કારખાનેદારે પોતાની આપવીતી સ્યુસાઇડ નોટમાં વર્ણવી જીવન ટૂંકાવ્યું: અંતે પણ પડોશીનો આભાર માન્યો
બાળકોની શાળાની ફી પણ ભરી શકાતી નથી, પત્નીને પણ કામ પર જાઉં પડતું હોવાથી કારખાનેદારે અંતે મોત મીઠું કરતા પરિવારમાં કલ્પાંત
કોરોનાને કારણે કામધંધા ભાંગી પડતાં ગયા અનેક લોકોએ હિમ્મત હારી મોત મેળવી લીધું હતું. વધુ એક કિસ્સામાં દેવપરા શાક માર્કેટ પાસે પટેલ બેકરીવાળી શેરીમાં રહેતાં લુહાર કારખાનેદાર વિરેન્દ્રભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.46)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેમણે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં અરેરાટી ઉપજાવતી વિગતો લખવામાં આવી છે.
લોક ડાઉન મા કારખાનુ ઠપ્પ થઇ જતાં આર્થિક ભીંસ ઉભી થઇ જતાં આ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વિરેન્દ્રભાઇએ આ પગલુ ભરી લીધું હતું. પત્નિ ઉપરના માળે ગયા ત્યારે દરવાજો બંધ હોઇ ખખડાવવા છતાં ન ખોલાતાં તોડીને જોતાં લાશ લટકતી જોવા મળી હતી.
આપઘાત કરનાર વિરેન્દ્રભાઇએ એક સ્યુસાઇડ નોટ લખી છે, લોકડાઉનને એક વર્ષ પુરૂ થઇ ગયું છે પણ મારી જિંદગી હજી ત્યાં રૂકી ગઇ છે આ લોકડાઉનમાં મારું કારખાનું જે ઓમ ફર્નિચરથી ચાલતું હતું તે બંધ થઇ ગયું છે. સરકાર સાચા આંકડા સામે લાવતી નથી. લોનના હપ્તા ભરવાના, ગાડીના હપ્તા ભરવાના, ક્રેડીટ કાર્ડના પૈસા ભરવાના, ધંધો ચાલતો નથી તો કયાંથી પૈસા ભરવા? ઘરમાં આપણું કરવું કે આ બધા હપ્તા ભરવા. એક મહિનો છોકરો નિશાળે નથી ગયો, આખા વર્ષની ફી ભરવાની. હું અત્યારે બહુ આર્થિક ભીંસમાં આવી ગયો છું. મારી ઘરવાળીને પણ કામે જવું પડે છે. અત્યાર સુધી મેં જેમતેમ ચલાવ્યું, હવે મારાથી આ બોજ ઉપાડાતો નથી. હવે હું થાકી ગયો છું, સહન કરવાનું હતું તેટલું સહન કરી લીધું, હવે આ બધી તકલીફોની એક જ દવા છે મોત અને મોત એક જ એવો રસ્તો છે જ્યાં તમારી બધી તકલીફ પુરી થઇ જાય છે. મારે જ્યારે સારુ હતું ત્યારે બધાયને મદદ કરી છે પણ જ્યારે મારે મદદની જરૂર છે ત્યારે મને કોઇ મદદ કરતું નથી, જયાં નો માંગવાના હોય ત્યાં પણ પૈસા માંગી લીધા પણ ત્યાંથી જરાય મદદ ન આવી. આ તો લોકડાઉનમાં અમારા પાડોશી સારા છે જેણે અમને મદદ કરી છે નહિતર તો અમારે જીવતે જીવ મરવાનો વારો આવત. હું કહુ છું કે અમારા બધા પાડોશીનું ભગવાન સારુ કરે. સગા સંબંધી કરતાં તો પાડોશી સારા છે. ખૈર જાવા દો, આ બધી વાતો ને આવુ બધુ તો ચાલતું રહેતું હોય છે. મારી આત્મહત્યાની પાછળ કોઇ જવાબદાર નથી. મારું કારખાનુ બંધ થઇ ગયું છે અને હું જ્યાં ધંધો કરતો ત્યાં પણ હવે ધંધો નથી તેથી આર્થિક ભીંસમાં આવી ગયો છું અને તેની આત્મહત્યા કરું છું. મારા મોતનો હું જવાબદાર છું. મારી પાછળથી કોઇને હેરાન કરવા નહિ.’
વિરેન્દ્રભાઇ ને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. અગાઉ તેમને વિવેકાનંદ નગરમાં કારખાનુ હતું. પણ લોકડાઉનમાં તે બંધ થઇ ગયા બાદ તે ઘરઘંટીના કારખાનામાં કામે જતાં હતાં. ત્યાં પણ કામ બંધ થઇ ગયું હતુંઉ પરિવારના મોભીના આ પગલાથી પરમાર (લુહાર) પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.