વિદેશી દેવું, નબળા સ્થાનિક ચલણ અને ઘટતા વિદેશી હૂંડિયામણના કારણે પાકિસ્તાનમાં ફુગાવો 37.97 ટકાએ પહોંચ્યો, જનજીવન અસ્તવ્યસ્ત
પાકિસ્તાન હાલમાં મોટા રાજકીય તેમજ આર્થિક સંકટની પકડમાં છે. વિદેશી દેવું, નબળા સ્થાનિક ચલણ અને ઘટતા વિદેશી હૂંડિયામણના ભંડાર સાથે ઝઝૂમી રહ્યું છે. ફુગાવાએ જુના તમામ રેકોર્ડ તોડી સતત ઉપર જઈ રહ્યો હોય હાલ 37.97 ટકાએ પહોંચ્યો છે.જેને કારણે ત્યાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા ચર. વાર્ષિક ધોરણે સૌથી વધુ વધારો આલ્કોહોલિક પીણાં અને તમાકુની શ્રેણીઓમાં 123.96 ટકા, મનોરંજન અને સંસ્કૃતિમાં 72.17 ટકા અને પરિવહનમાં 52.92 ટકાના દરે નોંધવામાં આવ્યો હતો.
ખાદ્ય જૂથમાં, પાછલા વર્ષની સરખામણીમાં મે મહિનામાં જે વસ્તુઓના ભાવમાં સૌથી વધુ વધારો થયો હતો તેમાં સિગારેટ, બટાકા, ઘઉંનો લોટ, ચા, ઘઉં અને ઈંડા અને ચોખાનો સમાવેશ થાય છે. નોન-ફૂડ કેટેગરીમાં પાઠ્યપુસ્તકો, સ્ટેશનરી, મોટર ઇંધણ, લોન્ડ્રી સાબુ, ડિટર્જન્ટ અને મેચની કિંમતમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. અગાઉ, વાર્ષિક ધોરણે ફુગાવાની સૌથી વધુ ટકાવારી એપ્રિલમાં 36.4 ટકા નોંધાઈ હતી. સીપીઆઈમાં તાજેતરના વધારા સાથે, આ નાણાકીય વર્ષના 11 મહિનામાંસરેરાશ ફુગાવો 29.16 ટકા પર પહોંચી ગયો છે, જે અગાઉના વર્ષમાં 11.29 ટકા હતો.
હવે પાકિસ્તાન માટે આઈએમએફ જ આશાનું કિરણ
આઈએમએફએ પણ શહેબાઝ શરીફની અરજી ફગાવી દીધી હતી અને લોન આપવાની સ્પષ્ટ ના કહી દીધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાન પાસે ફરી એકવાર આઈએમએફ પાસે અપીલ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પાકિસ્તાનમાં ગયા વર્ષે મે મહિનામાં મોંઘવારીનો દર 13.76 ટકા હતો, પરંતુ હવે તે ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર નવા નાણાપ્રધાન ઈશાક ડારને એવી આશા સાથે લાવી હતી કે તેઓ મોંઘવારી પર અંકુશ મેળવી શકશે અને આઈએમએફ પાસેથી લોન મેળવી શકશે, પરંતુ તેઓ સદંતર નિષ્ફળ સાબિત થયા છે.
મોંઘાઈમાં પાકિસ્તાને શ્રીલંકાને પણ પાછળ છોડ્યું
ઝીણાના સપનાનું પાકિસ્તાન હવે એશિયામાં સૌથી વધુ મોંઘવારી ધરાવતો દેશ બની ગયો છે. અત્યાર સુધી શ્રીલંકામાં સૌથી વધુ મોંઘવારી હતી પરંતુ પાકિસ્તાને તેને પાછળ છોડી દીધું છે. પાકિસ્તાનમાં જ્યાં મોંઘવારી સતત વધી રહી છે, ત્યાં શ્રીલંકામાં છેલ્લા 8 મહિનાથી તે ઝડપથી નીચે આવી રહી છે. શ્રીલંકામાં મોંઘવારી દર એપ્રિલમાં 35.3 ટકાની સરખામણીએ મે મહિનામાં 25.2 ટકા હતો. દરમિયાન, આઈએમએફ તરફથી લોનનો માર્ગ બંધ થયા બાદ હવે શ્રીલંકાની જેમ પાકિસ્તાનના ડિફોલ્ટનો ખતરો તોળાઈ રહ્યો છે.