જુનાગઢના રાજીવ ગાંધી પાર્કની હાલત સાવ ઉજ્જડ અને દયનીય સ્થિતિમાં મુકાઈ ગઈ છે, આ બાગની સંભાળ રાખનાર રોટરી ક્લબે રાજીવ ગાંધી પાર્કના નામને એક સાઈડ પર ધકેલી દઈ, રોટરી વાટીકા નામ ધારણ કરાવ્યું હતું. તેમાં પણ આ ક્લબ કંઈ કરી શકી નથી અને તેના કારણે જુનાગઢ શહેરનુ એક ફરવા લાયક નજરાણું વેરાન બની જવા પામ્યું છે.જૂનાગઢ શહેરમાં 90ના દાયકામાં નગરપાલિકાના પ્રમુખ તરીકે ગીરીશભાઈ કોટેચા અને તેમની કોંગ્રેસ શાસિત ટીમ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કામોના તે વખતના મુખ્યમંત્રી સ્વ.ચીમનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયા હતા. જેમાં જૂનાગઢનું રાજીવ ગાંધી પાર્ક, ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક, સ્વિમિંગ પુલ તથા શહેરના મોટાભાગના રસ્તાઓ અને પાણી, ગટર તથા સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરાયા હતા.
તે સમયમાં નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ગિરીશભાઇ કોટેચા દ્વારા નગરપાલિકાના અધિકારીઓ તથા સભ્યોની એક ટીમને રાજ્યના અન્ય બગીચાઓની મુલાકાત લેવા મોકલાયા હતા, અને જૂનાગઢને કંઈક નેચરલ અને અલગ કહી શકાય તેવી બગીચાની ભેટ આપવા માટે બાઉદીન કોલેજની સામે આવેલ જગ્યામાં રાજીવ ગાંધી પાર્ક ખૂબ જ આધુનિક ઢબે તૈયાર કરવામાં આવ્યો હતો અને આ ગાર્ડન નેચરલ બને તે માટેના પૂરતા પ્રયત્ન કરી, જૂનાગઢ શહેરમાં સર્વપ્રથમ વખત મ્યુઝીકલ ફાઉન્ટન નખાવી જૂનાગઢને એક અણમોલ ભેટ આપી હતી.
સમયાંતરે રાજીવ ગાંધી પાર્કના મ્યુઝીકલ ફાઉન્ટન બંધ થઈ જવા પામ્યા હતા અને બાળકોના રમત-ગમતના સાધનો પણ તૂટી જવાની સાથે આવારા તત્વો અને પ્રેમી પંખીડાઓ માટે આ સ્થળ એક અડ્ડો બની ગયો હતો અને લોકો આ જગ્યાએ ફરવા જવાનો સંકોચ અનુભવી રહ્યા હતા પરંતુ બાદમાં ફરી આ બગીચાને જૂનાગઢના કમિશનર અને મેયર દ્વારા પૂર્વવત કરાયો હતો અને અંતે રાજીવ ગાંધી પાર્કની સંભાળ માટે જુનાગઢની રોટરી ક્લબ દ્વારા માગણી થતાં મનપા દ્વારા રોટરી ક્લબને રાજીવ ગાંધી પાર્ક સારસંભાળ અને જતન માટે સોંપવામાં આવ્યો હતો.
આ સિવાય આ બગીચાની અંદર જાહેરાતના તોતિંગ હોલ્ડિંગ પણ મારી દઈ આવકના સાધનો શરૂ કરી દીધા છે, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે અને કિંમતી જમીનમાં બનેલા બગીચો હવે લોકો માટે ફરવા લાયક રહ્યો નથી કારણ કે અહીં બેસવા માટે બેન્ચીસ કે સારી જગ્યા પણ બચવા પામી નથી.
મોટા ઉપાડે જૂનાગઢ શહેરના નજરાણાની સંભાળવાની જવાબદારી ઉપાડનાર રોટરી ક્લબ જુનાગઢના નગરજનોનું ફરવાલાયકનું જે સ્થળ હતું તે પણ સાચવી ન શકતા લોકોમાં ભારોભાર નારાજગી પ્રસરી જવા પામી છે, અને મનપા દ્વારા રોટરી ક્લબ પાસેથી આ બગીચાની સાર સંભાળ પરત ખેંચવામાં આવે અને સ્વર્ગસ્થ રાજીવ ગાંધી પાર્ક નામ સાથે આ બગીચાને પુન: જીવંત કરવામાં આવે તેવી પણ લોકો માંગણી પ્રબળ બની છે.