શહેરના નાગરીકો પોતાની સુરક્ષાની જવાબદારી પોલીસને સોપતા હોય છે કે જેથી પોલીસકર્મીઓ લોકોની રખેવાળી કરતા હોય છે ત્યારે રાજયમાં એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં ભેજાબાઝ ગઠીયાઓએ પોલીસકર્મીઓને પણ છોડ્યા નહી અને પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસના નાક નીચે બે વાહનોની ચોરી કરી હતી ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મહેસાણા જીલ્લાના કડી તાલુકાની છે જ્યાં તસ્કરો અને લૂંટારો કડી પંથક ની અંદર બેફામ બની ગયા છે. કડી પોલીસ સ્ટેશન પણ અસુરક્ષિત હોય તેવું જોવા મળી રહ્યું છે જેમાં પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલા બે વાહનો પોલીસના નાક નીચેથી ગઠીયાઓ ચોરી ગયા હતા. પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા વાહનોમાંથી અજાણ્યા ઇસમો પોલીસના નાક નીચેથી બે બુલેટ ચોરી ગયા હતા ત્યારે કડીની આ ઘટના જનતામાં ચર્ચાનો વિષય બની છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
કડી પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુનામાં કામમાં વપરાયેલા વાહનો જપ્ત કરી રાખવામાં આવ્યા હતા. ત્યારે ચોરીમાં જ વપરાયેલા વાહનોની ચોરી કરીને તસ્કરોએ હાથ અજમાવી બે બુલેટની ચોરી કરી હતી. કડી પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા જશવંતસિંહ ગુનામાં ઝડપાયેલા વાહનોની ચકાસણી કરી રહ્યા હતા જે દરમિયાન તેઓને માલુમ પડ્યું હતું કે પ્રોવિઝન જેવા ગુનામાં ઝડપાયેલા બે બુલેટ ની ચોરી થઈ ગઈ છે.
ત્યારબાદ તેઓએ કડી પોલીસ સ્ટેશનના પીઆઇ ને જાણ કરી હતી જ્યાં કડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખેલ GJ 2 DF 1012 અને GJ 27 CR 7881 નંબરના બે બુલેટ ની ચોરી થતા કડી પોલીસ હરકતમાં આવી ગઈ હતી જ્યાં પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ કરતાં બે બુલેટો મળીના આવતા કડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી હતી. બંને બુલેટ ચોરાઈ જતા મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી,DYSP સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરી હતી.