દેશની સુરક્ષામાં છીંડુ?
સોલિસિટર જનરલે યાસીનની સુપ્રીમ કોર્ટમાં હાજરીને ગંભીર બેદરકારી ગણાવી
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)નો વડો અને ‘ખૂંખાર’ અલગાવવાદી આતંકી યાસિન મલિકને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભારે પોલીસ સુરક્ષા વચ્ચે તેને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તે જ સમયે સુપ્રીમ કોર્ટે યાસીન મલિકની હાજરી પર નારાજગી વ્યક્ત કરી હતી અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેને મોટી ભૂલ ગણાવી કહ્યું હતું કે આ સમયે યાસીન ફરાર થઈ જાય તેવી પ્રબળ શક્યતા હતી.
સોલિસિટર જનરલે ગૃહ સચિવને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં યાસીન મલિકની હાજરી સુરક્ષામાં ગંભીર ખામી હતી, તે ભાગી ગયો હોત અથવા તેને બળજબરીથી લઈ જવામાં આવ્યો હોત અથવા મારી નાખવામાં આવ્યો હોત તો તેનો જવાબદાર કોણ? ગૃહ સચિવને લખેલા પત્રમાં તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ અઘટીત ઘટના બનશે તો સુપ્રીમ કોર્ટની સુરક્ષા પણ ગંભીર જોખમમાં મુકાશે.
સોલિસિટર જનરલે રજૂઆત કરી હતી કે યાસીન મલિકના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી સીઆરપીસી કોડની કલમ 268 હેઠળનો આદેશ અમલમાં હતો, ત્યાં સુધી જેલ સત્તાધીશો પાસે તેને જેલ પરિસરમાંથી બહાર લાવવાની કોઈ સત્તા નહોતી અને ન તો તેમની પાસે આવું કરવાનું કોઈ કારણ હતું.
સોલિસિટર જનરલે વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષાની આ ખામીને ગંભીર બાબત ગણીને ફરી એકવાર તેને તમારા અંગત ધ્યાન પર લાવો જેથી તમારા તરફથી યોગ્ય કાર્યવાહી અને પગલાં લેવામાં આવે. તેમણે કહ્યું કે જ્યારે સમાચાર આવ્યા કે જેલ સત્તાધીશો વ્યક્તિગત રીતે યાસીન મલિકને સુપ્રીમ કોર્ટમાં હાજર થવા લાવી રહ્યા છે, ત્યારે બધા ચોંકી ગયા હતા.
યાસિન મલિક જે આતંકવાદી ભંડોળના કેસમાં દોષિત જાહેર થયા બાદ તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, તેને જમ્મુ કોર્ટના આદેશ સામે સીબીઆઈની અપીલની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલો જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ સમક્ષ નોંધવામાં આવ્યો હતો. ન્યાયાધીશ દત્તાએ પોતાને આ મામલાથી અલગ કરી લીધા છે.
ન્યાયાધીશ મૂંઝવણમાં હતા કે મલિક કેવી રીતે રૂબરૂ હાજર થયો જ્યારે તેની શારીરિક હાજરી માટે કોઈ આદેશ પસાર કરવામાં આવ્યો ન હતો. મલિકને સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓ દ્વારા એસ્કોર્ટ કરાયેલી ઉચ્ચ સુરક્ષાવાળી જેલ વાનમાં તિહારથી સર્વોચ્ચ અદાલતના સંકુલમાં લાવવામાં આવ્યો હતો.જસ્ટિસ સૂર્યકાન્તે સૂચવ્યું હતું કે જો જરૂર પડે તો મલિક વર્ચ્યુઅલ માધ્યમથી કોર્ટ સમક્ષ હાજર રહી શકે છે.