હોસ્પિટલમાં દાખલ ન થયા તે વીમા વળતરમાં કાતર મુકવાનું કારણ ન બની શકે : કન્ઝ્યુમર કમિશન

કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન, અમદાવાદ (શહેર)એ ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ કંપનીને કોવિડ-૧૯થી બીમાર પડેલા અને હોમ આઇસોલેશનમાં સારવાર લેતા દંપતીને વળતર પેટે ગેરવાજબી રીતે કપાત કરવામાં આવેલી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. કમિશને નોંધ્યું છે કે, કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ન હતી ત્યારે લોકો ઘરે જ સારવાર લઈ રહ્યા હતા તો તેને લઈને વળતરની રકમમાં કપાત કરી શકાય નહીં.

આ કેસમાં ભુલાભાઈ પાર્કના રહેવાસી કિન્નરી અને કિરણ ચોકસીનો સમાવેશ થાય છે. જેમણે ૫ લાખ રૂપિયાની કોરોના કવચ પોલિસી મેળવી હતી. જ્યારે તેઓ માર્ચ ૨૦૨૧માં કોરોના સંક્રમિત થયા ત્યારે તેઓએ એક ખાનગી હોસ્પિટલમાંથી સારવાર લીધી હતી જ્યારે હોસ્પિટલોમાં કોઈ બેડ ન હોવાથી ઘરે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. તેઓએ કિરણની સારવાર માટે ૧.૩૮ લાખ રૂપિયા અને કિન્નરી માટે ૧.૩૧ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે તેઓએ વળતરની માંગ કરી, ત્યારે વીમા કંપનીએ તેમને ૨૫૦૦૦ રૂપિયા ચૂકવ્યા. વીમા કંપનીએ એવી દલીલ કરી હતી કે, હોસ્પિટલે હોસ્પિટલાઇઝેશન ચાર્જ કરતાં વધુ અને કોવિડ પેકેજ કરતાં વધુ ચાર્જ વસૂલ્યો છે.

દંપતીએ કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એક્શન કમિટીના એડવોકેટ મુકેશ પરીખ મારફત વીમા કંપની સામે દાવો માંડ્યો હતો. કમિશને કહ્યું કે, પૈસા કાપવાનું કોઈ કારણ ઉપજતું નથી અને વીમા કંપનીને કિરણ અને કિન્નરીને અનુક્રમે રૂ. ૧.૧૩ લાખ અને રૂ. ૧.૦૬ લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કંપનીને વળતર તરીકે પ્રત્યેકને ૮૦૦૦ રૂપિયા વધારાનું ચૂકવવાનું પણ કહેવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.