અબતક-રાજકોટ
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી કરવા થનગનતા યુવાધનની ઢીલ રાજ્ય સરકારે ખેંચી લીધી છે. આજથી રાજ્યભરમાં મક્રર સંક્રાંતિનું જાહેરનામું અમલમાં આવી ગયું છે જે 17મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. મકાન કે ફ્લેટના ધાબા કે અગાસી પર એકત્રિત થનારા લોકોએ મોઢા પર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજીયાત કરવાનું રહેશે.
સોસાયટીના સભ્યો સિવાયના લોકો અગાસી પર ભેગા થશે તો પ્રમુખ-સેક્રેટરી સામે કાર્યવાહી થશે
જો સોસાયટીના સભ્યો સિવાયના લોકો ભેગા થશે તો સોસાયટીના પ્રમુખ કે સેક્રેટરી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મક્રરસંક્રાંતિની ઉજવણી માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેની આજથી અમલવારી શરૂ થઇ જશે. આ જાહેરનામું 17મી સુધી અમલમાં રહેશે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે કોઇપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ વગેરે પર એકત્રીત થઇ શકાશે નહીં તેમજ પતંગ ચગાવી શકાશે નહીં. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિ માં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે તેવી અપીલ કરાય છે.
અગાસી પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ ફરજિયાત
માસ્ક વિના કોઇપણ વ્યક્તિ ધાબા, અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહીં. ત્યાં ઉ5સ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાત પણે કરવાની રહેશે. ધાબા-અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફ્લેટ, રહેણાંક સોસાયટી સંબંધિત કોઇ પણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી, ફ્લેટના સેક્રેટરી, અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને વિરૂધ્ધ નિયાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
ડી.જે., લાઉડ સ્પીકર કે કોઇ પણ પ્રકારની મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ
અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઇપણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
સિનિયર સિટીઝનો, સગર્ભા, ગંભીર બિમારીથી પિડાતા લોકો અને
10 વર્ષથી નીચેના બાળકોને અગાસી પર ન જવા સલાહ
65 વર્ષથી વધુ વયના વયસ્ક વ્યક્તિઓ, અન્ય રોગોથી પિડીત વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ ઘરે રહે તે સલાહભર્યું છે. કોઇપણ વ્યક્તિ જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઇપણ પ્રકારના લખાણો, સ્લોગન, ચિત્રો પતંગ પર લખી શકાશે નહીં. સુપ્રિમ કોર્ટ, હાઇકોર્ટ એનજીટીની સુચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક, કાંચ પાયેલા માંઝા, પ્લાસ્ટીક દોરી વિગેરે પ્રતિબંધિત રહેશે. જે વ્યક્તિઓ રાજ્યમાં જુદા-જુદા શહેરોએ આવેલ પતંગ બજાર જેવા કે અમદાવાદ શહેરમાં આવેલ રાયપુર, ટંકશાળ, નરોડાની મુલાકાત લે ત્યારે કોવિડ સંબંધી દિશા નિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે.
જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ પતંગ ચગાવવા પર પ્રતિબંધ
રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા, માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ આણંદ તથા નડીયાદ શહેરમાં લાગુ કરવામાં આવેલ રાત્રિ કર્ફ્યુનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. તમામ સુચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલીગ રાખવાનું રહેશે તથા જરૂરીયાત અનુસાર ડ્રોન તેમજ સીસીટીવી મારફતે પણ સર્વેલન્સ કરવામાં આવશે. જાહેરનામાનું ઉલ્લઘંન કરનાર વ્યક્તિ સામે ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 તેમજ આઇપીસી કલમ-1960ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.