ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ચોમાસાની સિઝન પર આધારિત રહે છે. જો સારો વરસાદ વરસે તો દેશમાં ધાન્યના ઢગલા ખડકાય છે. ચોમાસુ નબળું રહે તો પાણી સાથે ધાનની પણ અછત ઉભી થાય છે. આ વર્ષે ચોમાસુ સવાયું રહેશે તેવી શુકનવંતા વર્તારા વચ્ચે રાજ્યભરમાં શનિવારથી મેઘરાજાની મંગલકારી પધરામણી થવા પામી છે.

આકાશમાંથી ઇન્દ્રદેવ જ્યારે જળ વર્ષા કરે છે ત્યારે પ્રકૃત્તિ સોળે કલાએ ખીલી ઉઠે છે. વરસાદના કારણે લોકોના હૈયા હિલોળે ચડ્યા છે. જગતાત હોંશભેર વાવણી કાર્યમાં પરોવાય ગયો છે. ચોતરફથી મહામૂલા મહેમાન એવા મેઘરાજાને મીઠો આવકાર મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર માટે ગત વર્ષે ચોમાસાની સિઝન થોડી નબળી રહેવા પામી હતી. ધાર્યા પાક ઉતર્યા ન હતા. તેના કારણે ખેડૂતોમાં થોડી નિરાશા વ્યાપી જવા પામી હતી. આ વર્ષે મેઘરાજાનું સમયસર અને શાનદાર આગમન થયું હોવાના કારણે જગતાતના હૈયા મલકી રહ્યા છે. ચોતરફ જાણે આનંદ છવાઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે.

મેઘરાજાની સમયસર પધરામણીએ અનેક શુકનવંતા સંદેશાઓ આપી દીધા છે. હજુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ત્રણ દિવસ સુધી સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. આ વર્ષે સોળ આનીથી પણ સવાયું ચોમાસા રહે તેવા હૈયા ટાઢક આપતા અણસારો મળી રહ્યા છે. જો દેશભરમાં ચોમાસુ સારૂં રહેશે અને માંગ્યા મેહ વરસશે તો ભારતને વિશ્ર્વની ત્રીજી સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનતા દુનિયાની કોઇ તાકાત રોકી શકશે નહિં.

વર્ષમાં ભલે બાર મહિના હોય પરંતુ તેમાં જો ચોમાસાની સિઝનનો ધોરી માસ ગણાતા અષાઢને બાદ કરવામાં આવે તો વર્ષ ફિક્કું થઇ જાય છે. આ વખતે મેઘરાજાએ ભીમ અગિયારશનું શુકન સાચવી લીધું હતું અને વાવણી જોક વરસાદ વરસ્યો હતો. જેઠ માસમાં જ સારો વરસાદ વરસી ગયો છે. હજુ અષાઢ મહિનો બાકી છે. બધું સમુસુતરૂં ઉતરશે તો આ વખતે ધાન્યના ઢગલા થશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.