નાશવંત શાકભાજી-ફળોને સરકારી ‘બળ’ મળશે

ભારતમાં ૩૩ ટકા શાકભાજી-ફળોની નુકસાનીની સાપેક્ષમાં વૈશ્વિક ટકાવારી માત્ર ૨ ટકા

ગૃહિણી અને ખેડૂતોને પરેશાન કરતા શાકભાજીના ભાવને હવે ‘સ્થિરતા’ અપાશે

કેરળ સરકારનું સ્તૃત્ય પગલું: ૧૬ નાશવંત શાકભાજી-ફળોને ‘ટેકો’ આપવાનો નિર્ણય

દર વર્ષે ખેડૂતો અને ગૃહિણીને શાકભાજીના ભાવમાં એકાએક થતાં ઉતાર ચઢાવ રડાવતા હોય છે. શાકભાજી, ફળ સહિતની ખેદ પેદાશોમાં ભાવના અસંતુલન પાછળ ઈન્ફાસ્ટ્રકચરનો અભાવ જવાબદાર છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બે ગણી થાય તે માટે પ્રયત્નશીલ છે ત્યારે ઈન્ફાસ્ટ્રકચરને મજબૂત બનાવી ખેડૂતોની આવક વધે તે માટે પ્રયત્નો થઈ શકે છે. બીજી તરફ નાશવંત ગણાતા શાકભાજી-ફળોને યોગ્ય સમયે ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે તો બગાડ અટકી શકે છે. ભારતમાં સરેરાશ ખેત ઉત્પાદનમાં ૩૩ ટકા નાશવંત પ્રોડકટ હોય છે. વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ સહિતના ઈન્ફાસ્ટ્રકચરના અભાવના કારણે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકશાન થાય છે. વિશ્ર્વના અન્ય દેશોમાં આવી નુકશાનીનું પ્રમાણ માત્ર ૨ ટકા જ છે.

નાશવંત શાકભાજી-ફળોને ગ્રાહક સુધી પહોંચાડવા યોગ્ય ઈન્ફાસ્ટ્રકચર નિર્માણની સાથો સાથ ટેકાના ભાવ પણ મળી રહે તે માટે કેરળ સરકારે આખા દેશને પથદર્શક બને તેવો નિર્ણય લીધો છે. કેરળમાં રાજ્ય સરકારની યોજના અંતર્ગત વિવિધ ૧૬ શાકભાજી-ફળો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આ ટેકાના ભાવ ઉત્પાદન ખર્ચથી ૨૦ ટકા વધુ રહેશે. જેથી હવેથી કેરળમાં બજાર ભાવ ટેકાના ભાવ કરતા નીચે સરી જશે તો પણ તેમના શાકભાજી-ફળો તંત્ર દ્વારા ખરીદી લેવામાં આવશે. આ યોજના હેઠળ અત્યારે સુધીમાં ૧૬ શાકભાજી-ફળોને આવરી લેવામાં આવ્યા છે.

કેરળ સરકારનું આ પ્રેરણાદાયી પગલુ અન્ય રાજ્યોની સરકાર પણ અનુસરે તે જરૂરી છે. દર વર્ષે શાકભાજીના ભાવમાં થતો ઉછાળો-ઘટાડો ગ્રાહકની સાથે ઉત્પાદક માટે પણ માથાનો દુ:ખાવો બની જાય છે. તાજેતરનો જ દાખલો લઈએ તો ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી ગૃહિણીઓ પરેશાન થઈ હતી. એક સમયે ભાવ એટલા તળીયે હતા કે, ખેડૂતોને અસંતોષ ઉભો થયો હતો. જેથી ખેત પેદાશો બગડે નહીં તે માટે કોલ્ડ સ્ટોરેજ તેમજ રેફ્રીજરેટર ધરાવતા વાહનોને વસાવવાની જરૂર ઉભી થઈ છે. આ બાબતે પણ કેરળ સરકાર અન્યો કરતા એક ડગલુ આગળ રહી છે. કેરળ સરકારે શાકભાજી-ફળોના ટેકાના ભાવની સ્કીમની સાથો સાથ સપ્લાય ચેઈન વિકસાવવા ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તાજેતરમાં મોદી સરકારે મહત્વના કૃષિ બીલ પારીત કર્યા હતા. ખેડૂતોને રાહત રહે તે માટે ટેકાના ભાવ મળી રહે તેના પ્રયાસો પણ કર્યા હતા. આ ઉપરાંત ખેતી સુધારણા મુદ્દે પણ કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલા લીધા છે. ખેડૂતોને ધિરાણ, કોન્ટ્રાકટ ફાર્મિંગ, સપ્લાય ચેઈન વિકસાવવી સહિતના વિકાસના પગલા મોદી સરકાર લઈ ચૂકી છે. ત્યારે હવે કેરળ સરકારે નાશવંત શાકભાજી-ફળોને ટેકો આપતા અસ્થિર રહેતા ભાવને સ્થિરતા આપવામાં સરળતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.