ સાંસદ એવા છે જેમનું તો નિધન થઈ ગયું છે અને તેમના પરિવારના સભ્યો હજુ પણ પેન્શનનો લાભ લઈ રહ્યા છે.
લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સેલરી અને પેન્શન માટે 1954થી કાયદો છે. સમયાંતરે તેમાં સુધારા થતા રહ્યા છે. લોકસભાનો કાર્યકાળ એટલે કે 5 વર્ષ પૂરાં થવા પર 25 હજાર રુપિયાની પેન્શનના તેઓ હકદાર બની જાય છે. એ જ રીતે જો રાજ્યસભાનો એક કાર્યકાળ એટલે કે 6 વર્ષ પૂરાં કરી લે તો દર મહિને તેમને 27 હજાર રૂપિયા પેન્શન મળે છે. જો કોઈ સાંસદ 12 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહે તો તેમને 39 હજાર રૂપિયા પેન્શન દર મહિને મળે છે. આ તમામ માહિતી આરટીઆઈના જવાબમાં મળી હતી. લોકસભા અને રાજ્યસભા સાંસદોની પેન્શનની કામગીરી સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ સંભાળે છે.
એક આરટીઆઈના જવાબમાં સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસે જણાવ્યું કે લોકસભા અને રાજ્યસભાના પૂર્વ સાંસદોના પેન્શન પર 2021-22માં 78 કરોડથી વધુ ખર્ચ કરાયો હતો. અગાઉ 2020-21માં 99 કરોડ રૂ.થી વધુ ખર્ચ કરાયા હતા. એવો કોઈ નિયમ પણ નથી કે સાંસદો કે ધારાસભ્યો પેન્શન મેળવવા માટે એક નક્કી સમય સુધી આ પદે જળવાઇ રહે. એટલે કે જો કોઈ એક દિવસ માટે પણ સાંસદ કે ધારાસભ્ય બની જાય તો તેને આજીવન પેન્શન મળે છે. ફક્ત પેન્શન જ નહીં પણ અનેક સુવિધાઓ મળે છે. જો કોઈ સાંસદ ધારાસભ્ય પણ બની જાય તો તેને સાંસદની પેન્શન સાથે ધારાસભ્યનો પગાર પણ અપા છે. જ્યારે ધારાસભ્ય પદેથી હટે તો તેને સાંસદ અને ધારાસભ્ય એમ બંનેની પેન્શન મળવા લાગે છે.
રેખા,ચિરંજીવી,રાહુલ બજાજ જેવા પૂર્વ સાંસદોને પેન્શનની શું જરૂર ?
ધનોરકરે પત્રમાં એવા અનેક પૂર્વ સાંસદોના નામ પણ ગણાવ્યા છે જે આર્થિકરૂપે મજબૂત છે અને તેમ છતાં પેન્શન લઈ રહ્યા છે. તેમાં રાહુલ બજાજ, સંજય દાલમિયા, માયાવતી, સીતારામ યેચુરી, મણિશંકર અય્યર, બોલીવુડ અભિનેત્રી રેખા અને સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવી સામેલ છે. ધનોરકરે આ પત્રમાં લખ્યું કે આર્થિકરૂપે મજબૂત અનેક પૂર્વ સાંસદ એવા છે જે પેન્શનનો લાભ લઈ રહ્યા છે. તેમણે નાણામંત્રીથી એવા સાંસદોની પેન્શન બંધ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે એવા પૂર્વ સાંસદો જે ઈનકમ ટેક્સના 30% સ્લેબમાં આવે છે તેમને પેન્શનનો લાભ ન મળવો જોઇએ. તેમણે કહ્યું કે હું એ વાતને લઈને આશ્વસ્ત છું કે કોઈપણ દેશભક્ત પૂર્વ સાંસદને તેને લઈને કોઈ વાંધો નહીં હોય.