- 13 કોર્પોરેટરો બોર્ડમાં ગેરહાજર: વશરામ સાગઠીયાએ રોગચાળાના પ્રશ્ર્નની ચર્ચાની માંગ કરતા તેઓને સભાગૃહની બહાર કઢાયા: બાલ મંદિરના બાળકોની જેમ કોર્પોરેટરોએ મચાવ્યો હંગામો
રાજકોટ મહાનગર પાલિકામાં આજે કોર્પોરેશનના 51માં સ્થાપના દિને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં પ્રજાના પ્રશ્ર્નોનો ઉલાળીયો કરવામાં આવ્યો હતો. રોગચાળાના પ્રશ્ર્નની ચર્ચા કરવાની સતત માંગણી કરી રહેલા કોંગી કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાને સભાગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.
જનરલ બોર્ડની બેઠક પૂર્વ જ ભારે હંગામો સર્જાયો હતો. બંદોબસ્ત માટે હાજર રહેલી પોલીસે કોંગી કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાની તલાશી લેતા તેઓને વાંધો ઉપાડ્યો હતો. કોર્પોરેટરો પાસેથી કંઇ વાંધાજનક નથીને તેનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વશરામભાઇ સાગઠીયાએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે હું થોડો આતંકવાદી છું તો મને ચેક કરવામાં આવે છે. કોર્પોરેટરોને બોર્ડની ગરમી વિશે ખ્યાલ જ હોય છે. સાગઠીયા અને વિજીલન્સ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
દર બે મહિને કોર્પોરેશનમાં મળતી જનરલ બોર્ડની બેઠકમાં એક કલાકના પ્રશ્ર્નોત્તરી કાળમાં જનતાને અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચાઓ કરવામાં આવે છે. પરંતુ વણલખી પરંપરા મુજબ માત્ર એક જ પ્રશ્ર્નની ચર્ચામાં એક કલાકનો સમય વેડફી નાખવામાં આવે છે. આજે કોર્પોરેશનના 52માં સ્થાપના દિને પણ કોર્પોરેટરો પ્રજાને અસર કરતા પ્રશ્ર્નોની તંદુરસ્ત ચર્ચા કરવાના બદલે મગનભાઇ સોરઠીયાના પ્રશ્ર્નની ચર્ચામાં સમય વેડફી નાંખ્યો હતો. વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ હાલ શહેરમાં ફાટી નિકળેલા રોગચાળા અને ડેન્ગ્યૂથી થતા મોત અંગે બોર્ડમાં ચર્ચા થવી જોઇએ. આપણે પ્રજાના પૈસામાંથી પગાર લઇએ છીએ પ્રજા આપણી માલીક છે અને માલીકને તમામ પ્રશ્ર્નોના જવાબ આપવા જોઇએ તેવી માંગણી કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક મનિષ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ નેતા વિનુભાઇ ઘવા સહિતના ભાાજપના કોર્પોરેટરો તુટી પડ્યા હતા. વશરામભાઇ પોતાની માંગ પર અડગ રહ્યા હતા. પ્રશ્ર્નોત્તરી કાળ સાથે બોર્ડની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરતા હોવાના બહાના તળે તેઓને સભાગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
વિપક્ષની ગેરહાજરીમાં ભાજપના શાસકોને મોકળુ મેદાન મળી ગયું હતું. પ્રશ્ર્નોત્તરી કાળમાં ભાજપના 16 કોર્પોરેટરોએ 18 સવાલો અને કોંગ્રેસના બે કોર્પોરેટરોએ 6 સવાલ પૂછ્યા હતા. એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળનો સમય માત્ર એક જ પ્રશ્ર્નની ચર્ચામાં વેડફી નાખવામાં આવ્યો હતો.
