મોલ કલ્ચર અને ઓનલાઇન ખરીદીને લીધે બજારોમાં માત્ર ભીડ જોવા મળે છે: હવે તહેવારોની રંગત માત્ર આગલા દિવસે જોવા મળે છે
કોરોના મહામારીએ આપણને જીવનમાં ઘણું શીખવ્યું છે. રંગીલા રાજકોટની પ્રજા તહેવાર પ્રિય છે સાથે લગભગ દર માસે આવતા તહેવારના રંગે રાજકોટિયન્સ રંગાય છે. આજે બજારોમાં ભીડ જોવા મળે છે, પણ નાના વેપારીઓને ખરીદીનો પ્રશ્ર્ન સતાવે છે.
હાલના વાતાવરણે સાધન સંપન્ન કે શ્રીમંત માણસો ઘૂમ ખરીદી કરે છે, પૈસા વાપરે છે પણ મઘ્યમ વર્ગ ખર્ચ કરતો નથી તે આવનારી વિકટ સ્થિતિમાં સંતુલન જાળવવા માટે ખોટા ખર્ચા કરતો નથી. બજારોમાં ખરીદી નીકળી છે, પણ ખરા અર્થની ‘ખરીદી’ કયાંય જોવા મળતી નથી.
આજના ઇન્ટરનેટ યુગમાં ઓનલાઇન ખરીદીનું માર્કેટ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો મોલ કલ્ચરે પણ નાના વેપારીઓને ભાંગી નાખ્યા છે. પવર્તમાન સંજોગોમાં તો લોકો જરુરીયાત પૂરતી ખરીદી કરીને હેમખેમ આ તહેવારો કાઢવા માંગે છે.
વર્ષો પહેલા તહેવારોની રોનક 15-20 દિવસ પહેલા જ શરુ થઇ જતી હતી પણ હવે તો માત્ર આગલા દિવસે સાંજે થોડી રોનક દેખાય તેવો માહોલ જોવા મળે છે. લોકો બધુ ઓનલાઇન જ મંગાવી લેતા હોવાથી બજારોમાં માત્ર લટાર મારવા નીકળે છે. આપણાં સૌથી મોટા તહેવારોમાં દિવાળીના પર્વને ગણવામાં આવે છે જેમાં ઘરની સાફ સફાઇ સાથે નવી નવી વસ્તુઓ લોકો ખીરદતા હોય છે.
પરિવારમાં નવ વસ્ત્રો અને ઘરની નવી જરુરીયાતની વસ્તુઓ તથા દિપોત્સવની પર્વની જરુરીયાત મુજબની ખરીદીમાં રંગોળીના કલર, તોરણ, લાઇટીંગ, દિવડા જેવી વસ્તુઓ ખરીદતા હોય છે. આજે બજારોમાં રાજકોટની સાંજે દિપોત્સવથી પર્વે ના દિવસોમાં ભીડ જોવા મળે છે પણ વેપારીઓ જણાવે છે ‘ખરીદી’ નથી, દિવાળીનો માહોલ નથી.