2 થી 3 ટકાનો વોટ શેર ચૂંટણી પરિણામ બદલી નાખે છે : વિપક્ષો પણ વોટશેર વધારવા ભેગા થયા
લોકસભાની ચૂંટણી પહેલાં પ્રમુખ રાજકીય પક્ષ સત્તાના સમીકરણ જોડવાના પ્રયાસો કરી રહ્યાં છે. એનડીએ અને વિરોધીઓનું ગઠબંધન I.N.D.I.A. બંને પોતપોતાનો વિસ્તાર કરી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પરાજય બાદ ભારતીય જનતા પાર્ટી હવે કર્ણાટક પર વિશેષ ધ્યાન આપી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને ભાજપ દક્ષિણના પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરવા માટે ફરી એકવાર પ્રયત્નશીલ છે. જેના ભાગ રુપે વધુ એક પક્ષ હવે ભાજપ સાથે હાથ મિલાવ્યો છે. એ વાત સ્પષ્ટ છે કે દેવગોડા પક્ષનો વોટિંગ શેર નાનો હોવા છતાં ભાજપને વધુ સીટ અપાવશે કે કેમ ? રાજકારણમાં એ વાત સ્પષ્ટ છે કે, 2 થી 3 ટકાનો વોટ શેર ચૂંટણી પરિણામ બદલી નાખે છે. જનતાદળ સાથે ભાજપનું ગઠબંધન થતા વોટિંગ શેરમાં પણ વધારો થાય તેવી હાલ શક્યતા સેવાઇ રહી છે. વિપક્ષો જે રીતે ભેગા થયા છે તેમનું પણ એજ માનવું છે કે વોટિંગ શેર વધારવામાં આવે.
ભારતીય જનતા પાર્ટી અને જનતાદળ સેક્યુલરમાં હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે મળતાં સમાચારો મૂજબ જેડીએસ પ્રમુખ એચડી દેવેગૌડા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાને મળ્યા પણ હતાં. જેડીએસ સાથે યુતી અંગે પ્રાથમિક ચર્ચાઓ પણ પૂરી થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે. કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે દેવેગૌડા અમારા વડા પ્રધાનને મળ્યા એ વાતનો અમને આનંદ છે. જેડીએસ તરફથી પાંચ બેઠકો માંગવામાં આવી રહી છે. જેમાં માંડ્યા, હાસન, તુમાકુરુ, ચિકબલ્લાપુર અને બેંગલુરુ ગ્રામીણ આ બેઠકો માટે જેડીએસનો આગ્રહ છે.
ભાજપ અને જેડીએસ જો સાથે આવે તો દક્ષિણ ભારતના આ રાજ્યમાં સામાજીક અને રાજકીય સમીકરણો સંપૂર્ણ રીતે બદલાશે. કર્ણાટકની જનસંખ્યાના 17 ટકા ભાગ ધરાવનાર લિંગાયત સમાજ ભાજપનો પારંપારિક મતદાર ગણાય છે. પૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદુયુરપ્પા પણ લિંગાયત સમાજના જ હતાં. જ્યારે લિંગાયત સમાજ બાદ 15 ટકા લોકસંખ્યા વોક્કાલિગા સમુદાયની છે. આ બીજો પ્રભાવશાળી સમુદાય છે. વોક્કાલિગા સમુદાયને પારંપારિક રીતે જેડીએસનો મતદાર માનવામાં આવે છે. ત્યારે જો ભાજપ જેડીએસ સાથે હશે તો એનડીએના ફાળે 30 ટકાથી વધુ વોટ જશે.
હવે પ્રશ્ન એ છે કે કર્ણાટકમાં સ્વબળે સરકાર ચલાવનારા ભાજપને લોકસભાની ચૂંટણી માટે જેડીએસની મદદ કેમ લેવી પડે છે? તેનો જવાબ 2023ના પરિણામોમાં છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 36.3 ટકા વોટ મળતાં ભાજપ 66 બેઠકો પર જીતી હતી. જ્યારે કોંગ્રેસને 43.2 ટકા વોટ મળતાં તેમનો 135 બેઠકો પર વિજય થયો હતો. જેડીએસનો 19 બેઠકો પર વિજય થયો હતો જોકે પક્ષનું મતદાન 13.4 ટકા રહ્યું હતું. વોટની ટકાવારી જોઇએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લગભગ 7 ટકા જેટલા મતોનું અંતર છે.