કોર્પોરેશનના સ્થાપના દિને જ મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો બાલ મંદિરના બાળકોની માફક બાખડ્યા હતા. બોર્ડની ગરીમાનું વસ્ત્રાહરણ થયું હતું. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ હાલ રજા પર હોય મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને સોંપવામાં આવ્યો છે. આજે ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર બોર્ડમાં આવ્યા ન હતા. જેના કારણે ડીએમસી સ્વપ્નિલ ખરેએ બોર્ડ ચલાવ્યું0 હતું. બોર્ડમાં ભાજપના કોર્પોરેટર અલ્પેશભાઇ મોરઝરીયા, મિતલ લાઠીયા, ભારતીબેન પરસાણા, વર્ષાબેન પાંધી, ડો.દર્શિતાબેન શાહ, ડો.નેહલ શુક્લ, નરેન્દ્રસિંહ જાડેજા, રાણાભાઇ સાગઠીયા, સુરેશભાઇ વસોયા, પ્રદિપ ડવ અને દક્ષાબેન વાઘેલાએ રજા રિપોર્ટ મુક્યા હતા. જ્યારે રવજીભાઇ મકવાણા અને મકબૂલભાઇ દાઉદાણી ગેરહાજર રહ્યા હતા. બોર્ડમાં પૂર્વ કોર્પોરેટર સ્વ.રંજનબેન રાવલના નિધન બદલ શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સફાઈ કામદારોને સેવાનિવૃત્તિ આપી, તેઓની જગ્યાએ તેમના વારસદારને નિમણુંક આપવા, વોર્ડ નં.02માં રેસકોર્ષ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે આવેલ સર્કલનું “ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ” નામકરણ કરવા તેમજ સ્વાતંત્ર સેનાની ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમા મુકવા માટે જગ્યા ફાળવવા, નાયબ કમિશનરઓને રૂ.10 લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા એનાયત કરવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પાર્ટટાઇમ હમાલનો પગાર વધારો મંજુર કરવા, વોર્ડ નં.03માં મુસ્લિમ લાઈનમાં તથા જુની લોધાવાડ પોસ્ટ ઓફીસવાળા ઢાળીયો પાસે આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ તથા નરસંગપરામાં આવેલ કોમ્યુનિટી ટોઇલેટ દૂર કરવા, વોર્ડ નં.07/બ માં વિજય પ્લોટ શેરી નં.02, વોંકળાના કાંઠે આવેલ પે એન્ડ યુઝ ટોઇલેટ દૂર કરવાની દરખાસ્ત બહાલી આપવામાં આવી હતી.
અરજન્ટ બિઝનેશને સર્વાનુમત્તે બહાલી અપાય હતી.
જેમાં ધ સ્ટ્રીટ વેન્ડર્સ(પ્રોટેકશન ઓફ લાઈવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) એક્ટ, 2014ની કલમ 22 અને ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ(પ્રોટેકશન ઓફ લાઈવલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) નિયમો, 2016ની જોગવાઈ મુજબ ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવા, હોકર્સ ઝોનમાં રજીસ્ટ્રેશન અને માસિક ભાડાના દરો તથા નિયમો રિવાઈઝડ કરવા, ટી.પી સ્કીમનં.32(રૈયા) 930 એકર જગ્યામાં વિકસાવવામાં આવેલ વિસ્તારનું અટલ સ્માર્ટ સિટી-રાજકોટ નામકરણ કરવા તેમજ સંબંધિત જગ્યામાં આવેલ સરોવરનું નામ અટલ સરોવર કરવાને મંજૂરી આપવામાં આવી હતી.
રોગચાળાની ચર્ચા કરવાના વશરામ સાગઠીયાના પ્રશ્ર્નને ધ્યાને જ ન લેવાયો
શહેરમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આજે જનરલ બોર્ડમાં રોગચાળાની તંદુરસ્ત ચર્ચા કરવાના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાના પ્રશ્ર્નને ભાજપે ગણકાર્યો ન હતો. વિરોધ પક્ષના નેતા વશરાભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે શહેરમાં છેલ્લા ચાર અઠવાડિયામાં ફક્ત શંકાસ્પદ ડેન્ગ્યુ તાવથી બે વ્યક્તિના મોત દર્શાવવામાં આવ્યા છે. જ્યારે હકીકતે આ મૃત્યુઆંક વધારે છે. આ બે મૃત્યુ એટલા માટે દર્શાવવામાં આવ્યા હોય તેવું દેખાય છે કે મહાપાલિકાના કર્મચારી હતા અને બીજા એક પ્રેસ રિપોર્ટરના પરિવારના હતા એટલા માટે આ બે મૃત્યુનોંધ એક જ દિવસે થયા છે. તે દર્શાવવામાં આવેલા છે તો બાકીના ચાર અઠવાડિયાના મૃત્યુના આંકડા ક્યાં અને કેટલા મૃત્યુ થયા? ચાર અઠવાડિયામાં ડેન્ગ્યુ તાવના 77 કેસો, મેલેરિયાના પાંચ કેસો, ચિકનગુનિયાના ત્રણ કેસો બતાવવામાં આવ્યા છે. આ રાજકોટ મહાનગરપાલિકાના આંકડા છે જે સરકારને આપવામાં આવે છે અને તે પણ ખોટા ભાજપના શાસકોને શરમ આવવી જોઈએ કે રાજકોટની જનતાની પૂર્તિ આરોગ્યની સેવા તો નથી આપી શકતા પરંતુ ખોટા આંકડા તો ન આપે શરદી, તાવ, ઉધરસ ઝાડા-ઉલટી, ટાઈફોડ અને કમળાના તો હજારો કેસો છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ચોંપડે છેલ્લા ચાર અઠવાડિયાના 8281 કેસો નોંધાયા છે આવું ખોટું કરવાથી ભાજપને કે તેના અધિકારીઓને શું ફાયદો થવાનો છે. હકીકતમાં રાજકોટ મહાનગરપાલિકાની સાચી સ્થિતિ જાહેર કરવી જોઈએ શું આનાથી ભાજપને નુકસાન થવાનું લાગે છે કે પછી આમાં ક્યાંકને ક્યાંક કૌભાંડો થઇ રહ્યા છે. તેવી શંકા વ્યક્ત કરી હતી.